________________
Version 003: remember to check hffp://www.AtmaDharma.com for updates
નવમો અધિકાર
[ ૩૨૧
હવે જિનમતમાં જે મોક્ષનો ઉપાય કહ્યો છે તેનાથી તો મોક્ષ અવશ્ય થાય જ, માટે જે જીવ શ્રીજિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થથી મોક્ષનો ઉપાય કરે છે તેને કાળલબ્ધિ વા ભવિતવ્ય પણ થઈ ચૂકયાં તથા કર્મનાં ઉપશમાદિ થયાં છે તો તે આવો ઉપાય કરે છે, માટે જે પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરે છે તેને સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે, એવો નિશ્ચય કરવો. તથા જે જીવ પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરતો નથી તેને તો કાળલબ્ધિ અને ભવિતવ્ય પણ નથી, અને કર્મનાં ઉપશમાદિ થયાં નથી તેથી તે ઉપાય કરતો નથી, માટે જે પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરતો નથી તેને તો કોઈ કારણ મળતાં નથી–એવો નિશ્ચય કરવો, તથા તેને મોક્ષની પ્રાપ્તિ થતી નથી.
વળી તું કહે છે કે–‘ઉપદેશ તો બધાય સાંભળે છે, છતાં કોઈ મોક્ષનો ઉપાય કરી શકે છે અને કોઈ નથી કરી શક્તા, તેનું શું કારણ ?’
તેનું કારણ આ છે કે-જે ઉપદેશ સાંભળીને પુરુષાર્થ કરે છે તે મોક્ષનો ઉપાય કરી શકે છે પણ જે પુરુષાર્થ નથી કરતો તે મોક્ષનો ઉપાય કરી શક્તો નથી. ઉપદેશ તો શિક્ષામાત્ર છે પણ ફ્ળ તો જેવો પુરુષાર્થ કરે તેવું આવે.
પ્રશ્ન:- દ્રવ્યલિંગી મુનિ મોક્ષના અર્થે ગૃહસ્થપણું છોડી તપશ્ચરણાદિ કરે છે, ત્યાં તેણે પુરુષાર્થ તો કર્યો છતાં કાર્ય સિદ્ધ ન થયું, માટે પુરુષાર્થ કરવાથી તો કાંઈ સિદ્ધિ નથી ?
ઉત્તર:- અન્યથા પુરુષાર્થ કરી ફળ ઇચ્છે પણ તેથી કેવી રીતે ફળસિદ્ધિ થાય ! તપશ્ચરણાદિ વ્યવહારસાધનમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ શાસ્ત્રમાં તો શુભબંધ કહ્યું છે અને આ તેનાથી મોક્ષ ઇચ્છે છે તે કેવી રીતે થાય? એ તો ભ્રમ છે.
પ્રશ્ન:- એ ભ્રમનું કારણ પણ કોઈ કર્મ જ છે, પુરુષાર્થ શું કરે ?
ઉત્તર:- સાચા ઉપદેશથી નિર્ણય કરતાં ભ્રમ દૂર થાય છે, પરંતુ આ તેવો પુરુષાર્થ કરતો નથી તેથી જ ભ્રમ રહે છે. નિર્ણય કરવાનો પુરુષાર્થ કરે તો ભ્રમનું કારણ જે મોહકર્મ તેના પણ ઉપશમાદિ થાય ત્યારે ભ્રમ દૂર થઈ જાય, કારણ કે-નિર્ણય કરતાં પરિણામોની વિશુદ્ધતા થાય છે, તેથી મોહનાં સ્થિતિ-અનુભાગ ઘટે છે.
પ્રશ્ન:- નિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી તેનું કારણ પણ કર્મ છે ને ?
ઉત્ત૨:- એકેંદ્રિયાદિકને વિચાર કરવાની શક્તિ નથી તેમને તો કર્મ જ કારણ છે, પણ આને તો જ્ઞાનાવરણાદિના ક્ષયોપશમથી નિર્ણય કરવાની શક્તિ પ્રગટ થઈ છે. જ્યાં ઉપયોગ લગાવે તેનો જ નિર્ણય થઈ શકે છે; પરંતુ આ અન્ય નિર્ણય કરવામાં તો ઉપયોગ લગાવે છે અને અહીં ઉપયોગ લગાવતો નથી એ તો એનો પોતાનો જ દોષ છે, ત્યાં કર્મનું તો કાંઈ પ્રયોજન નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com