________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૪]
મોક્ષમાર્ગ પ્રકાશક
ઉદાહરણ-જેમ, તીર્થંકરદેવોના કલ્યાણકોમાં ઇન્દ્રો આવ્યા એ કથા તો સત્ય છે, પરંતુ ત્યાં ઇન્દ્ર સ્તુતિ કરી તેનું જે અહીં વ્યાખ્યાન કર્યું, ત્યાં ઇન્દ્ર તો અન્યપ્રકારથી જ સ્તુતિ કરી હતી અને અહીં ગ્રંથર્તાઓ અન્ય પ્રકારથી જ સ્તુતિ કરવી લખી, પરંતુ સ્તુતિરૂપ પ્રયોજન અન્યથા નથી. વળી કોઈને પરસ્પર વચનાલાપ થયો હોય ત્યાં તેમને તો અન્યપ્રકારે અક્ષરો નીકળ્યા હતા અને અહીં ગ્રંથíએ અન્ય પ્રકારે કહ્યા, પરંતુ ત્યાં પ્રયોજન એક જ દર્શાવે છે. નગર-વન-સંગ્રામાદિકનાં નામાદિક તો જેમ છે તેમ જ લખ્યાં, પરંતુ ત્યાં વર્ણન હીનાધિક પણ પ્રયોજનને પોષક નિરૂપવામાં આવે છે. ઇત્યાદિ એ જ પ્રમાણે સમજવું.
વળી પ્રસંગરૂપ કથાઓ પણ ગ્રંથક્ત પોતાના વિચારાનુસાર કહે છે. જેમ ધર્મ-પરીક્ષામાં મૂર્ખની કથા લખી ત્યાં એ જ કથા મનોવેગે કહી હતી એવો નિયમ નથી, પરંતુ મૂર્ણપણાને પોષક જ એવી કોઈ વાર્તા કહી હતી એવા અભિપ્રાયનું પોષણ કરે છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
પ્રશ્ન:- અયથાર્થ કહેવું તો જૈનશાસ્ત્રોમાં સંભવે નહિ ?
ઉત્તર:- અન્યથા તો તેનું નામ છે કે જો પ્રયોજન અન્યનું અન્ય પ્રગટ કરવામાં આવે. જેમ-કોઈને કહ્યું કે તું ફલાણાને “આ પ્રમાણે” કહેજે, હવે તેણે તે જ અક્ષર તો ન કહ્યા પરંતુ તે જ પ્રયોજન સહિત કહ્યા તો તેને મિથ્યાવાદી કહેતા નથી. અહીં એમ જાણવું કે જો જેમ છે તેમ લખવાનો સંપ્રદાય હોય તો કોઈએ ઘણા પ્રકારથી વૈરાગ્યચિંતવન કર્યું હતું તેનું સર્વ વર્ણન લખતાં ગ્રંથ વધી જાય, તથા કાંઈ પણ લખવામાં ન આવે તો તેનો ભાવ ભાસે નહિ, માટે વૈરાગ્યના ઠેકાણે પોતાના વિચારાનુસાર થોડું ઘણું વૈરાગ્ય પોષક જ કથન કરે પણ સરાગપોષક ન કરે તો ત્યાં અન્યથા પ્રયોજન ન થયું, તેથી તેને અયથાર્થ કહેતા નથી. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી પ્રથમાનુયોગમાં જેની મુખ્યતા હોય તેને જ પોષવામાં આવે છે. જેમ કોઈએ ઉપવાસ કર્યો તેનું ફળ તો અલ્પ હતું, પરંતુ તેને અન્ય ધર્મપરિણતિની વિશેષતા થવાથી ઉચ્ચપદની પ્રાપ્તિ થઈ ત્યાં તેને ઉપવાસનું જ ફળ નિરૂપણ કરે છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી જેમ કોઈએ શીલની જ પ્રતિજ્ઞા દઢ રાખી વા નમસ્કારમંત્રનું સ્મરણ કર્યું વા અન્ય ધર્મસાધન કર્યું અને તેને કષ્ટ દૂર થયાં-અતિશય પ્રગટ થયા, ત્યાં તેનું જ એવું ફળ નથી થયું પણ અન્ય કોઈ કર્મના ઉદયથી એવાં કાર્ય થયાં, તોપણ તેને તે શીલાદિકના જ ફળરૂપે નિરૂપણ કરે છે. એ જ પ્રમાણે કોઈ પાપકાર્ય કર્યું, તેને તેનું જ તેવું ફળ તો નથી થયું પણ અન્ય કર્મના ઉદયથી નીચ ગતિ પ્રાપ્ત થઈ વા કષ્ટાદિક થયાં, છતાં તેને તે જ પાપના ફળરૂપે નિરૂપણ કરે છે. ઇત્યાદિ એ જ પ્રમાણે સમજવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com