________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪]
મોક્ષમાર્ગ પ્રકાશક પણ કાંઈ ધર્મબુદ્ધિથી કરતો નથી, માટે તે ધર્માત્મા નથી.
તેથી કુળસંબંધી વિવાહાદિક કાર્યોમાં તો કુળક્રમનો વિચાર કરવો, પણ ધર્મ-સંબંધી કાર્યોમાં કુળનો વિચાર ન કરવો, પરંતુ જેમ સત્યધર્મમાર્ગ છે તેમ જ પ્રવર્તવું યોગ્ય છે.
[ પરીક્ષારહિત આજ્ઞાનુસારી ઘર્મધારક વ્યવહારાભાસી]
વળી કોઈ આજ્ઞાનુસારી જૈન થાય છે, તેઓ જેમ શાસ્ત્રમાં આજ્ઞા છે તેમ માને છે, પરંતુ અજ્ઞાની પરીક્ષા કરતા નથી; જો આજ્ઞા જ માનવી ધર્મ હોય તો સર્વમતવાળા પોતપોતાના શાસ્ત્રની આજ્ઞા માની ધર્માત્મા થઈ જાય. માટે પરીક્ષા કરીને જિનવચનનું સત્યપણું ઓળખી જિનઆજ્ઞા માનવી યોગ્ય છે.
પરીક્ષા કર્યા વિના સત્ય-અસત્યનો નિર્ણય કેવી રીતે થાય? અને નિર્ણય કર્યા વિના જેમ અન્યમતી પોતપોતાના શાસ્ત્રોની આજ્ઞા માને છે તેમ આણે જૈનશાસ્ત્રની આજ્ઞા માની, એ તો પક્ષ વડ જ આજ્ઞા માનવા બરાબર છે.
પ્રશ્ન:- તો શાસ્ત્રમાં દશ પ્રકારના સમ્યકત્વમાં આજ્ઞાસમ્યકત્વ કહ્યું છે, આજ્ઞાવિચય ધર્મધ્યાનનો ભેદ કહ્યો છે, તથા નિઃશંકિતઅંગમાં જિનવચનમાં સંશય કરવાનો નિષેધ કર્યો છે, તે કેવી રીતે?
ઉત્તરઃ- શાસ્ત્રમાં કોઈ કથન તો એવાં છે કે જેની પ્રત્યક્ષ અનુમાનઆદિ વડે પરીક્ષા કરી શકાય છે, તથા કોઈ કથન એવાં છે કે જે પ્રત્યક્ષ-અનુમાનાદિગોચર નથી, તેથી તે આજ્ઞા વડે જ પ્રમાણ થાય છે. હવે ત્યાં જુદાજુદા શાસ્ત્રોમાં જે સમાન કથન હોય તેની તો પરીક્ષા કરવાનું પ્રયોજન જ નથી, પણ જે કથનો પરસ્પર વિરુદ્ધ હોય, તેમાં જે કથન પ્રત્યક્ષઅનુમાનાદિગોચર હોય તેની તો પરીક્ષા કરવી, તેમાં જે શાસ્ત્રના કથનની પ્રમાણતા ઠરે, તે શાસ્ત્રમાં જે પ્રત્યક્ષ-અનુમાનાદિગોચર નથી એવાં કથન કર્યા હોય તેની પણ પ્રમાણતા કરવી, તથા જે શાસ્ત્રોના કથનની પ્રમાણતા ન ઠરે, તેના સર્વ કથનની અપ્રમાણતા માનવી.
પ્રશ્ન:- પરીક્ષા કરતાં કોઈ કથન કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ભાસે તથા કોઈ કથન કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ભાસે, તો શું કરવું?
ઉત્તર:- જે આખંભાષિત શાસ્ત્ર છે, તેમાં તો કોઈ પણ કથન પ્રમાણવિરુદ્ધ હોય નહિ, કારણ કે-જેનામાં કાં તો જાણપણું જ ન હોય, અગર કાં તો રાગ-દ્વેષ હોય, તે જ અસત્ય કહે; હવે આમ એવા હોય નહિ. તે પરીક્ષા બરાબર કરી નથી, માટે ભ્રમ છે.
પ્રશ્ન:- છદ્મસ્થથી અન્યથા પરીક્ષા થઈ જાય તો શું કરવું?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com