________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
આઠમો અધિકાર
[ ૩૦૫
અર્થ - આજ પણ ત્રિરત્ન વડે શુદ્ધ જીવ આત્માને ધ્યાવી સ્વર્ગલોકમાં વા લૌકાંતિકમાં દેવપણું પ્રાપ્ત કરે છે, અને ત્યાંથી ચવી (મનુષ્ય થઈ ) મોક્ષ જાય છે, તથા*..માટે આ કાળમાં પણ દ્રવ્યાનુયોગનો ઉપદેશ મુખ્ય જરૂરનો છે.
શંકા - દ્રવ્યાનુયોગમાં અધ્યાત્મશાસ્ત્રો છે ત્યાં સ્વપરભેદવિજ્ઞાનાદિકનો ઉપદેશ આપ્યો છે એ તો કાર્યકારી પણ ઘણો છે તથા સમજવામાં પણ જલદી આવે છે, પરંતુ ત્યાં દ્રવ્ય-ગુણપર્યાયાદિકનું, પ્રમાણનયાદિકનું અને અન્યમતપ્રરૂપિત તત્ત્વાદિકનું નિરાકરણ કરી જે કથન કર્યું છે તેના અભ્યાસથી વિકલ્પ વિશેષ થાય છે, અને વળી તે ઘણો પ્રયાસ કરતાં જાણવામાં આવે છે માટે તેનો અભ્યાસ ન કરવો.
સમાધાનઃ- સામાન્ય જાણવા કરતાં વિશેષ જાણવું બળવાન છે. જેમ જેમ વિશેષ જાણે છે તેમ તેમ વસ્તુસ્વભાવ નિર્મળ ભાસે છે, શ્રદ્ધાન દઢ થાય છે, રાગાદિક ઘટે છે માટે એ અભ્યાસમાં પ્રવર્તવું યોગ્ય છે.
એ પ્રમાણે દોષ-કલ્પના કરી ચારે અનુયોગના અભ્યાસથી પરામુખ થવું યોગ્ય નથી.
વ્યાકરણ-ન્યાયાદિક શાસ્ત્રોની ઉપયોગિતા
વળી વ્યાકરણ-ન્યાયાદિક શાસ્ત્રોનો પણ થોડોઘણો અભ્યાસ કરવો, કારણ કે એના જ્ઞાન વિના મહાન શાસ્ત્રોનો અર્થ ભાસે નહિ તથા વસ્તુનું સ્વરૂપ પણ એની પદ્ધતિ જાણતાં જેવું ભાસે તેવું ભાષાદિકથી ભાસે નહિ, માટે પરંપરા કાર્યકારી જાણી એનો પણ અભ્યાસ કરવો, પરંતુ એમાં જ ફસાઈ રહેવું નહિ, પણ એનો કંઈક અભ્યાસ કરી પ્રયોજનભૂત શાસ્ત્રોના અભ્યાસમાં પ્રવર્તવું.
બીજા, વૈદ્યકાદિ શાસ્ત્ર છે તેની સાથે મોક્ષમાર્ગમાં કાંઈ પ્રયોજન જ નથી તેથી કોઈ વ્યવહારધર્મના અભિપ્રાયથી ખેદરહિતપણે એનો અભ્યાસ બની જાય તો ઉપકારાદિ કરવો પણ પાપરૂપ પ્રવર્તવું નહિ. તથા જો એનો અભ્યાસ ન થાય તો ભલે ન થાઓ, એની કાંઈ બગાડ નથી.
એ પ્રમાણે જિનમતનાં શાસ્ત્રો નિર્દોષ જાણી તેનો ઉપદેશ માનવો. અપેક્ષાજ્ઞાનના અભાવે આગમમાં દેખાતા પરસ્પર વિરોધનું નિરાકરણ
હવે શાસ્ત્રોમાં અપેક્ષાદિકને નહિ જાણવાથી પરસ્પર વિરોધ ભાસે છે તેનું નિરાકરણ કરીએ છીએ
* તથા...અહીં ૩-૪ લીટી જેટલી જગ્યા મૂળ પ્રતિમાં ખાલી રાખેલ છે, તેથી જણાય છે કે પંડિતજી ત્યાં કાંઈક બીજું પણ લખવા ઇચ્છતા હતા, પણ લખી શકયા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com