________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
આત્માને જ ચિંતવે છે તેને પ્રયોજનની સિદ્ધિ થાય છે, તેથી મુખ્યપણે ભેદવિજ્ઞાનને વા આત્મજ્ઞાનને કાર્યકારી કહ્યું છે.
વળી તત્ત્વાર્થશ્રદ્ધાન કર્યા વિના સર્વ જાણવું કાર્યકારી નથી, કારણ કે પ્રયોજન તો રાગાદિ મટાડવાનું છે. હવે આસ્રવાદિના શ્રદ્ધાન વિના એ પ્રયોજન ભાસતું નથી ત્યારે કેવળ જાણવાથી જ માનને વધારે છે, રાગાદિ છોડે નહિ, તો તેનું કાર્ય કેવી રીતે સિદ્ધ થાય ? બીજાં
જ્યાં નવ તત્ત્વની સંતતિને છોડવાનું કહ્યું છે, ત્યાં પૂર્વે નવ તત્ત્વના વિચાર વડે સમ્યગ્દર્શન થયું અને પાછળથી નિર્વિકલ્પદશા થવા અર્થે નવ તત્ત્વોનો પણ વિકલ્પ છોડવાની ઈચ્છા કરી; પણ જેને પહેલાં જ નવ તત્ત્વોનો વિચાર નથી તેને તે વિકલ્પો છોડવાનું શું પ્રયોજન છે? અન્ય અનેક વિકલ્પો પોતાને થાય છે તેનો જ ત્યાગ કરો.
એ પ્રમાણે સ્વ-પરના શ્રદ્ધાનમાં વા આત્મશ્રદ્ધાનમાં સાત તત્ત્વોના શ્રદ્ધાનની સાપેક્ષતા હોય છે, માટે તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યકત્વનું લક્ષણ છે.
પ્રશ્ન:- ત્યારે કોઈ ઠેકાણે શાસ્ત્રોમાં અતદેવ, નિગ્રંથગુરુ અને હિંસાદિરહિત ધર્મના શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે તે કેવી રીતે?
ઉત્તર:- અરહંતદેવાદિકનું શ્રદ્ધાન થવાથી વા કુદેવાદિનું શ્રદ્ધાન દૂર થવાથી ગૃહીત મિથ્યાત્વનો અભાવ થાય છે એ અપેક્ષાએ તેને સમ્યગ્દષ્ટિ કહ્યો છે, પણ સમ્યકત્વનું સર્વથા લક્ષણ એ નથી, કારણ કે દ્રવ્યલિંગી મુનિ આદિ વ્યવહારધર્મના ધારક મિથ્યા-દષ્ટિઓને પણ એવું શ્રદ્ધાન તો હોય છે.
અથવા જેમ અણુવ્રત, મહાવ્રત હોય છતાં દેશચારિત્ર, સકલચારિત્ર હોય વા ન હોય, પરંતુ અણુવ્રત થયા વિના દેશચારિત્ર, તથા મહાવ્રત થયા વિના સકલચારિત્ર કદી પણ હોય નહિ, માટે એ વ્રતોને અવયરૂપ કારણ જાણી કારણમાં કાર્યનો ઉપચાર કરી તેને ચારિત્ર કહ્યું છે; તેમ અરહંતદેવાદિકનું શ્રદ્ધાન થતાં તો સમ્યકત્વ હોય વા ન હોય પરંતુ અરહંતાદિકના શ્રદ્ધાન થયા વિના તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યકત્વ કદી પણ હોય નહિ, માટે અરહંતાદિકના શ્રદ્ધાનને અવયરૂપ કારણ જાણી કારણમાં કાર્યનો ઉપચાર કરી એ શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે, અને એટલા જ માટે તેનું નામ વ્યવહારસમ્યકત્વ છે.
અથવા જેને તત્ત્વાર્થશ્રદ્ધાન હોય તેને સાચા અરહંતાદિકના સ્વરૂપનું શ્રદ્ધાન અવશ્ય હોય જ. તત્ત્વાર્થશ્રદ્ધાન વિના અરહંતાદિકનું શ્રદ્ધાન પક્ષથી કરે તોપણ યથાવત્ સ્વરૂપની ઓળખાણ સહિત શ્રદ્ધાન થાય નહિ, તથા જેને સાચા અરહંતાદિકના સ્વરૂપનું શ્રદ્ધાન હોય તેને તત્ત્વાર્થશ્રદ્ધાન અવશ્ય હોય જ, કારણ કે અરહંતાદિના સ્વરૂપને ઓળખતાં જીવ-અજીવઆસ્રવાદિની ઓળખાણ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com