________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૩૨
મજૂરે વિચાર કર્યો કે “મારો ભાર તો ગમે તેટલો પણ પરિમિત છે, અને આ મુનિએ ધારણ કરેલ પાંચ મહાવ્રતરૂપી ભાર તો અપરિમિત છે, તે કોઈનાથી કળી શકાતો નથી; તેટલો બધો ભાર ઉપાડીને તે ચાલે છે, તેથી એમની પાસે મારું પરાક્રમ નિરર્થક છે.” એમ વિચારીને તેણે મુનિને રસ્તો આપ્યો. એ આઘો ખસ્યો એટલે તેની પાછળના સર્વે મજુરોને પણ ખસવું પડ્યું, તેથી તેઓ રોષ પામીને બોલ્યા કે “તેં રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું” પછી તેઓએ રાજાને જાહેર કર્યું. રાજાએ તેને બોલાવીને પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે “હે દેવ ! આપની આશા જરા પણ મેં ખંડિત કરી નથી.” રાજાએ તેનું કારણ પૂછ્યું, ત્યારે તે ફરીથી બોલ્યો કે “હે રાજા ! મારા કરતાં આ મુનિનો ભાર અધિક છે, તેથી હું બાજુ પર ખસ્યો છું.” રાજાએ પૂછ્યું કે “તેના પર શો ભાર છે?” તે બોલ્યો કે “હે સ્વામી ! મેરુપર્વત કરતાં પણ અધિક ભારવાળા પાંચ મહાવ્રતો કે જેને વહન ક૨વાને હું અસમર્થ છું અને આ મુનિ તો તે ભારનું વહન કરે છે અને તેમાં નેત્રસ્ફુરણ જેટલો કાળ પણ પ્રમાદ કરતા નથી. હું તો માત્ર બહારનો ભાર ઉપાડું છું અને ઈર્યાદિ સમિતિ રહિત હોવાથી અનેક જીવોનું ઉપમર્દન કરીને અનેક ભવોથી પણ દુર્મોચ્ય એવા પાપના સમૂહને વૃદ્ધિ પમાડું છું. પ્રથમ મેં પ્રવ્રજ્યા અંગીકાર કરી હતી, પરંતુ પાંચ મહાવ્રતના ભારને વહન કરવામાં અશક્ત થવાથી પ્રવ્રજ્યાનો મેં ત્યાગ કર્યો. આ પાંચ કળશીનો ભાર તો હું સહેજે ઉપાડી શકું છું, પણ પ્રથમ સ્વીકાર કરેલા પાંચ મહાવ્રતરૂપી અત્યંતર ભાર ઉપાડી શકતો નથી, માટે હું માર્ગમાંથી આઘો ખસ્યો તે મેં યુક્ત કર્યું છે.”
भक्तिभरा नमस्यन्ति, इन्द्रादयो गतस्मयाः । महाव्रतभराकीर्णान्, तदग्रेऽहं कियन्मितः ॥१॥
ભાવાર્થ :- “હે રાજા ! મહાવ્રતરૂપી ભારને વહન કરનારા મુનિઓને ભક્તિથી ભરપૂર ઈન્દ્રાદિક પણ ગર્વરહિત થઈને નમસ્કાર કરે છે, તો તેવા મુનિની પાસે હું કોણ માત્ર છું ?”
વળી હે રાજા ! આ મુનિ પાંચ મહાવ્રતોમાંના દરેકને પાંચ પાંચ ભાવના વડે નિરંતર નિર્મળ કરે છે. તેમાં પહેલા પ્રાણાતિપાત વિરમણ નામના વ્રતની પાંચ ભાવનાઓ આ પ્રમાણે છે. યતઃ પ્રવચનસારોદ્વારે
इरियासमिए तहा सया जए, उवेह भुंजेज्ज व पाणभोयणं । आयाणनिक्खेव दुर्गुच्छ संजए, समाहिए संजयए मणोवई ॥ १ ॥
શબ્દાર્થ :- “ઈર્યાસમિતિવાળા તથા સર્વદા જોઈને પાન ભોજન કરનારા (એષણા સમિતિવાળા), આદાન-નિક્ષેપ અને જુગુપ્સા કરનારા, તથા સમાહિત થઈ તે મનને અને વચનને નિયમમાં રાખનારા યતિ પહેલા વ્રતની પાંચ ભાવના ભાવે છે.’