________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫
munos વિસ્તરાર્થ - ઈર્યા એટલે ગમન કરવું તે, તેમાં સમિત એટલે ઉપયોગ રાખનાર, સમસ્ત જીવોની હિંસાના ત્યાગને માટે ઈર્યાસમિત થવું તે પહેલી ભાવના, તથા સર્વદા સારી રીતે ઉપયોગ રાખીને ઈક્ષણપૂર્વક (જોઈને) પાન અને ભોજન ગ્રહણ કરવું અથવા વાપરવું એ બીજી ભાવના, આદાન-નિક્ષેપ એટલે પાત્રાદિક પ્રમાર્જના-પૂર્વક ગ્રહણ કરવા અથવા મૂકવાં તે, તથા આગમમાં જેનો નિષેધ કર્યો હોય તેની જુગુપ્સા (નિંદા) કરે, પોતે ન આચરે તે ત્રીજી ભાવના તથા સાધુ સમાહિત એટલે સાવધાન થઈને મનને દૂષણ રહિત પ્રવર્તાવે, કેમકે મન દૂષણવાળું હોય તો કાયલીનતા વગેરે કર્યા છતાં પણ તે કર્મબંધ માટે થાય છે. પ્રસન્નચંદ્ર નામના રાજર્ષિએ મનોગુપ્તિ રાખી નહીં તેથી કાયા વડે હિંસા નહીં કર્યા છતાં પણ મનથી સાતમી નરકને યોગ્ય કર્મ બાંધ્યું હતું એમ સંભળાય છે, માટે મનને નિયમમાં રાખવું એ ચોથી ભાવના, તેવી જ રીતે વાણી પણ દૂષણ રહિત બોલવી કે જેથી હિંસા થાય નહીં, તે પાંચમી ભાવના.
બીજા અસત્યવિરમણ વ્રતની પાંચ ભાવના આ પ્રમાણે છે - अहस्स सच्चे अणुवीय भासए, जे कोह लोहं भयमेव वज्जए । से दीहरायं समुपेहिया सया, मुणी हु मोसं पडिवज्जए सिया ॥२॥
શબ્દાર્થ:- “જે હાસ્ય રહિત સત્ય બોલે, વિચારીને બોલે તથા ક્રોધ, લોભ અને ભયનો ત્યાગ કરે તે મુનિ દીર્ધરાત્રને સદા જુએ છે, માટે મુનિએ સર્વદા અસત્યનો ત્યાગ કરવો.”
વિસ્તરાર્થ:- હાસ્યનો ત્યાગ કરીને સત્યવાણી બોલવી, કેમકે હાસ્યથી કદાચ અસત્ય પણ બોલાય છે તે પહેલી ભાવના (૧). વિચારોને એટલે સમ્યગુ જ્ઞાનપૂર્વક વિચાર કરીને બોલવું, વગર વિચારે બોલનાર કોઈ વાર અસત્ય પણ બોલી જાય છે અને તેથી પોતાને વેર, પીડા વગેરે પ્રાપ્ત થાય છે, તથા જીવહિંસા પણ થાય છે તે બીજી ભાવના (૨) તથા જે ક્રોધ, લોભ અને ભયનો ત્યાગ કરે તે મુનિ દીર્ધરાત્ર એટલે મોક્ષને પોતાની સમીપે જુએ છે; માટે હંમેશા અસત્યનો ત્યાગ કરવો. ક્રોધાદિક ત્યાગ કરવાનું તાત્પર્ય એ છે કે - ક્રોધને આધીન થયેલો માણસ જયારે બોલે છે ત્યારે તેને સ્વપરની અપેક્ષા રહેતી નથી, તેથી તે જેમ તેમ બોલતાં અસત્ય પણ બોલે છે, માટે તેનો ત્યાગ કરવો શ્રેષ્ઠ છે (૩). લોભને આધીન થયેલો માણસ પણ અત્યંત ધનના લોભથી ખોટી સાક્ષી પૂરવા વગેરેથી અસત્ય બોલે છે, માટે તેનો ત્યાગ કરવો (૪). તથા ભયભીત માણસ પોતાના પ્રાણાદિકનું રક્ષણ કરવાની ઈચ્છાથી સત્યવાદીપણાનો ત્યાગ કરે છે, માટે પોતાના આત્મામાં નિરંતર નિર્ભયતા ધારણ કરવી (૫).
૧. ક્રોધાદિકના ત્યાગની ત્રણ ભાવના મળીને પાંચ થાય છે.