________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ અર્થ:- “જેમ શુદ્ધ કરેલી ભીંત ઉપર ચિત્રેલું ચિત્ર રમણીય લાગે છે, તેવી જ રીતે અતિચાર રહિત શુદ્ધ જીવને વિષે રહેલું સમકિત અધિક ગુણકારી થાય છે. જેમ લંઘન કરેલા રોગીને ઔષધ ગુણકારી થાય છે, તેમ આલોયણ રૂપી લંઘનથી વિશુદ્ધ થયેલા જીવને સર્વ ધર્મકાર્ય ગુણકારી થાય છે.”
તે સાંભળીને રોહિણીએ સર્વ પાપની આલોચના લીધી, પણ પેલા દષ્ટિવિકારની આલોચના લીધી નહીં. ત્યારે ગુરુ બોલ્યા કે “હે મહા અનુભાવવાળી ! તે દિવસે હું તારે ઘેર આહાર લેવા આવ્યો હતો, તે વખતે મેં તારો દૃષ્ટિવિકાર સાક્ષાત્ જોયો હતો, તેની આલોચના કેમ કરતી નથી?” રોહિણીએ જવાબ આપ્યો કે “તે વણિકપુત્રની સામું મેં માત્ર સહજ જ જોયું હતું; રાગથી જોયું નહોતું.” તે સાંભળીને ગુરુએ તેને લક્ષ્મણા આર્યાનું દૃષ્ટાંત આપીને ઘણું સમજાવી તો પણ તેને માન્યું નહીં અને કહેવા લાગી કે “વારંવાર કહીને ખોટું દૂષણ જ શા માટે બતાવો છો? જો આપને ખોટું દૂષણ જ આપવું હોય તો મારે ચારિત્ર જ લેવું નથી.” એમ સમ્યકત્વ ગ્રહણ કરેલી તે ગુરુ ઉપર દ્વેષ કરીને પોતાને ઘેર ચાલી ગઈ. પછી પ્રતિસમયે ઉભરાતા દ્વેષથી તે નિરંતર ગુરુની નિંદા કરવા લાગી.
અનુક્રમે તેવા જ દુર્ગાનમાં મૃત્યુ પામીને તે કૂતરી થઈ. તુ વખતે તેના ગુહ્યસ્થાનમાં અનેક કૃમિ ઉત્પન્ન થયા. તેની વ્યથાથી મરણ પામીને સર્પિણી થઈ. ત્યાં દાવાનળથી બળી મારીને નરકે ગઈ. ત્યાંથી નીકળીને વાઘણ થઈ. ત્યાં પારધિના બાણથી મૃત્યુ પામીને પાછી નરકે ગઈ. ઈત્યાદિ તિર્યંચ તથા નરકમાં અસંખ્ય વાર ઉત્પન્ન થઈને અત્યંત દુસહ દુઃખો પામી. પછી મનુષ્યપણામાં બહુ વખત સ્ત્રીપણું પામીને દુર્ભાગ્ય, દારિદ્ર, વ્યાધિ, શોક, પતિ વિયોગ વગેરે અનેક પ્રકારના દુઃખો ભોગવીને અસંખ્ય કાળે ધન્ય નામના પુરમાં ગોવર્ધન શેઠની ધની નામે પુત્રી થઈ. તે યુવાવસ્થા પામી એટલે તેને નગરશેઠના પુત્રે જોઈ અને તેના સ્વરૂપથી મોહિત થઈ તેની માંગણી કરીને તે તેને પરણ્યો. પછી શયન ગૃહમાં સુવા ગયો. તે વખતે તેના અંગનો સ્પર્શ થતાં જ તેને એવો તાપ લાગ્યો કે જાણે જાજ્વલ્યમાન અગ્નિના તાપમાં પડ્યો હોય. આવો તાપ સહન નહિ થવાથી તે રાત્રિમાં જ જતો રહ્યો.
પ્રાતઃકાળે પુત્રીને રુદન કરતી જોઈને તેના પિતાએ તેને ધીરજ આપી. પછી પોતાના ઘરના ગોવાળને ઘરજમાઈ કરીને તેની સાથે પરણાવી. તે ગોવાળ પણ તેના સ્પર્શથી તાપ પામીને તેને મૂકીને નાસી ગયો. પછી શોકાતુર થયેલી પુત્રીને તેના પિતાએ કહ્યું કે “હે પુત્રી ! આપણા કુળને અયોગ્ય એવો તારો પુનર્વિવાહ પણ મેં કર્યો, તો પણ તારા પૂર્વ કર્મના પ્રભાવથી દુર્ભાગ્ય જ આગળને આગળ આવીને ઉભું રહે છે. હવે તું દાનાદિક ધર્મક્રિયામાં તત્પર થઈને મારા ઘરમાં જ રહે.” ધનીએ તે વાત કબૂલ કરી અને પિતાના કહેવા પ્રમાણે ધર્મક્રિયા કરવા માંડી. એકદા ત્યાં કોઈ સાધુઓ આવ્યા, તેમને વંદના કરીને ધનીએ પૂછ્યું કે “હે ગુરુ! એવો કોઈ મંત્ર, જંત્ર કે તંત્ર છે કે જેથી મને સૌભાગ્યની પ્રાપ્તિ થાય અને હું યુવાન પુરુષને સ્પૃહા કરવા લાયક થાઉં?”