________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૭૫
તિલોત્તમા અપ્સરાના જેવી મનોહર રૂપવતી બેઠી હતી. તેને જોઈને તેણે વિચાર્યું કે ‘અહો ! સમગ્ર ત્રૈલોક્યનું સુખ તો આ યુવતીએ જ ખેંચી લીધું છે, પરંતુ આવા સુખનું કારણ માત્ર દ્રવ્ય જ છે, તો હું પણ દ્રવ્યનું ઉપાર્જન કરીને આવું સુખ મેળવી જન્મ સફળ કરું.” એમ વિચારીને ત્યારથી તેણે ભોજનાદિકમાં કૃપણતા (કસ૨) કરવા માંડી. કાઇ વેચતા જે પૈસા આવે તેમાંથી થોડા ખર્ચે અને વધારે સંગ્રહ કરે.
એ પ્રમાણે નિરંતર દ્રવ્ય ઉપાર્જન કરવાના ધ્યાનરૂપી કલ્લોલથી ચપળ મનવાળો તે કાળ નિર્ગમન કરવા લાગ્યો. એક દિવસ અતિ કૃપણતાને લીધે જેનું અંગ અતિ કૃશ થઈ ગયું છે એવો તે ભારવાહક સૂર્યના કિરણોના તાપથી આકુળવ્યાકુળ થઈ ગયો, શરીરના સર્વ અવયવો પરસેવાના બિંદુઓથી ભીંજાઈ ગયા, લુહારની ધમણની જેમ શ્વાસોશ્વાસ લેવા લાગ્યો અને કેડે બે હાથ રાખીને ફરતો ફરતો અરણ્યના એક કૂવા પાસે આવ્યો. ત્યાં વિશ્રામ લેવા માટે કૂવાના થાળામાં સૂઈ ગયો. તત્કાળ નિદ્રા આવી ગઈ, તેમાં તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણે જોયું કે જાણે પોતે મહાન કષ્ટો અનુભવીને દ્રવ્ય મેળવ્યું. તેનાવડે વિવાહાદિક કાર્યો કર્યા. પૂર્વે ગોખમાં બેઠેલી યુવતી જોઈ હતી તેના જેવી સુંદર સ્ત્રી પરણ્યો. તેની સાથે હાવભાવ, કટાક્ષ વગેરે ક્રીડા અનુભવવા લાગ્યો.
પરસ્પર પ્રશ્નોત્તર કરતાં તે સ્ત્રીને કાંઈ રોષ ઉત્પન્ન કર્યો તેથી તે સ્ત્રી વક્રદૃષ્ટિ કરી બોલી કે “આવું લજ્જાવાળું વાક્ય કેમ બોલો છો ? અહીંથી દૂર જાઓ.” આ પ્રમાણે કોમળ અને સુંદર વાણી સાંભળીને તે પ્રેમગર્ભિત ચેષ્ટાથી પ્રસન્ન થયો, તેથી બે હાથ વડે તેને ગાઢ આલિંગન કરવા તૈયાર થયો, એટલે તે સ્ત્રીએ વિલાસથી જ દોરડી વડે તેના પર પ્રહાર કર્યો. તે જોઈને તે ભારવાહક જરા દૂર ખસ્યો. આવા સ્વપ્નમાં તેનું થાળામાં પડેલું શરીર પણ નિદ્રામાં સાક્ષાત્ ખસ્યું, એટલે તે થાળામાંથી કૂવામાં પડી ગયો. પડતાં પડતાં તેની નિદ્રા જતી રહી, એટલે તે વિચારવા લાગ્યો કે ‘અહો ! આ શું થયું ? મેં શું જોયું ? તે સ્ત્રી ક્યાં ગઈ ? તેના વિલાસની કેવી છટા ! અહો ! જેનું નિરંતર ધ્યાન ધર્યું હતું તે આજે સ્વપ્નમાં ફળીભૂત થયું, પરંતુ આ તો સ્વપ્નની સ્ત્રીએ પોતાની માયાજાળમાં બાંધીને મને આ અંધકૂવામાં નાંખી દીધો, તો પછી સાક્ષાત્ સ્ત્રીનો અનુભવ કર્યો હોય, તો તે તો ખરેખર નરકગતિમાં જ નાખે, તેમાં પ્રાણીઓએ કાંઈ પણ સંદેહ રાખવા જેવું નથી.' આ પ્રમાણે કૂવામાં રહ્યો સતો તે વિચાર કરે છે, તેવામાં ત્યાં એક રાજા આવી ચડ્યો. તેણે કૂવામાં પડેલા માણસને જોઈને તેને બહાર કાઢી પૂછ્યું કે, ‘તને આ કૂવામાં કોણે નાખ્યો તે કહે. હું તેને શિક્ષા કરીશ.' ભારવાહક બોલ્યો કે, ‘હે સ્વામી ! તેની પાસે તમે તો શી ગણત્રીમાં છો ? ઈન્દ્રાદિક પણ તેને શિક્ષા કરવામાં સમર્થ નથી, તો પછી બીજાની તો વાત જ શી કરવી !' તે સાંભળીને પોતાના બળથી ગર્વ પામેલો તે રાજા ગાજી ઉઠ્યો કે, ‘અરે હું પૃથ્વીપતિ છું તેથી એવી કોઈપણ વસ્તુ નથી કે જે હું કરી ન શકું' ત્યારે તે ભારવાહકે પોતાના સ્વપ્નનું વૃત્તાંત સર્વ કહ્યું. તે સાંભળી રાજા પ્રતિબોધ પામી બોલ્યા કે, ‘તેં સત્ય કહ્યું છે. સ્ત્રીના વિલાસને જીતનાર તો