________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
વળી મહિમા તો કોઈ અન્ય હોય તેને બતાવવામાં આવે છે પણ તું તો અતબ્રહ્મ માને છે તો એ પરમેશ્વર કોને મહિમા બતાવે છે? તથા મહિમા બતાવવાનું ફળ તો સ્તુતિ કરાવવી એ છે, તો તે કોની પાસે સ્તુતિ કરાવવા ઇચ્છે છે? વળી તું કહે છે કે “સર્વ જીવ પરમેશ્વરની ઇચ્છાનુસાર પ્રવર્તે છે;” હવે જો તેને પોતાની સ્તુતિ કરાવવાની ઇચ્છા છે તો બધાને પોતાની સ્તુતિરૂપ જ પ્રવર્તાવો, શા માટે અન્ય કાર્ય કરવું પડે? તેથી મહિમા અર્થે પણ એવાં કાર્ય બનતાં નથી.
વળી તે કહે છે કે “પરમેશ્વર એ કાર્યોને કરતો હોવા છતાં પણ અકર્તા છે, પણ તેનો નિરધાર થતો નથી.” તેને કહીએ છીએ કે-તું કહીશ કે-“આ મારી માતા પણ છે અને વંધ્યા પણ છે” –એવું તારું કહેવું કોણ સાચું માનશે? જે કાર્ય કરે છે તેને અકર્તા કેમ મનાય? વળી તું કહે છે કે તેનો નિરધાર થતો નથી” પણ નિરધાર વિના માની લેવું તો એવું ઠર્યું કે જેમ આકાશને ફૂલ તથા ગધેડાને શીંગડાં હોવા માનવાં. પરંતુ એમ સંભવતું નથી. એ પ્રમાણે અસંભવિત કહેવું યુક્ત નથી.
એ પ્રમાણે તેઓ બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું હોવું કહે છે તે મિથ્યા જાણવું.
વળી તે કહે છે કે-“બ્રહ્મા સૃષ્ટિને ઉપજાવે છે, વિષ્ણુ રક્ષા કરે છે તથા મહેશ સંહાર કરે છે.” એમ કહેવું એ પણ સંભવ નથી, કારણ કે આ કાર્યો કરતાં કોઈ કાંઈ કરવા ઇચ્છે તથા કોઈ કાંઈ કરવા ઇચ્છે ત્યારે પરસ્પર વિરોધ થાય.
તું કહીશ કે “એ તો એક જ પરમેશ્વરનાં જ સ્વરૂપ છે, વિરોધ શા માટે થાય?” તો પોતે જ ઉપજાવે અને પોતે જ નાશ કરે એવા કાર્યોનું ફળ શું? જો સૃષ્ટિ પોતાને અનિષ્ટ છે તો ઉપજાવી શા માટે? તથા જો ઈષ્ટ છે તો તેને નાશ કરી શા માટે? કદાપિ પહેલાં ઇષ્ટ લાગી ત્યારે ઉપજાવી અને પાછળથી અનિષ્ટ લાગતાં તેનો નાશ કર્યો, એમ હોય તો એ પરમેશ્વરનો સ્વભાવ અન્યથા થયો કે સૃષ્ટિનું સ્વરૂપ અન્યથા થયું? જો પ્રથમ પક્ષ ગ્રહણ કરીશ તો તેથી પરમેશ્વરનો એક સ્વભાવ ન ઠર્યો એ એક સ્વભાવ ન રહેવાનું કારણ શું તે બતાવ? વિના કારણ એક સ્વભાવનું પલટાવું શામાટે હોય? તથા બીજો પક્ષ ગ્રહણ કરીશ તો સૃષ્ટિ તો પરમેશ્વરને આધીન હતી, તેને એવી તે શા માટે થવા દીધી કે-તે પોતાને અનિષ્ટ લાગે?
વળી બ્રહ્મા સૃષ્ટિ ઉપજાવે છે તે કેવી રીતે ઉપજાવે છે? એક પ્રકાર તો આ છે કે “જેમ મંદિર ચણવાવાળો ચૂનો-પથ્થર વગેરે સામગ્રી એકઠી કરી તેના આકારાદિક બનાવે છે, તે જ પ્રમાણે સામગ્રી એકઠી કરી બ્રહ્મા સૃષ્ટિની રચના કરે છે.” તો એ સામગ્રી જ્યાંથી લાવી એકઠી કરી હોય તે ઠેકાણું બતાવ? વળી એક બ્રહ્માએ જ આટલી બધી રચના બનાવી તે આગળપાછળ બનાવી હશે કે પોતાના શરીરનાં હસ્તાદિ ઘણાં કર્યા હશે? એ કેવી રીતે છે તે બતાવ? જે બતાવીશ તેમાં પણ વિચાર કરતાં વિરુદ્ધતા જ ભાસશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com