________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮]
મોક્ષમાર્ગ પ્રકાશક
પ્રશ્ન:- હિંસાદિક વડે જે કાર્યો કરીએ, તે કાર્યો ધર્મસાધન વડે સિદ્ધ કરીએ તો તેમાં બૂરું શું થયું? એથી તો બંને પ્રયોજન સધાય છે?
ઉત્તર:- પાપકાર્ય અને ધર્મકાર્યનું એકસાધન કરતાં તો પાપ જ થાય. જેમ કોઈ ધર્મના સાધનરૂપ ચૈત્યાલય બનાવી, તેને જ સ્ત્રીસેવનાદિ પાપોનું પણ સાધન કરે તો તેથી પાપ જ થાય. હિંસાદિક કરી ભોગાદિકના અર્થે જાદું મંદિર બનાવે તો બનાવો, પરંતુ ચેત્યાલયમાં ભોગાદિક કરવા યોગ્ય નથી; તેમ પૂજા-શાસ્ત્રાદિક કે જે ધર્મનાં સાધનરૂપ કાર્યો છે, તેને જ આજીવિકાદિ પાપનાં પણ સાધન બનાવે તો પાપી જ થાય. આજીવિકાદિક અર્થે હિંસાદિક વડે વ્યાપારાદિક કરે તો કરો, પરંતુ પૂજનાદિ કાર્યોમાં તો આજીવિકાદિનું પ્રયોજન વિચારવું યોગ્ય નથી.
પ્રશ્ન:- જો એ પ્રમાણે છે તો મુનિ પણ ધર્મસાધન કરીને પરવર ભોજન કરે છે, તથા સાધર્મી સાધર્મીનો ઉપકાર કરે-કરાવે છે, તે કેમ બને?
ઉત્તર:- તેઓ પોતે કાંઈ આજીવિકાદિનું પ્રયોજન વિચારી ધર્મ સાધતા નથી, પરંતુ તેમને ધર્માત્મા જાણી કેટલાક સ્વયં ભોજન-ઉપકારાદિક કરે છે તો તેમાં કાંઈ દોષ નથી; પણ જે પોતે જ ભોજનાદિકનું પ્રયોજન વિચારી ધર્મ સાધે છે, તે તો પાપી જ છે. જે વૈરાગ્યવાન થઈ મુનિપણું અંગીકાર કરે છે, તેને ભોજનાદિકનું પ્રયોજન હોતું નથી, કોઈ સ્વયં ભોજનાદિક આપે તો શરીરની સ્થિતિ અર્થે લે, નહિ તો સમતા રાખે છે – સંકલેશ રૂપ થતા નથી, વળી તેઓ પોતાના હિત અર્થે ધર્મ સાધે છે, તથા પોતાને જેનો ત્યાગ નથી એવો ઉપકાર કરાવે છે પણ ઉપકાર કરાવવાનો અભિપ્રાય નથી. કોઈ સાધર્મી સ્વયં ઉપકાર કરે તો કરે, તથા ન કરે તો તેથી પોતાને કાંઈ સંકલેશ થતો નથી. હવે એ પ્રમાણે તો યોગ્ય છે, પણ જો પોતે જ આજીવિકાદિનું પ્રયોજન વિચારી બાહ્યધર્મસાધન કરે અને કોઈ ભોજનાદિક ઉપકાર ન કરે તો સંકલેશ કરે, યાચના કરે, ઉપાય કરે વા ધર્મસાધનમાં શિથિલ થઈ જાય, તો તેને પાપી જ જાણવો.
એ પ્રમાણે સાંસારિક પ્રયોજન અર્થે જે ધર્મ સાધે છે તે પાપી પણ છે અને મિથ્યાદષ્ટિ તો છે જ.
એ પ્રમાણે જૈનમતવાળા પણ મિથ્યાદષ્ટિ જાણવા.
[ વ્યવહારાભાસી ધર્મધારકોની સામાન્ય પ્રવૃત્તિ] હવે તેમને ધર્મનું સાધન કેવું હોય છે તે અહીં વિશેષ દર્શાવીએ છીએ:
જે જીવો કુળપ્રવૃત્તિ વડે વા દેખાદેખી લોભાદિકના અભિપ્રાયપૂર્વક ધર્મ સાધન કરે છે, તેમને તો ધર્મદષ્ટિ જ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com