________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૪૫
ઘર સુધી સુરંગ ખોદાવીને તે રસ્તે પિતાને ઘેર ગઈ. કૂવામાં પોતાને ઠેકાણે એક ચાકરને રાખ્યો. તે હંમેશા કાંગના ચોખા ગ્રહણ કરતો. કાંતવા આપેલો કપાસ પિતાને સોંપ્યો અને કંતાવી રાખવા કહ્યું પછી ‘જ્યાં મારો પતિ છે ત્યાં હું જાઉં છું.’ એમ કહીને તે પતિવાળા ગામે ગઈ. ત્યાં વેશ્યાની વૃત્તિથી પતિને વશ કરી તેની સાથે ક્રીડા કરવા લાગી. અનુક્રમે તેનાથી પુત્ર થયો. પછી પતિની પહેલા જ તે ઘેર આવી કૂવામાં રહી. કેટલેક દિવસે ધનમિત્ર ઘેર આવ્યો. તેને તેના આપ્તજનોએ કહ્યું કે ‘તારી સ્ત્રીને કૂવામાંથી બહાર કાઢ' ધનમિત્રે તેને બહાર કાઢી તો સૂત્ર અને પુત્ર સહિત તે બહાર નીકળી. ધનમિત્રે તેને ઓળખી એટલે તે આશ્ચર્ય પામ્યો. પછી તેણે વિપુલમતિને ઘરની સ્વામિની કરી. લોકમાં વિપુલમતિની ઘણી પ્રતિષ્ઠા થઈ.
એકદા તે નગરીમાં ભવદેવ નામના સૂરિ આવ્યા. તેમને વાંદવા માટે સ્ત્રી સહિત ધનદત્ત ગયો. ગુરુને વાંદીને તેણે પૂછ્યું કે ‘હે સ્વામી ! આ મારી સ્રીએ પૂર્વભવમાં શું પુણ્ય ઉપાર્જન કર્યું છે કે જેના પ્રસાદથી તેની આવી તીક્ષ્ણ બુદ્ધિ થઈ છે ? ગુરુ બોલ્યા કે ‘હે મહાભાગ્યવાન ! કુસુમપુર નામના નગરમાં ભાનુદેવને રોહિણી નામે બાળવિધવા પુત્રી હતી. એકદા તેને ઘેર પરગામથી કોઈ ગૃહસ્થ વણિકનો પુત્ર આવ્યો. તેને જોઈને રોહિણીને કામવિકાર ઉત્પન્ન થયો, તેથી તેણે તેના સામું કટાક્ષપૂર્વક ચપળ દૃષ્ટિથી જોયું. તે વખતે આહાર લેવા આવેલા શીલસાર મુનિ તે સમજી ગયા. કહ્યું છે કે -
जइवि न सइ न संपज्जइ, न हु अ झाएइ हिअयमज्झमि । मयणाउरस्स दिट्ठी, लक्खिज्जइ तहवि लोएण ॥१॥
ભાવાર્થ :- ‘જો કે પોતાને સ્ત્રી નથી, સ્ત્રીની ઈચ્છા નથી, તેને હૃદયમાં ધ્યાતા નથી, તો પણ બુદ્ધિમાન મુનિ જોવા માત્રથી મદનાતુરની દૃષ્ટિને સમજી શકે છે.’
પછી “અહો ! કામદેવનો પ્રચાર અતિ દુર્જય છે.” એમ વિચારતાં તે મુનિ ત્યાંથી ચાલ્યા ગયા. તે શીલસા૨ મુનિ અનુક્રમે સમગ્ર સૂત્ર અને અર્થનો અભ્યાસ કરી ગીતાર્થ થયા. તેથી ગુરુએ તેને આચાર્યપદે સ્થાપન કર્યા. અનુક્રમે વિહાર કરતાં એકદા ભવ્ય જીવોને પ્રતિબોધ કરવા તે કુસુમપુરે પધાર્યા ત્યાં તેમને દેશના આપી. તે સાંભળીને રોહિણી પ્રતિબોધ પામી અને દીક્ષા લેવા તૈયાર થઈ. દીક્ષા લેવાના સમયે ગુરુએ કહ્યું કે –
जहा सुविसुद्धे कुडे, लिहिअं चित्तं विहाइ रमणिज्जं । तह अणइयार जीवे, सम्मत्तं गुणकरं होइ ॥ १ ॥
जह लंघहणिअरस्स, रोगिणो ओसहं गुणाय भवे । आलोयणा विसुद्धस्स, धम्मकम्मं तहा सयलं ॥२॥