________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫
અર્થાત્ સ્વભાવિક સહજ સુખમાં મગ્ન થયેલા અને લોકના યથાર્થ સ્વરૂપને જાણનારા દર્શનશીલ એવા મનુષ્યોને જ્ઞાનાવરણીયાદિક કર્મોને ઉત્પન્ન કરનાર બાહ્ય પુદ્ગલ સ્કન્ધો લેવામાં અથવા મૂક્વામાં કર્તાપણું હોતું નથી, પણ જ્ઞાનપણાના સ્વભાવથી સાક્ષીપણું જ હોય છે.
આ ઉપર સૂક્ષ્મ વિચાર કરીએ તો – ક્રિયા કરવામાં જેનું એકાધિપત્યપણું (સ્વતંત્રપણું) હોય તે કર્તા કહેવાય છે. આ કર્તાપણું જીવમાં તેના ગુણોનું જ હોઈ શકે છે. કુંભાર ચક્રાદિક ઉપકરણથી ઘટાદિક પદાર્થો કરે છે તેમ જીવ પણ ચૈતન્યવીર્યરૂપી ઉપકરણથી પોતાના ગુણો ઉત્પન્ન કરી શકે છે. ક્રિયાશૂન્યપણું હોવાથી ધર્માસ્તિકાયાદિક દ્રવ્યમાં એકાધિપત્ય કર્તાપણું નથી. જીવનું કર્તાપણું પણ પોતાના કાર્ય (આત્મધર્મ) સંબંધે છે. કોઈપણ જીવ જગતનો કર્તા નથી, પરંતુ પોતાના કાર્યના પરિણામ પામતા ગુણોના પર્યાયની પ્રવૃત્તિનો જ કર્તા છે. જો પરભાવોનો કર્તા જીવને માનીએ તો અસત્ આરોપ અને સિદ્ધિઅભાવ વગેરે દૂષણો પ્રાપ્ત થાય છે, માટે જીવ લોકાલોકનો જ્ઞાતા છે પણ પરભાવનો કર્તા નથી, પરંતુ સ્વભાવ મૂઢ થઈને અશુદ્ધ પરિણામમાં પ્રવૃત્ત થઈ અશુદ્ધ નિશ્ચયનયે રાગાદિક વિભાવનો અને અશુદ્ધ વ્યવહારનયે જ્ઞાનાવરણાદિક કર્મનો કર્તા થાય છે, તેમ છતાં પણ તે જીવ સ્વાભાવિક રૂચિવાળો અને અનન્ત અવિનાશી આત્મસ્વરૂપવાળો હોઈને આત્માના પરમાનંદનો જ ભોક્તા છે. તે પરભાવોનો કર્તા નથી પણ જ્ઞાતા (સાક્ષીમાત્ર) છે.
આ મગ્નતા ગુણ ધારણ કરનાર પ્રાણી કેવો હોય છે? તે વિષે પૂર્વ પૂજય પુરુષો કહે છે કે -
परब्रह्मणि मग्नस्य, श्लथा पौद्गलिकी कथा ।
क्वामी चामीकरोन्मादाः, स्फरा दारादराः क्व च ॥१॥ શબ્દાર્થ - પરબ્રહ્મમાં મગ્ન થયેલા મનુષ્યને પુલ સંબંધી કથા જ શિથિલ થઈ જાય છે. તેને પછી આ સુવર્ણના ઉન્માદો ક્યાં? અને દેદીપ્યમાન સ્ત્રીઓનો આદર પણ ક્યાં?'
વિસ્તરાર્થ:- “પરબ્રહ્મ એટલે જ્ઞાનાદિ આત્મસ્વરૂપમાં મગ્ન થયેલા મનુષ્યને પુદ્ગલ સંબંધી કથા, એટલે શરીરાદિકના સુંદર વર્ણ વગેરેની કથા, શિથિલ એટલે નષ્ટ થઈ જાય છે, કેમકે તે શરીરાદિક પરવસ્તુ છે, અગ્રાહ્ય છે, અને અભોગ્ય છે એમ તેને નિર્ધાર થયેલો હોય છે. અર્થાત આવા પુદ્ગલાદિકની કથા પણ જેને કરવા લાયક નથી, તેને પછી તેના પર આગ્રહ તો ક્યાંથી જ થાય? તે કારણથી જ તેને આ કાંચન એટલે સુવર્ણનો ઉન્માદ જ ક્યાંથી હોય ? કેમકે પાપસ્થાનોના નિમિત્તભૂત હોવાથી આત્મગુણરૂપી સંપત્તિવાળા મનુષ્યને સુવર્ણાદિકનું ગ્રહણ કરવાપણું જ હોતું નથી, તેમજ એવા પુરુષને દેદીપ્યમાન એવી જે સ્ત્રી તેનો આદર પણ ક્યાંથી જ હોય? ન જ હોય.”