________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૫૫
આ વગેરે અનેક યુક્તિએ કરીને ધ્યાનનું માહાત્મ્ય શાસ્ત્રમાં વર્ણવ્યું છે. તે સાંભળીને અપ્રશસ્ત અનેક નિમિત્તો મળે તો પણ વસુભૂતિની જેમ શુભ ધ્યાન તજવું નહીં.
વસુભૂતિની કથા
વસંતપુરમાં શિવભૂતિ અને વસુભૂતિ નામના બે ભાઈઓ હતા. એકદા મોટા ભાઈ શિવભૂતિની સ્ત્રી કમળશ્રીએ કામદેવ જેવા વસુભૂતિ દિયરને જોઈને રાગ ઉત્પન્ન થવાથી ભોગને માટે તેની પાસે યાચના કરી, ત્યારે વસુભૂતિ બોલ્યો કે “હે મુગ્ધા ! ‘મોટા ભાઈની પત્ની માતા સમાન જાણવી’ એમ નીતિશાસ્ત્રમાં કહેલું છે.” તે સાંભળીને કમલશ્રી બોલી કે - હે સ્વામી ! મારા અંગમાં વ્યાપેલી કામજ્વરની વ્યથા શાંત કર, નહિ તો તને મોટું પાપ લાગશે. તું લોકવ્યવહારથી અજ્ઞાત છે, તેથી શાસ્ત્રના વાક્યથી ભ્રાન્તિ પામ્યો છે. વ્યવહારને નહિ જાણનારાનું એક દૃષ્ટાંત તને કહું તે સાંભળ. હરિસ્થળ નામના ગામમાં ન્યાય, જ્યોતિષ, વ્યાકરણ અને વૈદ્યકશાસ્ત્રમાં કુશળ થયેલા પણ વ્યવહારથી વિકળ ચાર બ્રાહ્મણના પુત્રો પરસ્પર પ્રીતિવાળા હતા. એક દિવસ તે ચારે જણ પોતપોતાની વિદ્યાથી ગર્વિત થયેલા પરદેશના કૌતુકો જોવા માટે પોતાના ગામથી નીકળ્યા. માર્ગમાં કોઈ ગામ આવ્યું ત્યાં ભોજન માટે રોકાયા. પછી જે નૈયાયિક હતો તેણે ઘી લાવવાનું, જ્યોતિષીએ બળદ ચારવાનું, વૈયાકરણીએ રસોઈ કરવાનું અને વૈધે શાક લાવવાનું કામ માથે લીધું. પછી પોતપોતાના કાર્યમાં ચારે પ્રવૃત્ત થયા.
નૈયાયિક ઘી લઈને આવતાં માર્ગમાં વિચાર કરવા લાગ્યો કે ‘ધૃતાધારું પાત્ર પાત્રાધારું ધૃતં વા’ ઘીને આધારે પાત્ર છે કે પાત્રને આધારે ઘી રહ્યું છે ? એમ વિચારીને ખાત્રી કરવા માટે તે ધૃતપાત્રને ઉંધું વાળ્યું, એટલે તેમાંનું બધું ઘી પૃથ્વી પર પડી ગયું. પછી આગળ ચાલતાં સામેથી હાથી આવતો જોઈને તેણે વિચાર્યું કે “આ હાથી પ્રાપ્ત (અડકનાર)ને મારે કે અપ્રાપ્તને મારે ? જો અપ્રાપ્તને હણે તો કોઈપણ જીવે નહીં, અને તેવી જ રીતે જોવામાં પણ આવતું નથી. જો કદાચ પ્રાપ્તને હણે તો તેના મહાવતને હણશે, હું તો અતિ દૂર છું અને તેને અડકતો પણ નથી.” ઈત્યાદિ વિચાર કરે છે, તેવામાં હાથીએ તેને તત્કાળ સૂંઢથી પકડ્યો. હવે બીજો જે જોષી હતો તે બળદ ચારવા ગયો, ત્યાં બળદો લીલાં ઘાસ ચરતા-ચરતા દૂર નીકળી ગયા. તેથી તેની શોધ માટે તે જ્યોતિષશાસ્ત્રનું અવલોકન કરવા લાગ્યો કે “આ મારા બળદો અંધ નક્ષત્રમાં, કાણ નક્ષત્રમાં, ચીપ્પટ નક્ષત્રમાં કે દિવ્યચક્ષુ નક્ષત્રમાં – કયા નક્ષત્રમાં ગયા છે ? વળી તેઓ કઈ દિશામાં ગયા છે અને ચર લગ્નમાં ગયા છે કે સ્થિર લગ્નમાં ગયા છે ?” ઈત્યાદિ વિચાર કરવા લાગ્યો. તેટલામાં તો તે બળદો અતિ દૂર નીકળી ગયા. હવે ત્રીજો જે વૈયાકરણી હતો રસોઈ કરતો હતો, તેણે ચૂલા પર ખીચડી મૂકી હતી. તેમાં ‘ખદબદ' શબ્દ થવા લાગ્યો. તે સાંભળીને તેણે વિચાર્યું કે “અહો ! આ ‘ખદબદ’ શબ્દ કયા વ્યાકરણમાં કયા સૂત્રથી સિદ્ધ થયો છે ?” ઈત્યાદિ વિચાર કરવા લાગ્યો. એટલે ખીચડી દાઝી ગઈ. હવે ચોથો જે વૈદ્ય હતો, તે શાક લેવા ગયો હતો. ત્યાં કેળાં, કેરી, કંકોડા, ભાજી, લીંબુ વગેરે ઘણા શાક જોઈને તેણે વિચાર્યું કે આ સર્વે શાક વાત,
-
ઉ.ભા.-૫-૫