________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૨૯
તે જ રાત્રિએ કોઈ વ્યંતર દેવતાએ તે દાસીને ઊંઘમાં અક્કાના વિચારનું સ્વપ્ન આપ્યું, તેથી ભય પામીને તે દાસી પ્રાતઃકાળે ત્યાંથી ભાગી. ભમતાં-ભમતાં છ માસ વ્યતીત થયા ત્યારે કોઈ ગૃહસ્થના પુત્રે તેને પોતાના ઘરમાં રાખી. એકદા તે શ્રેષ્ઠિની પત્નીને ઈર્ષ્યા આવવાથી તેણે ક્રોધ વડે તે દાસી ઊંઘી ગઈ હતી ત્યારે તેના ગુહ્યસ્થાનમાં લોઢાની કોશ નાંખી, તેથી તે દાસી મૃત્યુ પામી. શેઠાણીએ તેના શરીરના ટુકડે ટુકડા કરીને ગીધ વગેરે પક્ષીઓને ખવરાવી દીધા.
શ્રેષ્ઠિએ તે વૃત્તાંત જાણ્યું એટલે વૈરાગ્ય પામીને તરત જ ચારિત્ર લીધું. તે દાસી ઘણા ભવમાં ભ્રમણ કરીને નરદેવ (ચક્રવર્તી)નું સ્ત્રીરત્ન થઈ ત્યાંથી મરીને છઠ્ઠી નરકમાં ગઈ, ત્યાંથી શ્વાનયોનિમાં ઉપજી. અનેકવાર મરણ પામીને નિર્ધન બ્રાહ્મણપણું પામી. પછી અનુક્રમે વ્યન્તરપણું, બ્રાહ્મણપણું, નરકે ગમન, સાત ભવ સુધી પાડો, મનુષ્ય, માછલી અને અનાર્ય દેશમાં સ્ત્રીપણું પામી, મરીને છઠ્ઠી નરકે ગઈ. ત્યાંથી નીકળી કુષ્ટિ મનુષ્ય થઈ. પછી પશુ અને સર્પ યોનિમાં ઉત્પન્ન થઈ. મરીને પાંચમી નરકે ગઈ. ઈત્યાદિ ચારે ગતિમાં પરિભ્રમણ કરીને તે લક્ષ્મણાનો જીવ પદ્મનાભસ્વામીના વારામાં કોઈક ગામમાં કુબડી સ્રી થશે. તેને તેના મા-બાપ અવિનીતપણાને લીધે ઘરમાંથી કાઢી મૂકશે. પછી તેને અરણ્યમાં ભ્રમણ કરતાં કાંઈક પુણ્યોદયથી શ્રી પદ્મનાભપ્રભુના દર્શન થશે, ત્યાં તે પોતાના કર્મવિપાકનો પ્રશ્ન ક૨શે, ત્યારે પ્રભુ સર્વ વૃત્તાન્ત કહેશે. તે સાંભળીને તે કુબ્જા વૈરાગ્ય પામી દીક્ષા લેશે. પછી પૂર્વનાં સર્વ દુષ્કૃતોની આલોચના-પ્રતિક્રમણા કરીને સમાધિ વડે કેવળજ્ઞાન પામી સિદ્ધિપદને પામશે.” ઈતિ લક્ષ્મણા સાધ્વી પ્રબંધઃ
આ પ્રમાણે શીલસન્નાહ મુનિએ કહેલો વૃત્તાંત સાંભળ્યા છતાં પણ રૂપી સાધ્વી બોલી કે “હે ગુરુ મારામાં કાંઈ પણ શલ્ય નથી.” આ પ્રમાણે કહેવાથી તેણે માયા વડે ફરીને પણ સ્ત્રીપણું ઉપાર્જન કર્યું. ગુરુએ તેને અયોગ્ય જાણીને સંલેખના ન કરાવી અને પોતે એક માસની સંલેખના કરી, કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા.
રૂપી સાધ્વી વિરાધક ભાવે મૃત્યુ પામી વિદ્યુકુમાર નિકાયમાં દેવી થઈ. ત્યાંથી ચ્યવીને શ્યામ અંગવાળી અને કામવાસનાથી વિહ્વળ એવી કોઈ બ્રાહ્મણની પુત્રી થઈ, ત્યાંથી નરકમાં ગઈ, ત્યાંથી નીકળી તિર્યંચ થઈ. એવી રીતે ત્રણે ઉણા લાખ ભવ સુધી પરિભ્રમણ કરીને મનુષ્યભવ પામી પ્રવ્રજ્યા ગ્રહણ કરી સાધુપણાના ગુણને પામી; પરંતુ પૂર્વની માયાને લીધે ત્યાંથી કાળ કરીને ઈન્દ્રની અગ્રમહિષી (ઈન્દ્રાણી) થઈ. ત્યાંથી ચ્યવીને તે ગોવિંદની સ્ત્રી થઈ અને આ ભવમાં ચારિત્ર પામીને મોક્ષે ગઈ.”
ઈતિ રૂપી શ્રમણી સંબંધઃ
૧. પ્રથમની હકીકત સાથે મેળવતાં અનુક્રમે કેવળજ્ઞાન પામી મોક્ષે જશે એમ ઘટમાન લાગે છે.