________________
ઉપ
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ “પૂર્વે અનુભવેલ ભય યાદ આવ્યો.” મંત્રીએ કહ્યું “હે સ્વામી! તે વૃત્તાંત પ્રકાશિત કરો.” ત્યારે મુનિ કહેવા લાગ્યા કે “અવન્તિનગરી સમીપે એક ગામડાના રહીશ કોઈ કુલપુત્ર (કણબી)નો પુત્ર હું ધનક નામનો છું. મારા માતા-પિતાએ મને અવન્તીમાં પરણાવ્યો હતો. એકદા હું સાયંકાળને વખતે મારે સાસરે જતો હતો. સંધ્યા સમય થતાં હું અવન્તિનગરીના સ્મશાને જઈ પહોંચ્યો. ત્યાં એક યુવતીને રોતી સાંભળીને મેં તેને પૂછ્યું કે, “તું કેમ એ છે?” તે બોલી કે, “જે માણસ કદી દુઃખ પામ્યો નથી અથવા જે દુઃખ ભાંગવા સમર્થ નથી અથવા જે બીજાનું દુઃખ જાણી દુઃખી થતો નથી તેવા માણસને દુઃખનું વૃત્તાંત કહેવું નહીં અને જે દુઃખ પામ્યો છે, જે દુઃખનો નિગ્રહ કરવા સમર્થ છે અથવા જે પારકા દુઃખે દુઃખીઓ થાય છે તેને દુઃખની વાત કહેવી. તે સાંભળીને મેં કહ્યું કે “હું તારા દુઃખનું નિવારણ કરીશ.” ત્યારે તે બોલી કે “આ શૂળી ઉપર ચડાવેલો મારો સ્વામી છે. તે નિર્દોષ છતાં તેને રાજાએ આવી દશા પમાડી છે. હું રાજપુરુષોથી ભય પામતી “મને કોઈ જાણે નહીં એમ વિચારીને આ સંધ્યા સમયે મારા સ્વામી માટે ભોજનાદિક લઈને આવી છું; પણ મારું શરીર નાનું હોવાથી હું તેને ભોજન કરાવવા શક્તિમાન થતી નથી, તેથી હું રુદન કરું છું.” તે સાંભળીને મેં તેને કહ્યું કે, “મારી પીઠ પર ચડીને તું તારા પતિને ભોજન કરાવ.” ત્યારે તેણે મને કહ્યું કે, “નીચી દૃષ્ટિ જ રાખવી, ઊંચું જોવું નહીં; જો ઊંચું જોઈશ તો હું પતિવ્રતા હોવાથી લજ્જ પામીશ. એમ કહીને તે મારી પીઠ ઉપર ચડી પોતાના કાર્યમાં પ્રવૃત્ત થઈ. થોડીવારે મારા પૃષ્ઠ ઉપર રુધિરના બિંદુઓ પડવા લાગ્યાં. તેથી મેં કાંઈક ઊંચી દૃષ્ટિ કરી જોયું તો છરા વડે તે માણસનું માંસાદિક લેતી અને તેને કાપીને પાત્રમાં નાંખતી મેં તેને જોઈ. આવા બિભત્સ કર્મને જોઈને મેં તેને પડતી મૂકી અને ભયથી હું ગામના દરવાજા પાસે આવેલા એક યક્ષના દેરામાં પેઠો. મારી પાછળ જ દોડતી આવતી તેણે મને જોયો; એટલે મારો એક પગ દેરાના ઉંબરાની બહાર અને એક પગ અંદર હતો. તે જ વખતે તેણે બહારના પગ ઉપર તે જ અસિ વડે પ્રહાર કર્યો અને તેનાથી કપાયેલો મારો ઉપ્રદેશ લઈને તે નાસી ગઈ. પછી હું દ્વારદેવીની પાસે કરુણ સ્વરે રુદન કરવા લાગ્યો; તેથી દેવીને કરુણા ઉત્પન્ન થઈ; એટલે કોઈ શૂળીએ ચડાવેલા સજીવન માણસનો ઉપ્રદેશ કાપી લાવીને મારા પગ સાથે સાંધી તેણે મને સાજો કર્યો.
પછી હું રાત્રિને જ વખતે મારા સસરાને ઘેર ગયો. ત્યાં ઘરમાં દીવો બળતો હોવાથી દ્વારના છિદ્રમાંથી ઘરની અંદર શું થાય છે તે જોવા લાગ્યો. તો તે જ સ્ત્રીને અને તેની માને મદ્ય માંસ ખાતી મેં જોઈ. તેની માએ તેને પૂછ્યું કે, “અહો પુત્રી ! આવું સુંદર તાજું માંસ તું ક્યાંથી લાવી?” તે બોલી “હે માતા! આ માંસ તારા જમાઈનું છે.” એમ કહીને તેણે સર્વ વૃત્તાન્ત કહ્યો. ત્યારે તેની માતા બોલી કે, “એમ કરવું તને યોગ્ય નહોતું” પુત્રી બોલી કે, “હું શું કરું? તેણે મારા વચન પ્રમાણે કર્યું નહીં અને ઊંચું જોયું, તેથી મેં તેમ કર્યું.” આ પ્રમાણે તે બન્નેની વાતો સાંભળીને હું પાછો ફરી દેવીના ચૈત્યમાં આવ્યો અને ત્યાં રાત્રિ નિર્ગમન કરી કોઈ સાધુ પાસે ધર્મોપદેશ સાંભળીને મેં દીક્ષા ગ્રહણ કરી. હાલમાં આ સુસ્થિતમુનિની સેવા કરું છું. આજે તે પૂર્વનો અનુભવેલો ભય સ્મરણમાં આવ્યો.” તે સાંભળીને અભયકુમારે તેમની અતિ પ્રશંસા કરી.