________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
-
અધિકાર છઠ્ઠો
કુદેવકુગુરુકુધર્મ-નિરાકરણ
મિથ્યાદેવાદિક ભજે, થાયે મિથ્યાભાવ; તજી તેને સાચા ભજો, એ હિત હેતુ ઉપાય.
અર્થ:- અનાદિકાળથી જીવોને મિથ્યાદર્શનાદિકભાવ છે, અને તેની પુષ્ટતાનું કારણ કુદેવ, કુગુરુ અને કુધર્મસેવન છે, તેનો ત્યાગ થતાં જ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે, તેથી અહીં તેનું નિરૂપણ કરીએ છીએ:
કુદેવનું નિરૂપણ અને તેની સેવાનો નિષેધ
જે હિતકર્તા નથી, તેને ભ્રમથી હિતકર્તા જાણી સેવન કરે, તે કુદેવ છે.
તેનું સેવન ત્રણ પ્રકારના પ્રયોજન સહિત કરવામાં આવે છે. કોઈ ઠેકાણે મોક્ષનું પ્રયોજન છે. કોઈ ઠેકાણે પરલોકનું પ્રયોજન છે. તથા કોઈ ઠેકાણે આ લોકનું પ્રયોજન છે. હવે એમાંથી કોઈ પણ પ્રયોજન તો સિદ્ધ થતું નથી, પણ કંઈક વિશેષ હાનિ થાય છે, તેથી તેનું સેવન મિથ્યાભાવ છે. તે અહીં દર્શાવીએ છીએ:
અન્યમતમાં જેના સેવનથી મુક્તિ થવી કહી છે, તેને કોઈ જીવ મોક્ષને અર્થે સેવન કરે છે, પણ તેથી મોક્ષ થતો નથી. તેનું વર્ણન પૂર્વે અન્યમત અધિકારમાં જ કહ્યું છે. અન્યમતમાં કહેલા દેવને કોઈ “પરલોકમાં સુખ થાય-દુઃખ ન થાય” એવા પ્રયોજન અર્થે સેવે છે. હવે તેની સિદ્ધિ તો પુણ્ય ઉપજાવતાં, અને પાપ ન ઉપજાવતાં થાય છે; પણ પોતે તો પાપ ઉપજાવે, તથા કહે કે-“ઇશ્વર મારું ભલું કરશે,” પણ એ તો અન્યાય ઠર્યો. કારણ કે-ઇશ્વર કોઈને પાપનું ફળ આપે, કોઈને ન આપે, એવું તો છે નહિ. જેવો પોતાનો પરિણામ કરશે, તેવું જ ફળ પામશે. માટે કોઈનું ભલું-બૂર કરવાવાળો ઇશ્વર કોઈ છે નહિ.
વળી એ દેવોનું સેવન કરતાં, એ દેવોનું તો નામ દે, અને અન્ય જીવોની હિંસા કરે, તથા ભોજન-નૃત્યાદિ વડે પોતાના ઈદ્રિયવિષયોને પોષે, પણ પાપ-પરિણામોનું ફળ તો લાગ્યા વિના રહેતું નથી. હિંસા અને વિષય-કષાયોને સર્વ લોક પાપ કહે છે, તથા પાપનું ફળ પણ ખોટું જ છે, એમ સર્વ માને છે. વળી એ કુદેવોના સેવનમાં હિંસા અને વિષયાદિકનો જ અધિકાર છે, તેથી એ કુદેવોના સેવનથી પરલોકમાં ભલું થતું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com