________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮]
મોક્ષમાર્ગ પ્રકાશક
અમે પૂછીએ છીએ કે-કેવળ ધર્મથી તો ઉભય ઘટતું જ છે, પરંતુ કેવળ પાપથી ઉભય બૂરું છે કે ભલું? જો બૂરું છે, તો એમાં તો કંઈક કલ્યાણનો અંશ મળેલો છે, તો તેને કેવળ પાપથી બૂરું કેમ કહેવાય? તથા જો ભલું છે, તો કેવળ પાપ છોડી એવાં કાર્ય કરવા યોગ્ય ઠર્યા, વળી યુક્તિથી પણ એમ જ સંભવે છે. કોઈ ત્યાગી મંદિરાદિ કરાવતો નથી, પણ સામાયિકાદિ નિરવધ કાર્યોમાં પ્રવર્તે છે, તો તેને છોડી તેણે પ્રતિમાદિ કરાવવા-પૂજનાદિ કરવું ઉચિત નથી, પરંતુ કોઈ પોતાને રહેવા માટે મકાન બનાવે, તે કરતાં ચૈત્યાલયાદિ કરાવવાળો હીન નથી. હિંસા તો થઈ પણ પેલાને તો લોભ પાપાનુરાગની વૃદ્ધિ થઈ, ત્યારે આને લોભ છૂટયો અને ધર્માનુરાગ થયો. વળી કોઈ વ્યાપારાદિ કાર્ય કરે છે, તે જેમાં નુકશાન થોડું અને નફો ઘણો હોય તેવું જ કાર્ય છે, તેમ જ પૂજનાદિ કાર્ય પણ જાણવા, એટલે કે કોઈ વ્યાપારાદિ કાર્ય કરે તો તેનાથી પૂજનાદિ કાર્ય કરવા હીણાં નથી, કારણ કે-ત્યાં તો હિંસાદિક ઘણી થાય છે, લોભાદિક વધે છે, તથા એ પાપની જ પ્રવૃત્તિ છે, અને અહીં હિંસાદિક કિંચિત્ થાય છે, લોભાદિક ઘટે છે, તથા ધર્માનુરાગ વધે છે. અથવા જે ત્યાગી ન હોય, પોતાના ધનને પાપમાં ખરચતા હોય, તેમણે તો ચૈત્સાલયાદિ કરાવવા યોગ્ય છે. તથા નિરવધ સામાયિકાદિ કાર્યોમાં ઉપયોગને ન લગાવી શકે, તેમને પૂજનાદિ કાર્ય કરવાનો નિષેધ નથી.
અહીં તમે કહેશો કે-નિરવધ સામાયિક આદિ કાર્ય જ કેમ ન કરીએ, ધર્મમાં જ કાળ ગાળવો ત્યાં એવાં કાર્ય શા માટે કરીએ?
ઉત્તર- જો શરીર વડે પાપ છોડવાથી જ નિરવધપણું થતું હોય તો એમ જ કરો, પણ તેમ તો થતું નથી, પરિણામોથી પાપ છૂટતાં જ નિરવદ્યપણું થાય છે. હવે અવલંબન વિના સામાયિકાદિકમાં જેના પરિણામ ન લાગે, તે પૂજનાદિ વડે ત્યાં પોતાનો ઉપયોગ લગાવે છે, અને ત્યાં નાના પ્રકારનાં અવલંબન વડે ઉપયોગ લાગી જાય છે. જો તે ત્યાં ઉપયોગ ન લગાવે, તો પાપકાર્યોમાં ઉપયોગ ભટકે, અને તેથી બૂરું થાય, માટે ત્યાં પ્રવૃત્તિ કરવી યુક્ત છે.
તમે કહો છો કે “ધર્મના અર્થે હિંસા કરતાં તો મહાપાપ થાય છે, અને બીજા ઠેકાણે હિંસા કરતાં થોડું પાપ થાય છે” પણ પ્રથમ તો એ સિદ્ધાંતનું વચન નથી, અને યુક્તિથી પણ મળતું નથી. કારણ કે એમ માનતા તો ઇન્દ્ર જન્મકલ્યાણકમાં ઘણા જળ વડે અભિષેક કરે છે, તથા સમવસરણમાં દેવો પુષ્પવૃષ્ટિ ચમર ઢાળવાં ઇત્યાદિ કાર્ય કરે છે, તો તે મહાપાપી થયો.
તમે કહેશો કે તેમનો એવો જ વ્યવહાર છે.” પણ ક્રિયાનું ફળ તો થયા વિના રહેતું નથી. જો પાપ છે, તો ઇંદ્રાદિક તો સમ્યગ્દષ્ટિ છે, તેઓ એવું કાર્ય શા માટે કરે ? તથા જો ધર્મ છે, તો તેનો નિષેધ શા માટે કરો છો?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com