________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર આઠમો છે
ઉપદેશનું સ્વરૂપ
હવે મિથ્યાદષ્ટિ જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપી તેમનો ઉપકાર કરવો એ જ ઉત્તમ ઉપકાર છે, શ્રી તીર્થકર-ગણધરાદિ પણ એવો જ ઉપકાર કરે છે, માટે આ શાસ્ત્રમાં પણ તેમના જ ઉપદેશાનુસાર ઉપદેશ આપીએ છીએ.
ત્યાં પ્રથમ ઉપદેશનું સ્વરૂપ જાણવા અર્થે કંઈક વ્યાખ્યાન કરીએ છીએ, કારણ કે જો ઉપદેશને યથાવત્ ન પિછાણે તો તે અન્યથા માની વિપરીત પ્રવર્તે, માટે અહીં પ્રથમ ઉપદેશનું સ્વરૂપ કહીએ છીએ
જૈનમતમાં ઉપદેશ ચાર અનુયોગ દ્વારા આપ્યો છે-પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ; એ ચાર અનુયોગ છે.
ત્યાં તીર્થંકર-ચક્રવર્તી આદિ મહાન પુરુષોનાં ચરિત્ર જેમાં નિરૂપણ કર્યા હોય તે પ્રથમાનુયોગ છે; ગુણસ્થાન-માર્ગણાદિરૂપ જીવનું, કર્મોનું વા ત્રિલોકાદિનું જેમાં નિરૂપણ હોય તે કરણાનુયોગ છે; ગૃહસ્થ-મુનિના ધર્મઆચરણ કરવાનું જેમાં નિરૂપણ હોય તે ચરણાનુયોગ છે તથા છ દ્રવ્ય, સાત તત્ત્વાદિક અને સ્વપરભેદવિજ્ઞાનાદિકનું જેમાં નિરૂપણ હોય તે દ્રવ્યાનુયોગ
અનુયોગનું પ્રયોજન
હવે તેનું પ્રયોજન કહીએ છીએ
પ્રથમાનુયોગનું પ્રયોજન
પ્રથમાનુયોગમાં તો સંસારની વિચિત્રતા, પુણ્ય-પાપનાં ફળ તથા મહાપુરુષોની પ્રવૃત્તિ ઇત્યાદિ નિરૂપણથી જીવોને ધર્મમાં લગાવ્યા છે. જે જીવ તુચ્છબુદ્ધિવાન હોય તે પણ આ અનુયોગથી ધર્મસન્મુખ થાય છે, કારણ કે તે જીવ સૂક્ષ્મનિરૂપણને સમજતો નથી, પણ લૌકિક વાર્તાઓને જાણે છે તથા ત્યાં તેનો ઉપયોગ લાગે છે. પ્રથમાનુયોગમાં લૌકિકપ્રવૃત્તિરૂપ જ નિરૂપણ હોવાથી તેને તે બરાબર સમજી શકે છે. વળી લોકમાં તો રાજાદિકની કથાઓમાં પાપનું પોષણ થાય છે, પણ અહીં પ્રથમાનુયોગમાં મહાપુરુષો જે રાજાદિક તેની કથાઓ તો છે પરંતુ પ્રયોજન તો જ્યાં-ત્યાંથી પાપને છોડાવી ધર્મમાં લગાવવાનું પ્રગટ કર્યું છે, તેથી તે જીવ કથાઓની લાલચ વડે તેને વાંચ-સાંભળે છે તો પાછળથી પાપને બૂરું તથા ધર્મને ભલો જાણી ધર્મમાં સચિવાન થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com