________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
ઉત્ત૨:- પદાર્થોને જાણવા, ન જાણવા વા અન્યથા જાણવા તે જ્ઞાનાવરણકર્મના અનુસાર હોય છે અને તેની પ્રતીતિ થાય છે તે પણ જાણવાથી જ થાય છે, જાણ્યા વિના પ્રતીતિ કયાંથી થાય ? એ તો સાચું, પરંતુ જેમ કોઈ પુરુષ પદાર્થથી પોતાનું કાંઈ પ્રયોજન નથી તે પદાર્થને અન્યથા જાણે, યથાર્થ જાણે વા જેવું જાણે તેવું જ માને છતાં તેથી તેનો કાંઈ પણ સુધાર-બગાડ થતો નથી અને એવી રીતે જાણવા વા માનવાથી તે પુરુષ કાંઈ ડાહ્યો કે પાગલ ગણાય નહિ, પરંતુ જેનાથી પ્રયોજન છે તેને જો અન્યથા જાણે વા તેમ જ માનવા લાગે તો તેનો બગાડ થાય અને તેથી તે પાગલ કહેવાય. તથા જો એ પ્રયોજનભૂત પદાર્થોને યથાર્થ જાણે વા તેમ જ માને તો તેનો સુધાર થાય અને તેથી ડાહ્યો કહેવાય. એ જ પ્રમાણે જેનાથી પ્રયોજન નથી તેવા પદાર્થોને આ જીવ અન્યથા જાણે, યથાર્થ જાણે વા જેવું જાણે તેવું જ શ્રદ્ધાન કરે, તો તેથી તેનો કોઈ સુધાર કે બગાડ નથી અથવા તેથી તે મિથ્યાદષ્ટિ-સમ્યગ્દષ્ટિ નામ પામે નહિ. પણ જેનાથી પ્રયોજન છે તેને જો અન્યથા જાણે તથા તેવું જ શ્રદ્ધાન કરે તો તેનો બગાડ થાય અને એટલા માટે તેને મિથ્યાદષ્ટિ કહીએ છીએ. તથા જો તેને યથાર્થ જાણે અને તેવું જ શ્રદ્ધાન કરે તો તેનો સુધાર થાય માટે સમ્યગ્દષ્ટિ કહીએ છીએ.
અહીં એટલું સમજવું કે અપ્રયોજનભૂત વા પ્રયોજનભૂત પદાર્થોને ન જાણવા વા યથાર્થ-અયથાર્થ જાણવામાં આવે છે તેમાં તો માત્ર જ્ઞાનની જ હીનતા-અધિકતા થાય છે એટલો જ જીવનો બગાડ-સુધાર છે અને તેનું નિમિત્ત તો જ્ઞાનાવરણકર્મ છે. પરંતુ પ્રયોજનભૂત પદાર્થોને અન્યથા વા યથાર્થ શ્રદ્ધાન કરવાથી જીવનો કાંઈ બીજો પણ બગાડ-સુધાર થાય છે તેથી તેનું નિમિત્ત દર્શન-મોહકર્મ છે.
પ્રશ્ન:- જેવું જાણે તેવું શ્રદ્ધાન કરે માટે અમને તો જ્ઞાનાવરણના અનુસાર જ શ્રદ્ધાન ભાસે છે, પણ અહીં દર્શનમોહનું વિશેષ નિમિત્ત કહ્યું તે કેવી રીતે ભાસે છે?
ઉત્તર:- પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનું શ્રદ્ધાન કરવા યોગ્ય જ્ઞાનાવરણનો ક્ષયોપશમ તો સર્વ સંશીપંચેન્દ્રિય જીવોને થયો છે. પરંતુ દ્રવ્યલિંગી મુનિ અગિયાર અંગ સુધી ભણે છે તથા ત્રૈવેયકના દેવો અવધિજ્ઞાનાદિ યુક્ત છે તેમને જ્ઞાનાવરણનો ઘણો ક્ષયોપશમ હોવા છતાં પણ પ્રયોજનભૂત જીવાદિક તત્ત્વોનું શ્રદ્ધાન હોતું નથી, તથા તિર્યંચાદિકને જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થોડો હોવા છતાં પણ પ્રયોજનભૂત જીવાદિક તત્ત્વોનું શ્રદ્ધાન હોય છે, માટે સમજાય છે કે જ્ઞાનાવરણના ક્ષયોપશમ અનુસાર જ શ્રદ્ધાન નથી, પરંતુ કોઈ જુદું કર્મ છે અને તે દર્શનમોહ છે. તેના ઉદયથી જ્યારે જીવને મિથ્યાદર્શન થાય છે ત્યારે તે પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનું અન્યથા શ્રદ્ધાન કરે છે.
પ્રયોજનભૂત-અપ્રયોજનભૂત પદાર્થ
પ્રશ્નઃ- એ પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત તત્ત્વ કયા કયા છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com