________________
૭૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ માત્ર મહર્ષિઓ જ છે.” પછી તે ભારવાહક પૂરેપૂરો પ્રબોધ પામવાથી તેને પ્રથમ દ્રવ્ય તથા સ્ત્રી ઉપર જેવી આસક્તિ થઈ હતી, તેવી જ હવે સત્ત્વ, રજસ અને તમોગુણથી રહિત એવા નિર્ગુણ માર્ગમાં આસક્તિ થઈ.”
આ પ્રમાણેના અનેક દૃષ્ટાન્તો સાંભળીને તે સુધર્મા શેઠ પ્રતિબોધ પામ્યો હતો. તે પોતાના એક મિત્રને હમેશાં ધર્મકથાઓ કહીને ઉપદેશ આપવા લાગ્યો. પણ તે મિત્ર તીવ્ર મોહ અને અજ્ઞાનસમન્વિત હોવાથી એક ક્ષણમાત્ર પણ જૈનધર્મ ઉપર રૂચિવાળો થયો નહીં. તેથી વિષાદ પામીને સુધર્માશ્રેષ્ઠિએ એકલા જ દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે એકાદશ અંગનો અભ્યાસ કર્યો.
એકદા તે મુનિનગરમાં પ્રવેશ કરતાં કોઈ ઠેકાણે વિવાહ ઉત્સવ હોવાથી મધુર ગીત, નૃત્ય અને વાજિંત્રના મનોહર નાદ સાંભળીને તથા કામને ઉદ્દીપન કરે તેવાં સુંદર લાવણ્યથી, વસ્ત્રાભૂષણથી અને મનોહર ગીતના આલાપથી કામી જનના મનને વિહ્વળ કરનાર સ્ત્રીઓના સમૂહને જોઈને તત્કાળ પાછા ફર્યા અને અરણ્યના કોઈ વિભાગમાં જઈને લીલા તૃણ, પર્ણ અને બીજાદિકની વિરાધના ન થાય તેવી રીતે કોઈ વૃક્ષની નીચે ઈર્યાપથિકી પડિક્કમીને ધ્યાનમગ્ન થયા સતા વિચારવા લાગ્યા કે “અહો ! મારો આત્મા અતિ લોલુપ છે, તેથી જો તે મોહજનક નિમિત્તો જોઈને હું પાછો નિવર્યો ન હોત તો મોટી કર્મવૃદ્ધિ થાત. તે પુરુષોને જ ધન્ય છે કે જેઓ રંભા અને તિલોત્તમા જેવી યુવતીઓના સમૂહમાં રહ્યા છતાં એક ક્ષણમાત્ર પણ આત્મતત્ત્વની રમણતાને મૂકતા નથી.”
આ પ્રમાણે શુભ ધ્યાન ધ્યાતાં તે મુનિને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ વખતે ઉપરના વૃક્ષ ઉપરથી એક પાંદડું પોતાના ચોલપટ્ટ ઉપર પડ્યું. તે જોઈને મુનિએ વિચાર્યું કે “આ પત્રમાં હું પણ અનેકવાર ઉત્પન્ન થયો હોઈશ. પરંતુ મારો પૂર્વનો મિત્ર કઈ ગતિમાં ગયો હશે?” એમ વિચારીને તેણે અવધિજ્ઞાન વડે જોયું તો તે જ પત્રમાં પોતાના મિત્રને એકેન્દ્રિયપણે ઉત્પન્ન થયેલો જોયો. તે વખતે મુનિ બોલ્યા કે, “હે મિત્ર! પૂર્વે મેં તને અનેક પ્રકારે વાર્યા છતાં પણ તેં મોહની આસક્તિ છોડી નહીં; હવે તો તું મન, વાણી અને બીજી ઈન્દ્રિયો વિનાનો થયો છે; તેથી હવે હું તને શું કહું? તેં મનુષ્યભવ નિરર્થક ગુમાવ્યો. અરેરે! પરમાત્માનો કહેલો ધર્મ તેં સમ્યગુ પ્રકારે અંગીકાર કર્યો નહીં.”ઈત્યાદિ ભાવદયા ભાવતાં અનુક્રમે તે મુનિ અનન્તાનંદપણું (મોક્ષ) પામ્યા.
વિલાસમાં લાલસાવાળા તે મિત્રને સારી રીતે બોધ કર્યા છતાં પણ તેણે પોતાનું વીર્ય ગોપવી રાખ્યું; તેથી તે વૃક્ષના પત્રપણાને પામ્યો અને સુધર્મા મુનિએ પોતાનું વીર્ય ફોરવ્યું, તો તે આ જ જન્મમાં અવ્યયપદને પામ્યા.”