________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪]
મોક્ષમાર્ગ પ્રકાશક
વળી જેમ શીતળ સ્વભાવના કારણે ઉષ્ણ જળને શીતળ માની તેનું પાનાદિ કરીએ, તો તેથી દાઝવું જ થાય, તેમ કેવળજ્ઞાનસ્વભાવના કારણે અશુદ્ધ આત્માને કેવળજ્ઞાની માની અનુભવવામાં આવે, તો તેથી દુ:ખી જ થાય.
એ પ્રમાણે જે આત્માને કેવળજ્ઞાનાદિરૂપ અનુભવે છે, તે મિથ્યાદષ્ટિ છે.
વળી કોઈ પોતાને રાગાદિભાવ પ્રત્યક્ષ હોવા છતાં પણ ભ્રમથી આત્માને રાગાદિ-રહિત માને છે. ત્યાં અમે પૂછીએ છીએ કે આ રાગાદિ થતા જોવામાં આવે છે, તે કયા દ્રવ્યના અસ્તિત્વમાં છે? જો શરીર વા કર્મરૂપ પુગલના અસ્તિત્વમાં હોય તો એ ભાવ અચેતન વા મૂર્તિક હોય, પણ આ રાગાદિક તો પ્રત્યક્ષ ચેતનતા સહિત અમૂર્તિકભાવ જણાય છે, માટે એ ભાવો આત્માના જ છે. શ્રી સમયસાર-કળશમાં પણ કહ્યું છે કે
कार्यत्वादकृतं न कर्म न च तज्जीवप्रकृत्योद्वयोरज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुगभावानुषंगात्कृतिः। नैकस्याः प्रकृतेरचित्त्वलसनाज्जीवोऽस्य कर्ता ततो
जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः।। २०३।। એ રાગાદિરૂપ ભાવકર્મ છે તે કોઈ દ્વારા નથી કરાયા એમ નથી, કેમકે એ કાર્યભૂત છે, તથા જીવ અને કર્મપ્રકૃતિ એ બંનેનું પણ કર્તવ્ય નથી, કારણ-જો એમ હોય તો અચેતન કર્મપ્રકૃતિને પણ તે ભાવકર્મનું ફળ સુખ-દુ:ખ તેનું ભોગવવું થાય, પરંતુ એ અસંભવ છે; તથા એકલી કર્મપ્રકૃતિનું પણ એ કર્તવ્ય નથી, કારણ કે–તેને અચેતનપણું પ્રગટ છે, માટે એ રાગાદિકનો કર્તા જીવ જ છે, અને એ રાગાદિક જીવનું જ કર્મ છે, કારણ કે-ભાવકર્મ તો ચેતનાને અનુસારી છે, ચેતના વિના હોય નહિ, તથા પુદ્ગલ જ્ઞાતા નથી.
એ પ્રમાણે રાગાદિકભાવ જીવના અસ્તિત્વમાં છે.
જે રાગાદિકભાવોનું નિમિત્ત કર્મોને જ માની પોતાને રાગાદિકનો અકર્તા માને છે, તે કર્તા તો પોતે છે, પરંતુ પોતાને નિરુદ્યમી બની પ્રમાદી રહેવું છે, તેથી કર્મનો જ દોષ ઠરાવે છે. એ દુઃખદાયક ભ્રમ છે.
શ્રી સમયસાર-કળશમાં પણ એમ જ કહ્યું છે કે
रागजन्मनि निमित्तत्तां परद्रव्यमेव कलयंति ये तु ते।
उत्तरन्ति न हि मोहवाहिनी शुद्धबोधविधुरान्धबुद्धयः ।। २२१ ।। જે જીવ રાગાદિકની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ નિમિત્તપણે માને છે, તે જીવ પણ શુદ્ધજ્ઞાનથી રહિત છે અંધબુદ્ધિ જેની, એવો બની મોહનદીની પાર ઊતરતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com