________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ હવે ચોથે પ્રહરે જોણક મુનિ પ્રમાર્જન કરવા નિમિત્તે ગયા. તેઓ પણ હાર જોઈને “મહાભય ઉત્પન્ન થયું” એમ બોલ્યા. અભયકુમારે પૂછતાં તે જોણક સાધુ પોતાનું પૂર્વ ચરિત્ર કહેવા લાગ્યા કે “અવન્તીનગરીમાં જણક નામનો હું સાર્થવાહ હતો. મારી સ્ત્રી ઉપર હું અતિ રાગવાન હતો.” એક વખત મારી ભાર્યાએ મને કહ્યું કે, “તમે મને મૃગપુચ્છ લાવી આપો.” મેં કહ્યું કે, “હું ક્યાંથી લાવી આપું?” તે બોલી કે, “રાજગૃહી નગરીના રાજાને ઘેર મૃગો છે, ત્યાંથી લાવી આપો.” પછી હું રાજગૃહીનગરીના ઉદ્યાનમાં ગયો, ત્યાં સ્વરૂપવાન વેશ્યાનો સમૂહ છેલ પુરુષોની સાથે ક્રીડા કરતો મેં જોયો, તેમાંથી એક મુગ્ધસેના નામની સુંદર યુવતીને કોઈ વિદ્યાધરે હરણ કરી. મેં તે વિદ્યાધરને બાણથી વીંધી નાખ્યો. એટલે તેના હાથમાંથી છૂટીને તે યુવતી સરોવરમાં પડી. તેમાં ઉગેલા કમળો લઈને તે બહાર નીકળી અને મને કમળનું ભેગું કરી મારી સાથે સ્નેહ કરવા લાગી ત્યાર પછી તેણે મને આગમનનું કારણ પૂછયું, એટલે મેં પણ સ્ત્રીની પ્રેરણાથી કરેલા પ્રયાણનું વૃત્તાંત નિવેદન કર્યું.”
તે વૃત્તાન્ત સાંભળીને તે યુવતીએ મને કહ્યું કે, “ખરેખર તમારી સ્ત્રી અસતી જણાય છે, તેણે કપટ કરીને તમને છેતર્યા છે.” તે યુવતીનું આ વાક્ય મને સત્ય લાગ્યું નહીં, મને એવો ભાસ થયો કે “સ્ત્રી બીજી સ્ત્રીના ગુણ સાંભળીને ખુશી થતી નથી, પણ ઈર્ષાળુ થાય છે.” પછી હું મુગ્ધસેના વેશ્યાને ઘેર ગયો. તેણે ઘણા ઉપચારોથી મારી સેવા કરી. એક દિવસ તે વેશ્યાએ શ્રેણિક રાજા પાસે નૃત્ય કરવાનો આરંભ કર્યો, તે વખતે હું તેની સાથે ગયો હતો. સર્વ જનોના હૃદય નૃત્યમાં લીન થયેલા જોઈને મેં મૃગપૃચ્છ હરણ કર્યું, પણ તેના રક્ષકે મને દીઠો એટલે તેણે રાજા પાસે જાહેર કર્યું. તે ગુન્હામાંથી મને મુગ્ધસેનાએ છોડાવ્યો. અન્યદા તે મુગ્ધસેનાને લઈને હું મારા ગામ તરફ ચાલ્યો અને ગામની બહાર ઉદ્યાનમાં તે વેશ્યાને મૂકીને રાત્રે હું ગુપ્ત રીતે મારે ઘેર ગયો. તે વખતે મારી ભાર્યાને એક જાર પુરુષની સાથે ભોજન કરતી જોઈ. ત્યાર પછી મારી સ્ત્રી કાંઈ કામ માટે બહાર ગઈ અને તે જાર સૂઈ ગયો, ત્યારે તેને મેં મારી નાંખ્યો.
મારી સ્ત્રીએ આવીને તેને મરેલો જોયો, એટલે તરત જ તેને ઊંચકીને ઘરના વાડામાં એક ખાડો ખોદી તેમાં દાટી દીધો. તે સર્વ સ્ત્રીચરિત્ર જોઈને પાછો હું ઉદ્યાનમાં પેલી વેશ્યા પાસે આવ્યો અને તેને સર્વ વાત કહી. પછી વેશ્યા સાથે હું રાજગૃહીનગરીમાં આવી તેને ઘેર ઘણા કાળ સુધી રહ્યો. પછી વેશ્યાની રજા લઈને હું ફરીથી મારી સ્ત્રીનું ચરિત્ર જોવાની ઉત્કંઠાથી ઘેર ગયો, મારી સ્ત્રી નિરંતર મારી સેવા કરવા લાગી. મેં પણ તેનું ચરિત્ર પ્રકટ કર્યું નહીં. હવે તે હંમેશા પેલા જારને જ્યાં દાટ્યો હતો તે સ્થાનની ભોજનાદિક નૈવેદ્યથી પૂજા કરી પછી જમતી હતી. એક દિવસે મારી સ્ત્રીએ મારે માટે ઘેબર વગેરે મિષ્ટ ભોજન તૈયાર કર્યું, તે વખતે મેં તેને કહ્યું કે “આજે પ્રથમથી કોઈને તારે આ ભોજન આપવું નહીં, જે તને અધિક પ્રિય હોય તેને જ આપવું. ત્યારે