________________
૬૨.
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ ચાલતાં તેને વિચાર થયો કે “જો હું નાના ભાઈને મારી નાખું તો આ ધનનો ભાગીદાર કોઈ રહે નહીં અને સર્વ ધન મારા હાથમાં જ રહે.” એમ વિચાર કરતો કરતો તે નાના ભાઈ સહિત ગન્ધવતી નદી પાસે આવી પહોંચ્યો, એટલે તેણે વિચાર્યું કે “આ દ્રવ્યના પ્રભાવથી પ્રતિક્ષણે મને રૌદ્રધ્યાન થયા કરે છે, માટે આ અનર્થ કરનારી વાંસળીને નદીના મોટા દ્રહમાં જ નાંખી દઉં.” એમ વિચારીને તેણે તરત જ નદીના મોટા ધરામાં તે વાંસળી નાંખી દીધી. તે જોઈને નાના ભાઈએ કહ્યું કે “અરે ભાઈ ! આ તમે શું કર્યું?” મોટો ભાઈ બોલ્યો કે “દુષ્ટ બુદ્ધિ સહિત મેં વાંસળીને અગાધ જળમાં નાંખી દીધી છે.” એમ કહીને તેણે પોતાના દુષ્ટ વિચારો નાના ભાઈને કહ્યા. તે સાંભળીને નાનો ભાઈ પણ બોલ્યો કે “તમે બહુ સારું કર્યું, મારી પણ તેવી જ દુષ્ટ બુદ્ધિ થતી હતી, તે પણ નાશ પામી.”
પછી તે બન્ને ભાઈઓ પોતાને ઘેર આવ્યા. અહીં તે વાંસળીને એક ક્ષધિત મત્સ્ય ગળી ગયો. તે મત્સ્ય ભારે થઈ જવાથી તરત જ કોઈ એક મચ્છીમારની જાળમાં પકડાયો. તેને મારીને મચ્છીમાર ચૌટામાં વેચવા આવ્યો. તે બંને ભાઈઓની માતાએ મૂલ્ય આપીને તે મત્સ્ય વેચાતો લીધો અને ઘેર આવીને પોતાની દીકરીને વિદારવા આપ્યો. તે દીકરીએ મત્સ્ય કાપતાં તેમાં વાંસળી દીઠી. તેને છાની રીતે લઈને પોતાના ખોળામાં સંતાડી. તે જોઈને માતાએ પૂછ્યું કે “તેં સંતાડ્યું?” પુત્રી બોલી કે “કાંઈ નહીં.” માતા ખાત્રી કરવા માટે તેની પાસે ગઈ. એટલે પુત્રીએ તેને હાથમાં રહેલા છરા વડે મર્મસ્થાનમાં પ્રહાર કર્યો. તેથી તે ડોશી મૃત્યુ પામી. પછી ગભરાઈને તે અમારી બહેન એકદમ ઉઠી, એટલે તેના ખોળામાંથી તે વાંસળી ભૂમિ પર પડતી અમે સાક્ષાત્ જોઈ. તેથી અમને બંને ભાઈઓને વિચાર થયો કે “અહો ! તે જ આ અનર્થ કરનાર ધન છે કે જેને અમે ફેંકી દીધું હતું !” ઈત્યાદિ વિચારીને માતાની ઉર્ધ્વક્રિયા કરીને અમે બન્ને ભાઈઓએ વૈરાગ્યથી તે વાંસળીનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી. માટે તે શ્રાવક! તે ભય અત્યારે મને યાદ આવ્યો. તમે જ જુઓ કે તે અર્થ (ધન) કેવું ભયકારી છે ?” અભય બોલ્યો કે, “હે પૂજય ! આપનું વાક્ય સત્ય છે. ધન સ્નેહવાળા ભાઈઓમાં પણ પરસ્પર વૈર કરાવનારું છે, સેંકડો દોષ ઉત્પન્ન કરનારું છે અને હજારો દુઃખોને આપનારું છે. તેના ભયથી આપે જે આ ચારિત્ર લીધું તે બહુ સારું કર્યું છે, કેમકે દુઃખને આપનારા એવા અનેક વિકલ્પોને કરાવનારું ધન છે.”
આ દષ્ટાંતથી અભયકુમાર ધનનું દુઃખદાયી પરિણામ જાણ્યા છતાં પોતે ધનનો આદર કર્યો છે એમ વિચારીને તે શિવસાધુની તથા કાયોત્સર્ગ રહેલા સુસ્થિતમુનિની પ્રશંસા કરવા લાગ્યા.