________________
Version 003: remember to check hffp://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો
જૈનમતાનુયાયી મિથ્યાદષ્ટિઓનું સ્વરૂપ
આ ભવતરુનું મૂળ એક, જાણો મિથ્યાત્વ ભાવ; તેહને કરી નિર્મૂળ હવે, કરીએ મોક્ષ ઉપાય.
હવે જે જીવો જૈન છે તથા જિનઆજ્ઞાને માને છે, તેમને પણ મિથ્યાત્વ રહે છે, તેનું અહીં વર્ણન કરીએ છીએ-કારણ કે એ મિથ્યાત્વશત્રુનો અંશ પણ બૂરો છે, તેથી એ સૂક્ષ્મ મિથ્યાત્વ પણ ત્યાગવા યોગ્ય છે.
જિનાગમમાં નિશ્ચય-વ્યવહારરૂપ વર્ણન છે, તેમાં યથાર્થનું નામ નિશ્ચય તથા ઉપચારનું નામ વ્યવહાર છે. તેના સ્વરૂપને નહિ જાણતાં અન્યથા પ્રવર્તે છે, તે અહીં કહીએ છીએ.
નિશ્ચયાભાસી મિથ્યાદ્દષ્ટિ
કોઈ જીવ નિશ્ચયને નહિ જાણતાં માત્ર નિશ્ચયાભાસના શ્રદ્ધાની બની પોતાને મોક્ષમાર્ગી માને છે, પોતાના આત્માને સિદ્ધસમાન અનુભવે છે, પણ પોતે પ્રત્યક્ષ સંસારી હોવા છતાં ભ્રમથી પોતાને સિદ્ધ માને, એ જ મિથ્યાદષ્ટિ છે.
શાસ્ત્રોમાં આત્માને જે સિદ્ધસમાન કહ્યો છે, તે દ્રવ્યદષ્ટિથી કહ્યો છે, પણ પર્યાય-અપેક્ષા સિદ્ધસમાન નથી. જેમ રાજા અને રંક મનુષ્યપણાની અપેક્ષાએ તો સમાન છે, પણ રાજા તથા રંકપણાની અપેક્ષાએ તો સમાન નથી; તેમ સિદ્ધ અને સંસારી જીવપણાની અપેક્ષાએ તો સમાન છે, પરંતુ સિદ્ધપણા અને સંસારીપણાની અપેક્ષાએ તો સમાન નથી, છતાં આ જીવ તો જેવા સિદ્ધ શુદ્ધ છે તેવો જ પોતાને શુદ્ધ માને છે, પણ શુદ્ધ-અશુદ્ધ અવસ્થા એ તો પર્યાય છે, એ પર્યાય અપેક્ષાએ સમાનતા માનવામાં આવે તો તે જ મિથ્યાદષ્ટિ છે.
વળી કોઈ પોતાને કેવળજ્ઞાનાદિનો સદ્દભાવ માને છે. પોતાને ક્ષયોપશમરૂપ મતિશ્રુતાદિજ્ઞાનનો સદ્ભાવ છે, અને ક્ષાયિકભાવ તો કર્મનો ક્ષય થતાં જ થાય છે, છતાં ભ્રમથી કર્મનો ક્ષય થયા વિના પણ પોતાને ક્ષાયિકભાવ માને છે; તે પણ મિથ્યાદષ્ટિ છે.
શાસ્ત્રોમાં સર્વ જીવોનો કેવળજ્ઞાનસ્વભાવ કહ્યો છે, પણ તે શક્તિ અપેક્ષાએ કહ્યો છે, કારણ કે–સર્વ જીવોમાં કેવળજ્ઞાનાદિરૂપ થવાની શક્તિ તો છે, પણ વર્તમાન વ્યક્તતા તો તે વ્યક્ત થતાં જ કહી છે.
કોઈ એમ માને છે કે-“ આત્માના પ્રદેશોમાં તો કેવળજ્ઞાન જ છે, ઉપ૨ આવરણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com