________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ કરેલું ભોજન બ્રાહ્મણોને જ દેવા યોગ્ય છે, તને શુદ્રને દઈ શકાય તેમ નથી, જગતમાં બ્રાહ્મણ સમાન બીજું કોઈ પુણ્યક્ષેત્ર નથી, તેમાં વાવેલું બીજ મોટા ફળને આપે છે.” મુનિના શરીરમાં રહીને યક્ષ બોલ્યો કે, “તમે યજ્ઞમાં હિંસા કરો છો, આરંભમાં રક્ત છો, અજિતેન્દ્રિય છો, તેથી તમે તો પાપક્ષેત્ર છો, વિશ્વમાં મહાવ્રતને ધારણ કરનાર મુનિના જેવું બીજું કોઈ પુણ્યક્ષેત્ર નથી. આ પ્રમાણે તે યક્ષે યજ્ઞાચાર્યનું અપમાન કર્યું.
તે જાણીને તેના શિષ્યો બોલ્યા કે, “અમારા ઉપાધ્યાયનો તું પ્રત્યનિક છે, માટે હવે તો તને કાંઈ પણ આપશું નહીં; નહિ તો કદાચ અનુકંપાને લીધે કાંઈ અંત પ્રાંતાદિ પણ આપત.” યક્ષ બોલ્યો કે, “સમિતિવંત, સમાધિવાળા, ત્રણ ગુપ્તિથી ગુપ્ત અને જિતેન્દ્રિય એવા મને જો તમે એષણીય અન્ન નહિ આપો; તો પછી આ યજ્ઞથી તમને શું લાભ મળવાનો છે? કાંઈ પણ લાભ મળશે નહીં.” તે સાંભળીને અધ્યાપકે પોતાના શિષ્યોને કહ્યું કે, “આને લાકડી અને મુઠી વગેરેથી મારીને કાઢી મૂકો.” તે સાંભળીને સર્વે શિષ્યો એકદમ તેના તરફ દોડ્યા અને મુનિને દંડાદિક વડે મારવા લાગ્યા. તે વખતે રાજપુત્રી ભદ્રા તેમને અટકાવીને બોલી કે, “હે શિષ્યો ! આ મુનિ કદર્થનાને યોગ્ય નથી; કેમકે દેવના વચનથી મને રાજાએ આ મુનિને આપી હતી, તો પણ તેણે મનથી પણ મારી ઈચ્છા કર્યા વિના મને છોડી દીધી; તે આ ઋષિ છે, દેવેન્દ્ર ને નરેન્દ્રને પણ વંદનિક છે, આ મહાયશસ્વી, મોટા પ્રભાવવાળા, મહાદુષ્કર વ્રતધારી અને ઘોર પરાક્રમવાળા એવા મુનિની તમે હિલના કરો નહીં. તેમની હીલના કરવાથી તેમના તપના પ્રભાવ વડે તમે ને અમે સર્વે બળીને ભસ્મ થઈ જઈશું, માટે તેવું ન થાય તેમ કરો” તે સાંભળીને યક્ષે “આ ભદ્રાનું વચન મિથ્યા ન થાઓ” એમ ધારી સર્વ છાત્રોનું નિવારણ કર્યું. કહ્યું છે કે -
एयाइं तीसे वयणाइ सोच्चा, पत्तीए भद्दाए सुभासियाई । इसिस्स वेयावडियट्ठयाए, जक्खा कुमारोवि णिवारयति ॥१॥
ભાવાર્થ - “પોતાના પતિને કહેલા ભદ્રાના આવા સુભાષિત વચન સાંભળીને મુનિની વૈયાવચ્ચ કરનાર યક્ષે તે શિષ્યોનું નિવારણ કર્યું. કેવી રીતે કર્યું તે કહે છે –
તરત જ રોષ પામીને યક્ષે આકાશમાં અનેક રૂપો વિકર્વી તે ઉપસર્ગ કરનારા સર્વે છાત્રોને અંગ વિદારતા અને લોહી વમતા કર્યા. તે જોઈ ફરીથી ભદ્રા બોલી કે, “હે છાત્રો ! આ મુનિની તમે અવગણના કરો છો, તે પર્વતને નખથી ખોદવા જેવું, લોહદંડને દાંતથી ખાવા જેવું અને જાજવલ્યમાન અગ્નિને પાદપ્રહાર કરવા જેવું કરો છો. તેમને સામાન્ય ભિક્ષુ માનીને મૂર્ખને યોગ્ય એવું કાર્ય કરો છો તે તમને ઘટતું નથી; માટે જો તમે જીવિતને કે ધનને ઈચ્છતા હો તો તે મુનિને મસ્તક નમાવીને તેમને શરણે જાઓ.” પછી તે સોમદેવ નામનો યજ્ઞાચાર્ય, જેમના નેત્ર અને જિલ્લા બહાર નીકળેલ છે એવા અને કાષ્ઠ સમાન થઈ ગયેલા તેમજ ઉર્ધ્વ મુખવાળા છાત્રોને