________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૪ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
એ પ્રમાણે ઉપદેશનું તો નિમિત્ત બને અને પોતાનો પુરુષાર્થ કરે તો કર્મનો નાશ થાય છે.
વળી જ્યારે કર્મનો ઉદય તીવ્ર હોય ત્યારે પુરુષાર્થ થઈ શક્તો નથી, ઉપરના ગુણસ્થાનેથી પણ પડી જાય છે, ત્યાં તો જેવું હોનહાર હોય તેવું થાય છે, પરંતુ જ્યાં મંદ ઉદય હોય અને પુરુષાર્થ બની શકે ત્યાં તો પ્રમાદી ન થવું, સાવધાન થઈ પોતાનું કાર્ય કરવું.
જેમ કોઈ પુરુષ નદીના પ્રવાહમાં પડયો વહ્યો જતો હોય, ત્યાં પાણીનું જોર હોય ત્યારે તો તેને પુરુષાર્થ કાંઈ કામનો નથી, ઉપદેશ પણ કાર્યકારી નથી, તથા પાણીનું જોર થોડું હોય ત્યારે જો પુરુષાર્થ કરી નીકળવા ઇચ્છે તો તે નીકળી શકે છે, અને તેને જ નીકળવાની શિક્ષા આપીએ છીએ. છતાં જો તે ન નીકળે તો ધીરે ધીરે (પ્રવાહે પ્રવાહી વહે, અને પાછળથી પાણીનું જોર થતાં વહ્યો ચાલ્યો જાય. એ જ પ્રમાણે જીવ સંસારમાં ભ્રમણ કરે છે, ત્યાં કર્મોનો તીવ્ર ઉદય હોય ત્યારે તો તેનો કોઈ પુરુષાર્થ નથી, ઉપદેશ પણ કાર્યકારી નથી, અને કર્મનો મંદ ઉદય હોય ત્યારે જો પુરુષાર્થ કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તે તો તે મોક્ષ પ્રાપ્ત કરી લે, અને તેને જ મોક્ષમાર્ગનો ઉપદેશ દે છે. તથા તે મોક્ષમાર્ગમાં ન પ્રવર્તે તો કિંચિત્ વિશુદ્ધતા પામી પાછળથી તીવ્ર ઉદય આવતાં નિગોદાદિ પર્યાયને પ્રાપ્ત કરશે.
માટે આ અવસર ચૂકવો યોગ્ય નથી. હવે સર્વ પ્રકારથી અવસર આવ્યો છે, આવો અવસર પામવો કઠણ છે, તેથી શ્રીગુરુ દયાળુ થઈ મોક્ષમાર્ગને ઉપદેશે, તેમાં ભવ્ય જીવોએ પ્રવૃત્તિ કરવી.
મોક્ષમાર્ગનું સ્વરૂપ
હવે મોક્ષમાર્ગનું સ્વરૂપ કહીએ છીએ:
જેના નિમિત્તથી આત્મા અશુદ્ધદશા ધારણ કરી દુઃખી થયો છે એવાં જે મોહાદિકર્મ તેનો સર્વથા નાશ થતાં કેવળ આત્માની જે સર્વ પ્રકારથી શુદ્ધ અવસ્થા થવી તે મોક્ષ છે, તથા તેનો જે ઉપાય અર્થાત્ કારણ તે મોક્ષમાર્ગ જાણવો.
હવે કારણ તો અનેક પ્રકારનાં હોય છે. કોઈ કારણ તો એવાં હોય છે કે જેના હોવા વિના તો કાર્ય ન થાય અને જેના હોવાથી કાર્ય થાય વા ન પણ થાય; જેમ-મુનિલિંગ ધારણ કર્યા વિના તો મોક્ષ ન થાય, પરંતુ મુનિલિંગ ધારણ કરવાથી મોક્ષ થાય વા ન પણ થાય. તથા કેટલાંક કારણ એવાં છે કે-મુખ્યપણે તો જેના હોવાથી કાર્ય થાય છે પરંતુ કોઈને તે હોવા વિના પણ કાર્યસિદ્ધિ થાય છે; જેમ કે-મુખ્યપણે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com