________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫
૩૯ આ સમય નથી. કેટલાએક સ્ત્રીસુખની લાલસાવાળા જીવો સુધા તૃષાદિક કષ્ટ સહન કરે છે, આતુર રહ્યા કરે છે; તો પણ તેઓને સ્વપ્ન પણ તેવા સુખની પ્રાપ્તિ દુર્લભ જણાય છે. તમને તો તેવું સુખ અત્યારે અનાયાસે પ્રાપ્ત થયું છે, માટે આટલા દિવસ પાલન કરેલા વ્રતનું આ ફળ પ્રાપ્ત થયું છે એમ જાણો. વળી -
कुरूपदुःखस्थविरकर्कशांगजनोचिताम् ।
इमां कष्टक्रियां मुंच, मुधा स्वं वंचयस्व मा ॥१॥ ભાવાર્થ:- “કુરૂપ, દુઃખી, વૃદ્ધ અને કઠોર અંગવાળા જનોને યોગ્ય એવી આ કષ્ટકારી ક્રિયાને મૂકી ઘો; ફોગટ તમારા આત્માને છેતરો નહીં.”
વળી આપણા બેઉનું રૂપ અને શરીર અન્યોન્યના સંગમથી આજે સફળપણાને પામો. જો કદાચ તમને દીક્ષામાં અત્યંત આગ્રહ જ હોય તો ભોગ ભોગવીને પછી વૃદ્ધાવસ્થામાં ફરીથી દીક્ષા ગ્રહણ કરજો. આ પ્રમાણેના તેના વચનો સાંભળીને તથા તેના હાવભાવ જોઈને અન્નકનું મન વ્રત ઉપરથી ભગ્ન થઈ ગયું. કહ્યું છે કે –
दृष्टाश्चित्रेऽपि चेतांसि, हरन्ति हरिणीदृशः ।
किं पुनस्ताः स्मितस्मेरविभ्रमभ्रमितेक्षणाः ॥१॥ ભાવાર્થ:- “મૃગલીના સરખા નેત્રવાળી સ્ત્રીઓ માત્ર ચિત્રમાં જોઈ હોય તો પણ તે ચિત્તનું હરણ કરે છે, તો પછી હાસ્યથી પ્રફુલ્લિત અને વિલાસથી ભ્રમિત એવા નેત્રોવાળી સ્ત્રીઓને સાક્ષાત્ જોવાથી ચિત્ત હરણ કરે તેમાં શું કહેવું?”
પછી તેનું વચન અંગીકાર કરીને અન્નક તેના જ ઘરમાં રહ્યો અને અત્યંત આસક્ત થયેલી તે સ્ત્રી સાથે સ્વેચ્છાપૂર્વક કામક્રીડા કરવા લાગ્યો.
અહીં સર્વે સાધુઓ ગોચરી લઈને ઉપાશ્રયે આવ્યા, અન્નકને જોયો નહીં, તેથી તેમણે તેની શોધ આખા શહેરમાં કરી, પણ કોઈ ઠેકાણે તેનો પત્તો લાગ્યો નહીં; તેથી તેઓએ તે વૃત્તાંત તેની માતા કે જે સાધ્વી થયેલી હતી તેને કહ્યો. તે સાંભળીને સાધ્વી પુત્ર પરના અતિરાગાંધપણાથી પુત્રશોક વડે જાણે તેના શરીરમાં ભૂત પેઠું હોય તેમ બેભાન જેવી અને ઉન્મત્ત જેવી થઈ ગઈ અને “હે અહંન્નક! હે અહંન્નક' એમ ઊંચે સ્વરે ગદ્ગદ્ કંઠે વિલાપ કરતી શહેરના સર્વ ચૌટા અને શેરીઓમાં ભમવા લાગી. મોહથી ઘેલી બનેલી તે પગલે-પગલે અલના પામતી, નયનમાંથી પડતી આંસુની ધારાથી માર્ગની ધૂળને આર્ટ્સ કરતી અને જે કોઈ સામું મળે તેને “મારા પ્રાણથી પણ પ્રિય પુત્ર અહંકને તમે ક્યાંય પણ જોયો છે?” એમ વારંવાર પૂછતી તે આખા નગરમાં અટન કરવા લાગી. તેની આવી ઉન્મત્ત અવસ્થા જોઈને સજ્જન પુરુષોને અનુકંપા આવતી હતી અને દુર્જનો તેની મશ્કરી કરતા હતા.
ઉ.ભા.-૫-૪