________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૮૫
આ પ્રમાણે પુરાણની કથા સાંભળીને તે સોમ બ્રાહ્મણે વિચાર્યું કે “કુળધર્મ તો શ્રેષ્ઠ નથી. માટે ધર્મની પરીક્ષા કરીને જ્ઞાનધર્મનું આચરણ કરું.” પછી તેણે નાનાપ્રકારના દર્શનો જોતા જોતા કોઈ એક મતના પરિવ્રાજકને ધર્મ પૂછ્યો કે “પ્રભુએ ત્રણ પદમાં ધર્મ કહેલો છે. મીઠું ખાવું, સુખે સૂવું અને પોતાનો આત્મા લોકપ્રિય કરવો. આ ત્રણ પદનો શો અર્થ સમજવો ?” પરિવ્રાજકે જવાબ આપ્યો કે “પ્રથમનું જમેલું જીર્ણ થયા પછી (પચી ગયા પછી) રૂચિ પ્રમાણે જમવું તે મીઠું ભોજન, કોમળ શય્યામાં સૂવું તે સુખશયન અને મંત્ર તથા ઔષધિના પ્રયોગથી લોકોમાં પ્રશંસા થાય તેમ કરવું તે લોકપ્રિય થવું.”
તે સાંભળીને સોમવસુએ વિચાર્યું કે “આ સમ્યગ્ ધર્મ નથી કેમકે આ તો પાપવૃત્તિમય છે.’’ એમ વિચારીને તેણે તે ત્રણે પદનો અર્થ કોઈ મુનિ પાસે જઈને પૂછ્યો. એટલે મુનિએ જવાબ આપ્યો કે “જે ભોજન પોતે કર્યું ન હોય, કરાવ્યું ન હોય અને તેના કરનારને અનુમોદન પણ કર્યું ન હોય એવું ભોજન એકાંતરે ખાવામાં આવે તો તે પરમાર્થથી મિષ્ટ કહેવાય છે. કેમકે તે દાતા, દાન ને દેય એમ ત્રણે પ્રકારની શુદ્ધિવાળું હોવાથી દાન કરનાર અને લેનાર બન્નેને સુખકારી છે. વિધિપૂર્વક અલ્પ નિદ્રા લેવી તે સુખશયન કહેવાય છે અને કોઈપણ પ્રકારની ઈહા (ઈચ્છા) ન કરવી, એવું મહાનિરીહપણું હોવાથી લોકપ્રિય થવાય છે.' આ પ્રમાણે સાંભળીને સોમવસુએ વિચાર્યું કે ‘આ અર્થ માર્ગાનુયાયી અને સમિચીન જણાય છે.’
એ પ્રમાણે તત્ત્વજ્ઞાન સાંભળીને તે બ્રાહ્મણ હર્ષ પામ્યો અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિથી યુક્ત એવા તે સાધુએ આચરણ કરેલી ત્રિપદીને જોઈને તથા સાંભળીને ચારિત્ર ગ્રહણ કર્યું, એકદા તે સોમ સાધુ અરણ્યમાં પ્રતિમા ધારણ કરી ઉભા રહ્યા હતા, તે વખતે ઈન્દ્રિયોના વિષયોને નિવારીને આત્મસ્વરૂપના અવલોકનમાં જ તત્પર થઈ તન્મય ચિત્ત કરીને આત્મસ્વરૂપના જ્ઞાનમાં મગ્ન થયા. કહ્યું છે કે -
ज्ञानमग्नस्य यत्सौख्यं, तद्वक्तुं नैव शक्यते । नोपमेयं प्रियाश्लेषैर्नापि तच्चन्दनद्रवैः ॥१॥
ભાવાર્થ :- ‘જ્ઞાનમાં મગ્ન થયેલા મનુષ્યને જે સુખ હોય છે, તે કહેવાને કોઈ સમર્થ નથી. તે સુખને પ્રિયાના આલિંગન સાથે અથવા તો ચંદનના વિલેપન સાથે ઉપમા આપી શકાય તેમ નથી.' આત્મસ્વરૂપની ઉપલબ્ધિથી પ્રાપ્ત થયેલું જે સુખ તે વાણીગોચર છે જ નહીં. તે અધ્યાત્મસુખને બાહ્ય સુખની ઉપમા વડે ઉપમિત કરાય જ નહીં, કેમકે આરોપિત સુખ આત્મજ્ઞાનના સુખની બરાબર થઈ શકે નહીં. કહ્યું છે કે -
-
लब्भइ सुरसामित्तं, लब्भइ पहुअत्तणं न संदेहो । इक्को नवरिं न लब्भई, जिणिंदवरदेसिओ धम्मो ॥१॥