________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫
૨૯૯
તપની પ્રધાનતા तपो मुख्यं हि सर्वत्र, न कुलं मुख्यमुच्यते ।
हरिकेशी श्वापाकोऽपि, स्वःपूज्योऽभून्महाव्रतैः ॥१॥ ભાવાર્થ - સર્વત્ર તપ જ મુખ્ય છે, કુળ મુખ્ય કહેવાતું નથી. જુઓ ! હરિકેશી નામનો ચાંડાળ પણ પાંચ મહાવ્રતોથી દેવને પૂજય થયો હતો.”
હરિકેશીમુનિની કથા મથુરાપુરીમાં શંખ નામના યુવરાજે ધર્મશ્રવણ કરીને દીક્ષા ગ્રહણ કરી વિહાર કરતાકરતા રાજપુર (હસ્તિનાપુર)માં આવ્યા. ત્યાં ભિક્ષાને માટે તપ્ત વાલુકાવાળી નરક પૃથ્વી સમાન અને દેવના પ્રભાવથી દાવાનલ રૂપ હુતવહા નામની એક શેરી હતી. તે શેરીમાં જે કોઈ ચાલતું તે તરત જ મૃત્યુ પામતું હતું. મુનિએ તે શેરીને માણસના સંચાર વિનાની જોઈને પુરોહિતના પુત્રને પૂછ્યું કે, “આ શેરીમાં માણસો ચાલે છે કે નહીં?” તેણે ભલે આ બળી જાય' એવા દુષ્ટ આશયથી કહ્યું કે, “ચાલે છે. તે સાંભળી મુનિ ઉતાવળા તે શેરીમાં જ ચાલ્યા. તેમના તપના પ્રભાવથી તે શેરી શીતળ થઈ ગઈ. પેલો પુરોહિતનો પુત્ર ગવાક્ષમાં બેઠો હતો. તેણે મુનિને ઈર્યાપથિકી શોધતા અને ધીમે ધીમે ચાલતા જોઈને “અહો ! આ કોઈ મહાતપસ્વી લાગે છે એમ જાણી વિસ્મિત થયો. પછી એક દિવસ તે મુનિ પાસે ઉદ્યાનમાં જઈ તેમને નમીને બોલ્યો કે, “હે પૂજય ! મેં આપને પેલી શેરીમાં જવાની આજ્ઞા આપી હતી તે પાપથી હું શી રીતે મુક્ત થઈશ?' મુનિએ કહ્યું કે, પ્રવ્રજયા ગ્રહણ કર.” તે સાંભળીને તેણે દીક્ષા લીધી; પરંતુ બ્રાહ્મણ હોવાથી તેણે જાતિમદ કર્યો. છેવટ આયુષ્ય પૂર્ણ કરીને સ્વર્ગે તે ગયો.
ત્યાંથી આવીને તે ગંગાકાંઠે સ્મશાનનો સ્વામી બલકોટ નામનો ચાંડાળ હતો તેને ગૌરી અને ગાંધારી નામની બે સ્ત્રી હતી. તેમાં ગૌરીની કુલિમાં તે ઉત્પન્ન થયો. પૂર્વ ભવે જાતિમદ કર્યો હતો. તેથી કદરૂપો અને શ્યામ થયો. ચાંડાળોને પણ ઉપહાસ કરવા લાયક થયો. તેનું બળ નામ પડ્યું. તે કોઈને પણ ભાંડવામાં કુશળ અને વિષવૃક્ષની જેમ સૌને દ્વેષ કરવા લાયક થયો સતો ઘણા લોકોને ઉદ્વેગ પમાડતા વૃદ્ધિ પામવા લાગ્યો. એકદા તેનો બંધુવર્ગ પાનગોષ્ઠીમાં તત્પર થયો હતો. તે વખતે તેણે ભાંડચેષ્ટા કરીને સર્વની સાથે કલહ કર્યો; તેથી તેઓએ તેને પોતાથી દૂર કર્યો. તે દૂર જઈને બેઠો તેવામાં ત્યાં એક સર્પ નીકળ્યો. તેને જોઈને તે સર્વે ચાંડાલોએ એકદમ ઉઠીને “આ ઝેરી સાપ છે' એમ કહીને તેને મારી નાંખ્યો. થોડીવારે બીજો દીપક જાતિનો સર્પ નીકળ્યો.
૧. મદિરાપાન કરવામાં