________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫
पण संलेहण पनरस्स कम्मा, नाणाइ अट्ठ पत्तेयं ।
बारस तव विरिय तिग, पण सम्मवयाई अइयारा ॥१॥
ભાવાર્થ - “સંલેખનાના પાંચ અતિચાર છે, કર્માદાનના પંદર છે, જ્ઞાનાદિ (જ્ઞાન, દર્શન, ચારિત્ર) આચારના પ્રત્યેકે આઠ આઠ છે, તપાચારના બાર છે, વિર્યાચારના ત્રણ છે અને સમ્યકત્વ તથા બાર વ્રતના પાંચ પાંચ અતિચાર છે.” એટલે પ+૧૫+૨૪+૧૨+૩+૬૫ મળી ૧૨૪ થાય છે.
અહીં કોઈ શંકા કરે કે – “આ બકરીના ગળાના આંચળ જેવા (નકામા) વીર્યાચારને સારી રીતે ઉપયોગમાં લેવાનું શું પ્રયોજન છે? કેમકે ભવ્ય પ્રાણીઓને ભવ-સ્થિતિનું તો નિયતપણું છે, તેથી જ્યારે જે ભવ્ય પ્રાણી સિદ્ધિમાં જવાનો હશે, ત્યારે તે પ્રાણી વિર્યાચારનો ઉપયોગ કર્યા વિના પણ મોક્ષે જશે.” ગુરુમહારાજ તેનો જવાબ આપે છે કે “તેં જે અહીં ભવસ્થિતિનું નિયતપણું હેતુપણે દર્શાવ્યું, તે યુક્તિવિકળ અનિયત પણ નથી, પણ નિયતાનિયત છે. તે શી રીતે? એમ પૂછીશ તો સાંભળ - પુણ્ય-પાપને અનુસાર ભવસ્થિતિ ઘટે છે અને વૃદ્ધિ પામે છે. તેથી તેનું
અનિયતપણું કહેવાય છે અને જે જ્યારે મુક્તિ જવાનો છે તે ત્યારે જ મુક્તિ પામશે. એ યુક્તિથી નિયત પણ કહેવાય છે. પરંતુ જો “જે જ્યારે મોક્ષે જવાનો છે, તે ત્યારે જ મોક્ષે જશે' એવો એકાન્તવાદ સ્વીકારીએ તો ગોશાળાનો મત પ્રાપ્ત થાય છે. ગોશાળો “જેનું જે જ્યારે થવાનું છે તેનું તે ત્યારે જ થાય છે એવો નિયતિવાદ માને છે અને તેમ માનવાથી તો પ્રત્યક્ષ મિથ્યાત્વ પ્રાપ્ત થાય છે. કેમકે જિનશાસનમાં કાલાદિક પાંચ કારણો જગતના વિવર્તમાં હેતુરૂપ કહેલા છે. તેમાંના માત્ર પ્રત્યેકને હેતુ માનેલા નથી પણ પાંચે મળીને હેતુરૂપે માનેલાં છે, માટે ભવસ્થિતિને નિયતાનિયત જ માનવી જોઈએ.
આ વચન યુક્તિથી વિકળ છે એમ સમજવું નહીં. કેમકે જેમ એક જ વસ્તુમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે અવિરોધ રહે છે, તેમજ એક ભવસ્થિતિમાં કથંચિત્ નિયતપણું અને કથંચિત અનિયતપણું પણ રહી શકે છે. અહીં તાત્પર્ય એ છે કે – જીવ પુણ્યાદિક ઉપક્રમ કરવાથી વહેલો પણ મોક્ષ પામે છે અને જિનાજ્ઞા લોપવાથી તથા મહાપાપો કરવાથી અધિક કાળ સંસારમાં પરિભ્રમણ પણ કરે છે. તે અપેક્ષાએ ભવસ્થિતિ અનિયત જાણવી. આ બાબત સિદ્ધાન્તથી પણ વિરુદ્ધ નથી, કેમકે મહાનિશીથાદિ શાસ્ત્રોમાં આપણે સાંભળીએ છીએ કે – સાવદ્યાચાર્ય વગેરેને ભવસ્થિતિ એક જ ભવ બાકી રહેવા રૂપ હતી. પણ ઉત્સુત્રભાષણાદિક વડે તેઓની ભવસ્થિતિ અધિક થઈ હતી. કોઈ જીવ ભવસ્થિતિના પ્રતિનિયત સમયે જ મોક્ષની પ્રાપ્તિને યોગ્ય એવું પુણ્ય કરવા શક્તિમાન થાય અને બીજે વખતે તેવું પુણ્ય કરી ન શકે, તે નિયત કાળે જ મોક્ષે જાય, તેની અપેક્ષાએ ભવસ્થિતિ નિયત જાણવી.