________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
અહર્નિશ પુદ્ગલ સંબંધી કથામાં મગ્ન રહેનાર સર્વ સ્થાને ઉન્માદવાળા જ હોય છે. જુઓ ! રામચંદ્રે ત્રિકાળમાં પણ અસંભવિત એવો સુવર્ણનો મૃગ જોઈને તેને ગ્રહણ કરવા અનેક પ્રકારના ઉન્માદો કર્યા હતા. ત્યાર પછી સ્ત્રીને માટે પણ તેણે ઘણો આદર પ્રગટ કર્યો હતો. અર્થાત્ સીતાનું હરણ થતાં ઘણો ઉન્માદ બતાવ્યો હતો અને તેને પાછી લાવવા પારાવાર પ્રયાસ કર્યો હતો, માટે વ્યથા ઉત્પન્ન કરનારી તે પુદ્ગલની કથાને જેણે જ્ઞાનગોચર કરેલી છે, તે જ મગ્નતા ગુણયુક્ત કહેવાય છે. આ સંબંધમાં ઉપયોગી સોમવસુનું દૃષ્ટાંત છે, તે આ પ્રમાણે
સોમવસુની કથા
કૌશાંબીનગરીમાં સોમ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે હંમેશા ધર્મશાસ્ત્ર શ્રવણ ક૨વામાં પ્રીતિવાળો હતો. એકદા પુરાણમાં તેણે આ પ્રમાણે લોમઋષિની કથા સાંભળી કે ‘કોઈ એક દીર્ઘદર્શી (સૂક્ષ્મદ્રષ્ટિવાળા) તાપસે બાર હજાર વર્ષ સુધી તપ કર્યું. તે માસક્ષપણને પારણે પાંચ જ ઘેર ભિક્ષા માગતો હતો. જો કદાચ તે પાંચ ઘરમાંથી તેને ભિક્ષા ન મળતી તો ફરીથી માસના ઉપવાસ કરતો, પણ છઢે ઘેર ભિક્ષા માગતો નહીં. એ પ્રમાણે ચાર માસક્ષપણ સુધી કરતો અને આહાર મળતો ત્યારે મળેલા આહારના ચાર ભાગ કરીને એક ભાગ જળચરને, બીજો સ્થળચરને અને ત્રીજો ખેચરને આપીને અવશેષ રહેલા ચોથા ભાગને એકવીશ વાર પાણીથી ધોઈને પોતે ખાતો હતો. આવી રીતે તપ કરતા તે તાપસ મૃત્યુ પામીને ઈન્દ્ર થયો, ત્યાં તેણે સર્વ દેવોને પૂછ્યું કે ‘આ સ્વર્ગ કોણે બનાવ્યું છે ?' ત્યારે દેવતાઓ બોલ્યા કે ‘આ સ્વર્ગ કોઈએ બનાવ્યું નથી. તે તો સ્વયંસિદ્ધ જ છે,’ તે સાંભળીને તેણે (ઈન્દ્ર) વિચાર્યું કે ‘આ સ્વર્ગ જીર્ણ થઈ ગયું છે માટે હું નવું સ્વર્ગ બનાવું.' દેવતાઓએ કહ્યું કે ‘નવીન સ્વર્ગ કોઈથી બની શકે જ નહીં.' ઈન્દ્રે કહ્યું કે, ‘પ્રથમના ઈન્દ્રો નવીન સ્વર્ગ બનાવવામાં અશક્ત હતા, પણ હું તો સમર્થ છું.' ત્યારે દેવો બોલ્યા ‘હે સ્વામી ! તમે પ્રથમ મૃત્યુલોકને જુઓ પછી તમારી ધારણા પ્રમાણે કરો.’
૮૪
તે સાંભળીને ઈન્દ્ર મનુષ્યલોક જોવા ગયો. ત્યાં કોઈ એક અરણ્યમાં એક આંકડાના વૃક્ષની નીચે લોમ નામના ઋષિને તપસ્યા કરતા જોયા. તે ઋષિને ઈન્દ્રે પૂછ્યું “હે ઋષિ ! તમે મઠ કર્યા વિના તપ કેમ કરી શકો છો ?' લોમઋષિ બોલ્યા કે – “જ્યારે ચૌદ ચોકડી જાય છે, ત્યારે મારા શરીરનો એક વાળ ખરે છે. એવી રીતે આ મારા આખા શરીરના સાડાત્રણ કરોડ વાળ ખરી જશે, ત્યારે મારું મૃત્યુ થવાનું છે. હજુ તો મારા મસ્તકના ચાર કેશ પણ પૂરા પડ્યા નથી. એકેક ચોકડી વીશ હજાર વર્ષે થાય છે. તે પ્રમાણે સર્વ રોમ પડશે ત્યારે મારું મૃત્યુ થશે. તેથી આ દેહ અનિત્ય છે. જો આ શરીર શાશ્વતું હોત તો તેને માટે મઠ વગેરે કરવાનો મોહ રાખત, પણ તેમ તો નથી.” તે સાંભળી ઈન્દ્રે વિચાર કર્યો કે “આ ઋષિની પાસે મારું આયુષ્ય જળના કણીઆ જેટલું જ છે. તો નવીન સ્વર્ગ કરવાનો શો મોહ કરવો ?” એમ નિશ્ચય કરી ઈન્દ્ર પોતાને સ્થાને ગયો.
૧. માછલા વિગરે. ૨. પશુઓ. ૩. પક્ષીઓ. ૪ તેંતાલીશલાખ અને વિશહજાર વર્ષની એક ચોકડી કહેવાય છે. એમ ટબામાં લખ્યું છે.