________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
નથી. વળી આયુની સ્થિતિ અવશ્ય પૂર્ણ થાય છે અને તેથી મરણ પણ અવશ્ય થાય છે. માટે એ ઉપાયો કરવા જૂઠા જ છે.
તો સાચો ઉપાય શો છે? સમ્યગ્દર્શનાદિકથી પર્યાયમાં અહંબુદ્ધિ છૂટે, પોતે જ અનાદિનિધન ચૈતન્યદ્રવ્ય છે તેમાં અહંબુદ્ધિ આવે અને પર્યાયને સ્વાંગ સમાન જાણે તો મરણનો ભય રહે નહિ. અને સમ્યગ્દર્શનાદિથી જ જ્યારે સિદ્ધપદ પામે ત્યારે જ મરણનો અભાવ થાય માટે સમ્યગ્દર્શનાદિક જ તેના સાચા ઉપાય છે.
નામકર્મના ઉદયથી થતું દુ:ખ અને તેના ઉપાયોનું જૂઠાપણું
નામકર્મના ઉદયથી ગતિ, જાતિ અને શરીરાદિક નીપજે છે. તેમાંથી પુણ્યના ઉદયથી જે પ્રાસ થાય તે તો સુખનાં કારણ થાય છે, અને પાપના ઉદયથી જે પ્રાપ્ત થાય તે દુ:ખનાં કારણ થાય છે, પણ ત્યાં સુખ માનવું એ ભ્રમ છે. વળી દુઃખનાં કારણ મટાડવાના તથા સુખના કારણ મેળવવાના એ જે ઉપાય કરે છે તે બધા જૂઠા છે. સાચા ઉપાય તો માત્ર સમ્યગ્દર્શનાદિક છે તે તો વેદનીયકર્મનું કથન કરતાં જેમ નિરૂપણ કર્યો તેમ અહીં પણ જાણવા. કારણ કે વેદનીયકર્મ અને નામકર્મમાં સુખ-દુ:ખના કારણપણાની સમાનતા હોવાથી તેના નિરૂપણની પણ સમાનતા જાણવી.
ગોત્ર કર્મના ઉદયથી થતું દુ:ખ અને તેના ઉપાયનું જૂઠાપણું
ગોત્રકર્મના ઉદયથી આત્મા નીચ-ઉચ્ચ કુલમાં ઊપજે છે. ત્યાં ઊંચ કુળમાં ઊપજતાં પોતાને ઊંચો માને છે તથા નીચ કુળમાં ઊપજતાં પોતાને નીચો માને છે. વળી કુળ પલટવાનો ઉપાય તો તેને કાંઈ ભાસતો નથી, તેથી જેવું કુળ પામ્યો હોય તેવા જ કુળમાં સ્વપણું માને છે; પણ કુળ અપેક્ષાએ પોતાને ઊંચ-નીચ માનવો ભ્રમ છે. ઉચ્ચ કુળવાળો કોઈ નિંધ કાર્ય કરે તો તે નીચ થઈ જાય તથા નીચ કુળમાં કોઈ પ્રશંસનીય કાર્ય કરે તો તે ઉચ્ચ થઈ જાય. લોભાદિક વડે નીચ કુળવાળાની ઉચ્ચ કુળવાળો સેવા કરવા લાગી જાય છે.
વળી કુળ કેટલા કાળ સુધી રહે છે? કારણ પર્યાય છૂટતાં કુળનો પણ પલટો થઈ જાય છે માટે ઊંચા-નીચા કુળ વડે પોતાને ઊંચો-નીચો માનવો એ ભ્રમ છે. ઉચ્ચ કુળવાળાને નીચા થવાના ભયનું તથા નીચ કુળવાળાને પ્રાપ્ત થયેલા નીચપણાનું દુઃખ જ છે.
તો એ દુઃખ દૂર થવાનો સાચો ઉપાય શો છે? સમ્યગ્દર્શનાદિક વડે ઉચ્ચ-નીચ કુળમાં હર્ષ-વિષાદ ન માને અને એ બધા કરતાં પણ જેનો ફરી પલટો ન થાય એવા સર્વથી શ્રેષ્ઠ સિદ્ધપદને પ્રાપ્ત કરે છે ત્યારે જ સર્વ દુઃખ મટી જાય અને સુખી થાય. (માટે સમ્યગ્દર્શનાદિક જ દુઃખ મટવાના તથા સુખી થવાના સાચા ઉપાયો છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com