________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[ ૧૩૧
પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ અને ઉપમા એ ચાર પ્રકારના પ્રમાણ કહે છે; આત્મા, દેહ, અર્થ અને બુદ્ધિ ઇત્યાદિને પ્રમેય કહે છે: “આ છે તેનું નામ સંશય છે; જેના અર્થે પ્રવૃત્તિ થાય તે પ્રયોજન છે; જેને વાદી-પ્રતિવાદી માને તે દષ્ટાંત છે, દષ્ટાંત વડે જેને ઠરાવીએ તે સિદ્ધાંત છે; અનુમાનનાં પ્રતિજ્ઞા આદિ પાંચ અંગ તે અવયવ છે, સંશય દૂર થતાં કોઈ વિચારથી ઠીક થાય તે તર્ક છે, તે પછી પ્રતીતિરૂપ જાણવું થાય તે નિર્ણય છે, આચાર્ય-શિષ્યમાં પક્ષ-પ્રતિપક્ષ વડે અભ્યાસ તે વાદ છે, જાણવાની ઇચ્છારૂપ કથામાં જે છલ-જાતિ આદિ દૂષણ તે જલ્પ છે, પ્રતિપક્ષ રહિત વાદ તે વિતંડા છે, સાચા હેતુ નહિ એવા અસિદ્ધ આદિ ભેદ સહિત તે હેત્વાભાસ છે, છલપૂર્વક વચન તે છલ છે, ખરાં દૂષણ નથી એવા દૂષણાભાસ તે જાતિ છે, અને જેનાથી પરવાદીનો નિગ્રહ થાય તે નિગ્રહસ્થાન છે.
એ પ્રમાણે સંશયાદિ તત્ત્વ કહે છે, પણ એ કોઈ વસ્તુસ્વરૂપ તત્ત્વ તો નથી-જ્ઞાનનો નિર્ણય કરવાને વા વાદ વડે પાંડિત્ય પ્રગટ કરવાના કારણભૂત વિચારોને તત્ત્વ કહે છે, પણ એનાથી પરમાર્થકાર્ય કેવી રીતે થાય ? કામ-ક્રોધાદિ ભાવોને મટાડી નિરાકુળ થવું એ કાર્ય છે. હવે એ પ્રયોજન તો અહીં કાંઈ પણ દેખાડયું જ નહિ. પાંડિત્યની અનેક યુક્તિઓ બનાવી, એ પણ એક ચાતુર્ય છે. તેથી એ તત્ત્વ તત્ત્વભૂત નથી.
તમે કહેશો કે “એને જાણ્યા વિના પ્રયોજનભૂત તત્ત્વનો નિર્ણય કરી શકાતો નથી, માટે એને તત્ત્વ કહે છે.” હવે એવી પરંપરા તો વ્યાકરણવાળા પણ કહે છે કે-વ્યાકરણ ભણવાથી અર્થનો નિર્ણય થાય છે, તથા ભોજનાદિકના અધિકારી પણ કહે છે કે-ભોજન કરવાથી શરીરની સ્થિરતા થતાં તત્ત્વનિર્ણય કરવાને સમર્થ થાય, પણ એવી યુક્તિ કાર્યકારી નથી.
અહીં જો એમ કહેશો કે “વ્યાકરણ-ભોજનાદિક તો અવશ્ય-તત્ત્વજ્ઞાનનાં કારણ નથી, એ તો લૌકિક કાર્ય સાધવાનાં કારણ છે.” તો જેમ એ છે તેમ કહેલાં તત્ત્વો પણ લૌકિક કાર્ય સાધવાનાં જ કારણો છે. જેમ ઇંદ્રિયાદિકથી જાણવાને પ્રત્યક્ષાદિ પ્રમાણ કહે છે વા સ્થાણુપુરુષાદિમાં સંશયાદિકનું નિરૂપણ કર્યું. તેથી જેને જાણવાથી કામ-ક્રોધાદિક અવશ્ય દૂર થાય, નિરાકુળતા ઊપજે તે જ તત્ત્વ કાર્યકારી છે.
તમે કહેશો કે “પ્રમેય તત્ત્વમાં આત્માદિકનો નિર્ણય થાય છે, તેથી તે કાર્યકારી છે, પણ પ્રમેય તો બધીય વસ્તુઓ છે, પ્રમીતિનો વિષય નથી એવી કોઈ પણ વસ્તુ નથી, માટે પ્રમેયને તત્ત્વ શા માટે કહ્યું? આત્મા આદિ તત્ત્વ કહેવાં હતાં.
વળી આત્માદિકનું સ્વરૂપપણું અન્યથા પ્રરૂપણ કર્યું છે, એમ પક્ષપાત રહિત વિચાર કરવાથી ભાસે છે. જેમ કે-આત્માના બે ભેદ તેઓ કહે છે:-પરમાત્મા અને જીવાત્મા. હવે પરમાત્માને સર્વનો કર્તા કહે છે, ત્યાં તેઓ એવું અનુમાન કરે છે કે “ આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com