________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫
ભાવાર્થ :- “દર્શનાદિક ગુણોની પ્રાપ્તિ માટે રાત્રિદિવસ વિભાવ પદાર્થોમાં રાગદ્વેષ તજીને તે પદાર્થોથી પાછા ફરવું તેને સ્થિરતા કહેલી છે.”
આ સ્થિરતા પૂર્વાચાર્યોએ ઘણે પ્રકારે વર્ણવેલી છે. તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણની સ્થિરતા ક્રિયારહિત હોવાથી અને પુદગલોની સ્થિરતા અંધાદિ નિબદ્ધ હોવાથી તે આત્મતત્ત્વના સાધનમાં હેતુભૂત નથી, પણ આત્માની સ્થિરતા જ હેતુભૂત છે. તેમાં નામસ્થિરતા અને સ્થાપનાસ્થિરતા તો પૂર્વની જેમ સુગમ છે. દ્રવ્યથી સ્થિરતા એટલે યોગચેષ્ટાનો રોધ કરવો તે. દ્રવ્યને વિષે સ્થિરતા એટલે મમ્મણ શ્રેષ્ઠિની જેમ પ્રાપ્ત થયેલા દ્રવ્ય (ધન)નો વ્યય કરવાની ઈચ્છા પણ ન કરવી તે. અથવા દ્રવ્યસ્થિરતા એટલે શરીરમાં રોગાદિક ઉત્પન્ન થવાથી મળકોષ્ટબંધરૂપ (મલમૂત્રાદિકનો રોધ) થાય છે તે. અથવા તે બન્નેથી વ્યતિરિક્ત-સ્વરૂપના ઉપયોગથી શૂન્ય અને સાધ્યથી વિકળ એવા મનુષ્યની પ્રામાદિકને વિષે તથા કાયોત્સર્ગાદિમાં સ્થિરતા થાય છે તે પણ દ્રવ્ય સ્થિરતા કહેવાય છે. કહ્યું છે કે :
अस्थिरे हृदये चित्रा, वाङ्नेत्राकारगोपना ।
पुंश्चल्या इव कल्याणकारिणी न प्रकीर्तिता ॥१॥ ભાવાર્થ - “હૃદય સ્થિર ન હોય એટલે પરભાવમાં પ્રવર્તતું હોય, છતાં વિચિત્ર એવી વાણી, નેત્ર તથા આકારની દ્રવ્યક્રિયારૂપ ગોપના-તે પુંશ્ચલી (અસતી) સ્ત્રીની જેમ હિત કરનારી કહેલ નથી.”
જૈનશાસનમાં ભાવની અભિલાષી એવી દ્રવ્યક્રિયા જ પ્રશસ્ત કહેલી છે. ભાવરહિત ક્રિયા બિલાડાના ધ્યાન જેવી નિષ્ફળ છે. કેટલાએકને દ્રવ્ય ક્રિયા પરંપરાએ કરીને ધર્મના હેતપણે થાય છે એમ તત્ત્વાર્થમાં કહેલું છે, પણ તે દેવાદિકના સુખની તથા યશ વગેરેની વાંચ્છા રહિત કરેલી ક્રિયા સમજવી, લોકસંજ્ઞામાં આરૂઢ થયેલાએ લોકમાં ખ્યાતિ વગેરેની ઈચ્છા માટે કરેલી ન સમજવી. ભાવસ્થિરતા અશુદ્ધ અને શુદ્ધ ભેદે કરીને બે પ્રકારની છે. તેમાં રાગદ્વેષમાં તન્મયતા-સ્થિરતા તે અશુદ્ધ ભાવસ્થિરતા કહેવાય છે અને સમ્યગૂ જ્ઞાનાદિક સ્વરૂપમાં તન્મયપણારૂપ સ્થિરતા તે શુદ્ધ ભાવસ્થિરતા કહેવાય છે.
સાધ્યની અભિલાષાએ કરીને સાધ્યને યોગ્ય ઉદ્યમના પરિણામના કારણભૂત યોગાદિક દ્રવ્યાશ્રવનો ત્યાગ કરવાથી થયેલી જે સ્થિરતા તે પહેલા ચાર નયરૂપ છે, જે સમ્યગ્દર્શનાદિકે કરીને આત્મસ્વરૂપ નિષ્પાદન કરવા માટે અભ્યાસવાળી સ્થિરતા તે શબ્દનયસ્થિરતા છે. જે ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં રહેલી અપ્રશ્રુતિ પરિણતિરૂપ સ્થિરતા તે છઠ્ઠા નયને યોગ્ય છે, અને જે ક્ષાયિકજ્ઞાનાદિકના સુખથી અપ્રશ્રુતિરૂપ સ્થિરતા તે એવંભૂતસ્થિરતા કહેવાય છે. વિભાવ પદાર્થમાં પણ સર્વ નયની અપેક્ષાએ સ્થિરતા હોઈ શકે છે, પણ તેવી સ્થિરતા તત્ત્વવિકળ પુરુષોને હોય છે. અહીં તો પરભાવમાં અપ્રવર્તનરૂપ જે સ્થિરતા તે જ પરમાનંદના સંદેહવાળી હોવાથી ગ્રહણ યોગ્ય છે. કહ્યું છે કે –
ઉ.ભા.-૫-૦