________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પંડિત પ્રવર ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી
અર્થાત્
આધ્યાત્મિક પ્રશ્નોત્તર-પત્રિકા
ભૂમિકા
सर्वमंगलनिधौ हृदि यस्मिन् सङ्गते निरुपमं सुखमेति। मुक्तिशर्म च वशीभवति द्राक् तं बुद्धा भजत शांतरसेन्द्रम्।।
અર્થ:- હે બુદ્ધિમાન પુરુષો! જે અનુભવ હૃદયમાં પ્રાપ્ત થવાથી અનુપમ સુખની પ્રાપ્તિ થાય છે અને મુક્તિલક્ષ્મી શીઘ્ર વશમાં આવે છે તે સંપૂર્ણ મંગળોના સમુદ્રસ્વરૂપ શાન્તરસેન્દ્રના અનુભવને તમે સેવો.
કોઈપણ વિદ્યાને શીખી જે પોતાના પ્રત્યેક સાધારણ યા વિશેષ કાર્યોમાં તેનો નિરંતર ઉપયોગ કરતો રહે છે અથવા તો વ્યાવહારિક કાર્યોમાં જેમની વિદ્યાની ઝળક ઝળકે છે તે જ સપુરુષો વાસ્તવ અને આદર્શ વિદ્વાન કહેવાય છે. જેઓએ પોતાના સતત પ્રયત્નો દ્વારા આત્માની અનંત શક્તિઓનું ઉદ્ઘાટન કરીને શાન્તિ-સુખનું તત્ત્વ નિચોવ્યું છે, જેઓએ આત્માનાં ગૂઢ રહસ્યોનો તાગ લીધો છે અને તેને હંમેશાં સાંભળવામાં તથા શંકાઓના સમાધાન કરવામાં પોતાના સમયનો સદવ્યય કર્યો છે તેવા આદર્શ વિદ્વાનો પાસે, જેમ મંત્રવેત્તાના આહાન પર દેવતા ઉપસ્થિત થાય છે તેમ, પ્રત્યેક દેશના મહાન પુરુષો હાથ જોડી ખડા રહે છે.
આવા આદર્શ વિદ્વાનોમાં પંડિતપ્રવર ટોડરમલજી પણ આદર્શ વિદ્વાન થઈ ગયા છે. તેઓ અધ્યાત્મરસના રસિક અને જ્ઞાની હતા. જેમણે ગોમટસાર, લબ્ધિસાર, સમયસાર, પ્રવચનસાર, પુરુષાર્થસિદ્ધિ-ઉપાય, આત્માનુશાસન આદિ પૂર્ણ પાંડિત્યપ્રદર્શક મહાન ગ્રંથોની ટીકાઓનું અવલોકન કર્યું છે તેમનાથી તેમની વિદ્વત્તા છાની નથી. આજે તેમના બનાવેલા મોક્ષમાર્ગપ્રકાશક ગ્રંથનો જૈનસમાજમાં બહુ પ્રચાર છે. જૈનધર્મનો થોડો પણ મર્મ સમજનાર પ્રત્યેક જિજ્ઞાસુ તેમના બનાવેલા મોક્ષમાર્ગપ્રકાશકનું નિત્ય અધ્યયન કરીને તેમાંથી પોતાના આત્માને મળતા શાન્તરસના આસ્વાદનથી પોતાને કૃતકૃત્ય માની સહસ્રમુખે ૫. ટોડરમલજીની પ્રશંસા કરવામાં પોતાનું સૌભાગ્ય સમજે છે. યથાર્થપણે તેમનું નામ આચાર્યોની શ્રેણીમાં લખવા યોગ્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com