________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[ ૧૨૯
એ પ્રમાણે પચીસ તત્ત્વ કહે છે, પણ એ કલ્પિત છે. કારણ કે એ રાજસાદિ ગુણ આશ્રય વિના કેવી રીતે હોય? એનો આશ્રય તો ચેતનદ્રવ્ય જ સંભવે છે. વળી એનાથી બુદ્ધિ થઈ કહે છે, પણ બુદ્ધિ નામ તો જ્ઞાનનું છે, કોઈ જ્ઞાનગુણધારી પદાર્થમાં જ એ થતી દેખાય છે, તો એનાથી જ્ઞાન થયું કેમ મનાય? અહીં કોઈ કહે કે “બુદ્ધિ જુદી છે અને જ્ઞાન જુદું છે” તો મન તો આગળ સોળ માત્રામાં કહ્યું, તથા જ્ઞાન જુદું કહેશો તો બુદ્ધિ કોનું નામ ઠરાવશો? વળી તેનાથી અહંકાર થયો કહ્યો, હવે પર વસ્તુમાં “હું કરું છું” એવું માનવાનું નામ અહંકાર છે, પણ સાક્ષીભૂતપણે જાણવાથી તો અહંકાર થતો નથી, તો તે જ્ઞાન વડે ઊપજ્યો કેમ કહેવાય?
વળી અહંકાર વડે સોળ માત્રા ઊપજી કહી. તેમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો કહી, હવે શરીરમાં નેત્રાદિ આકારરૂપ દ્રવ્યઇદ્રિયો છે, તે તો પૃથ્વી આદિવ દેખાય છે, અને અન્ય વર્ણાદિકને જાણવારૂપ ભાવઈદ્રિય છે તે જ્ઞાનરૂપ છે, ત્યાં અહંકારનું શું પ્રયોજન છે? શું અહંકાર બુદ્ધિરહિત કોઈને દેખાય છે? તો અહંકાર વડે નીપજવાં કેમ સંભવે ?
વળી મન કહ્યું, પણ એ મન ઇંદ્રિયવત્ જ છે. કારણ કે દ્રવ્યમન શરીરરૂપ છે, તથા ભાવમન જ્ઞાનરૂપ છે. પાંચ કર્મેન્દ્રિયો કહી, પણ એ તો શરીરનાં જ અંગ છે, મૂર્તિક છે. અમૂર્તિક અહંકારથી તેનું ઊપજવું કેવી રીતે મનાય ?
વળી પાંચ જ કર્મેન્દ્રિયો નથી, પણ શરીરનાં બધાંય અંગો કાર્યકારી છે. તથા વર્ણન તો સર્વજીવાશ્રિત છે, કેવળ મનુષ્યપર્યાયાશ્રિત જ નથી, તેથી સૂંઢ-પૂંછ ઇત્યાદિ અંગ પણ કર્મેન્દ્રિયો જ છે. તો અહીં પાંચની જ સંખ્યા કેમ કહો છો ?
વળી સ્પર્શાદિક પાંચ તન્માત્રા કહી, પણ રૂપાદિક કાંઈ જુદી વસ્તુ નથી, એ તો પરમાણુઓથી તન્મય ગુણ છે, તો એ જુદા કેવી રીતે નીપજ્યા? વળી અહંકાર તો અમૂર્તિક જીવનો પરિણામ છે, તેથી એ મૂર્તિક ગુણ તેનાથી નીપજ્યો કેવી રીતે માનીએ?
તથા એ પાંચેથી અગ્નિ આદિ નીપજ્યા કહે છે, તે પણ પ્રત્યક્ષ જૂઠ છે, કારણ કેરૂપાદિક અને અગ્નિ આદિને સહભૂત ગુણગુણીસંબંધ છે, માત્ર કહેવામાં ભિન્નતા છે; પણ વસ્તુમાં ભેદ નથી. કોઈ પ્રકારે કોઈ જુદા થતા ભાસતા નથી, કહેવામાત્ર વડે જ તેમાં ભેદ ઉપજાવીએ છીએ, તો રૂપાદિક વડે અગ્નિ આદિ ઊપજ્યા કેવી રીતે માનીએ? કહેવામાં પણ ગુણીમાં ગુણ છે, પણ ગુણથી ગુણી નીપજ્યો કેવી રીતે મનાય ?
વળી એ સર્વથી ભિન્ન એક પુરુષ કહે છે, પણ તેનું સ્વરૂપ અવક્તવ્ય કહી કાંઈ પ્રત્યુત્તર કરતા નથી, તો કોણ સમજે ? જો પૂછીએ કે-તે કેવો છે? કયાં છે? કેવી રીતે કર્તાહર્તા છે? તે બતાવ. જે બતાવે તેમાં વિચાર કરતાં અન્યથાપણું ભાસે.
એ પ્રમાણે સાંખ્યમતમાં કહેલાં કલ્પિત તત્ત્વ મિથ્યા જાણવાં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com