________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
તથા સર્વથા સર્વ કર્મબંધનો અભાવ થવો તેનું નામ મોક્ષ છે. તેને જો ન ઓળખે તો તેનો ઉપાય પણ ન કરે જેથી સંસારમાં કર્મબંધનથી ઉત્પન્ન થતાં દુ:ખોને જ તે સહન કરે, માટે મોક્ષતત્ત્વને જાણવું આવશ્યક છે એ પ્રમાણે જીવાદિક સાત તત્ત્વો જાણવાં આવશ્યક છે.
વળી શાસ્ત્રાદિવડે કદાચિત્ તેને જાણે પણ “તે એમ જ છે” એવી પ્રતીતિ ન આવી તો જાણવાથી પણ શું થાય ? માટે તેનું શ્રદ્ધાન કરવું કાર્યકારી છે. એ પ્રમાણે એ જીવાદિક તત્ત્વોનું સત્ય શ્રદ્ધાન કરવાથી જ દુઃખનો અભાવ થવારૂપ પ્રયોજનની સિદ્ધિ થાય છે. માટે જીવાદિક પદાર્થો છે તે જ પ્રયોજનભૂત જાણવા.
વળી તેના વિશેષ ભેદ પુણ્ય-પાપાદિરૂપ છે તેનું શ્રદ્ધાન પણ પ્રયોજનભૂત છે, કારણ કે સામાન્યથી વિશેષ બળવાન છે એ પ્રમાણે એ પદાર્થો પ્રયોજનભૂત છે, કારણ કે-તેનું યથાર્થ શ્રદ્ધાન કરવાથી તો દુ:ખ થતું નથી, સુખ થાય છે અને તેના યથાર્થ શ્રદ્ધાન કર્યા વિના દુ:ખ થાય છે, સુખ થતું નથી.
તથા એ સિવાયના બીજા પદાર્થો છે તે અપ્રયોજનભૂત છે તેથી તેનું યથાર્થ શ્રદ્ધાન કરો વા ન કરો; તેનું શ્રદ્ધાન કંઈ સુખ-દુઃખનું કારણ નથી.
પ્રશ્ન:- પૂર્વે જીવ-અજીવ પદાર્થો કહ્યાં તેમાં તો સર્વ પદાર્થો આવી ગયા તો એ વિના અન્ય પદાર્થો કયા રહ્યા કે જેને અપ્રયોજનભૂત કહ્યા છે?
ઉત્ત૨:- પદાર્થ તો સર્વ જીવ-અજીવમાં જ ગર્ભિત છે, પરંતુ એ જીવ-અજીવના વિશેષો (ભેદો ) ઘણા છે; તેમાં જે વિશેષો સહિત જીવ-અજીવનું યથાર્થ શ્રદ્ધાન કરતાં સ્વ-૫૨નું શ્રદ્ધાન થાય, રાગાદિક દૂર કરવાનું શ્રદ્ધાન થાય તેથી સુખ ઊપજે તથા તેને અયથાર્થ શ્રદ્ધાન કરતાં સ્વ-પરનું શ્રદ્ધાન ન થાય રાગાદિક દૂર કરવાનું શ્રદ્ધાન ન થાય, તેથી દુ:ખ ઊપજે, એ વિશેષો સહિત જીવ–અજીવ પદાર્થ તો પ્રયોજનભૂત સમજવા.
તથા જે વિશેષો સહિત જીવ-અજીવનું યથાર્થ શ્રદ્ધાન કરવાથી વા ન કરવાથી સ્વ-૫૨નું શ્રદ્ધાન થાય વા ન થાય, રાગાદિક દૂર કરવાનું શ્રદ્ધાન થાય વા ન થાય, જેનો કાંઈ નિયમ નથી, એવા વિશેષો સહિત જીવ-અજીવ પદાર્થ અપ્રયોજનભૂત સમજવા.
જેમ જીવ અને શરીરનું તેના ચૈતન્ય તથા મૂર્તત્વાદિ વિશેષો વડે શ્રદ્ધાન કરવું તો પ્રયોજનભૂત તથા મનુષ્યાદિ પર્યાયો તથા ઘટપટાદિનું અવસ્થા-આકારાદિ વિશેષો વડે શ્રદ્ધાન કરવું અપ્રયોજનભૂત છે. એમ અન્ય પણ સમજવું.
એ પ્રમાણે કહેલાં જે પ્રયોજનભૂત જીવાદિક તત્ત્વો તેના અયથાર્થ શ્રદ્ધાનને મિથ્યાદર્શન
જાણવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com