________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૨ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
પરંતુ એટલું જાણવું કે સમ્યકત્વીને વ્યવહારસમ્યકત્વમાં વા અન્ય કાળમાં અંતરંગ નિશ્ચયસમ્યકત્વ ગર્ભિત છે, નિરંતર ગમન (પરિણમન) રૂપ રહે છે.
વળી તમે લખ્યું કે કોઈ સાધર્મી કહે છે કે - આત્માને પ્રત્યક્ષ જાણે તો કર્મવર્ગણાઓને પ્રત્યક્ષ કેમ ન જાણે ?
એ જ કહ્યું છે કે આત્માને પ્રત્યક્ષ તો કેવળી જ જાણે છે, કર્મવર્ગણાને અવધિજ્ઞાન પણ જાણે છે.
વળી તમે લખ્યું છે કે “બીજના ચંદ્રની જેમ આત્માના પ્રદેશ થોડા ખુલ્લા છે એમ
કહો.”
ઉત્તરઃ- એ દષ્ટાંત પ્રદેશની અપેક્ષાએ નથી પણ ગુણની અપેક્ષાએ છે.
એ પ્રમાણે સમ્યકત્વી સંબંધી તથા અનુભવ સંબંધી પ્રત્યક્ષ-અપ્રત્યક્ષાદિકના જે પ્રશ્નો તમે લખ્યા હતા તેનો પ્રત્યુત્તર મારી બુદ્ધિ અનુસાર લખ્યો છે. તમે પણ જિનવાણીથી તથા પોતાની પરિણતિથી મેળવી લેશો.
અને ભાઈ શ્રી, વિશેષ કયાં સુધી લખીએ? જે વાત જાણવામાં આવે તે લખવામાં આવી શકે નહિ. મળ્યથી કંઈક કહી શકાય, પરંતુ મળવું કર્માધીન છે. માટે સારું તો એ છે કે ચૈતન્યસ્વરૂપના અનુભવના ઉદ્યમી રહેવું.
વર્તમાનકાળમાં અધ્યાત્મતત્ત્વ તો આત્મખ્યાતિ-સમયસાર ગ્રંથની શ્રી અમૃતચંદ્ર આચાર્યકૃત સંસ્કૃત ટીકામાં છે અને આગમની ચર્ચા ગોમ્મસારમાં છે તથા બીજા પણ અન્ય ગ્રંથોમાં છે.
જે જાણી છે તે સર્વ લખવામાં આવે નહિ; તેથી તમે પણ અધ્યાત્મ તથા આગમગ્રંથોનો અભ્યાસ રાખજો અને સ્વરૂપાનંદમાં મગ્ન રહેજો.
વળી તમે કોઈ વિશેષ ગ્રંથ જાણ્યા હોય તો મને લખી મોકલજો; સ્વધર્મીને તો પરસ્પર (ધર્મ) ચર્ચા જ જોઈએ; વળી મારી તો એટલી બુદ્ધિ છે નહિ, પરંતુ તમારા જેવા ભાઈઓથી પરસ્પર વિચાર છે, તે મોટી વાત છે.
જ્યાં સુધી મળવું થાય નહિ ત્યાં સુધી પત્ર તો અવશ્ય લખ્યા કરો. મિતિ ફાગણ વદ ૫ સંવત ૧૮૧૧.
-ટોડરમલ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com