________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[ ૧૦૩
વળી તે પૂર્વે પણ સુખી હશે તથા ઇચ્છાનુસાર કાર્ય થતાં પણ સુખી થશે, પરંતુ ઇચ્છા થઈ તે કાળમાં તો તે દુ:ખી હશે ને? ત્યારે તે કહે કે બ્રહ્મને જે કાળમાં ઇચ્છા થાય છે તે જ કાળમાં કાર્ય બની જાય છે તેથી તે દુ:ખી થતો નથી. ત્યાં કહીએ છીએ કે-સ્થૂળકાળની અપેક્ષાએ તો એમ માનો, પરંતુ સૂક્ષ્મકાળની અપેક્ષાએ તો ઇચ્છા અને તેના કાર્યનું યુગપત્ હોવું સંભવતું નથી. ઇચ્છા તો ત્યારે જ થાય કે જ્યારે કાર્ય ન હોય અને કાર્ય થતાં ઇચ્છા રહેતી નથી. માટે સૂક્ષ્મકાળમાત્ર ઇચ્છા રહી ત્યારે તો તે દુઃખી થયો હશે? કારણ કે-ઇચ્છા છે તે જ દુઃખ છે, અન્ય કોઈ દુઃખનું સ્વરૂપ નથી. તેથી બ્રહ્મને ઇચ્છા કેમ હોય? (બ્રહ્મને ઇચ્છાની કલ્પના કરે છે તે મિથ્યા છે.).
વળી તે કહે છે કે:-“ઇચ્છા થતાં બ્રહ્મની માયા પ્રગટ થઈ; ” તેને કહીએ છીએ કેબ્રહ્મને માયા થઈ ત્યારે બ્રહ્મ પણ માયાવી થયો, શુદ્ધ સ્વરૂપ કેવી રીતે રહ્યો? વળી બ્રહ્મ અને માયાને દંડી-દંડવત્ સંયોગસંબંધ છે કે અગ્નિ-ઉષ્ણતાવતું સમવાય-સંબંધ છે? જો સંયોગસંબંધ છે તો બ્રહ્મ ભિન્ન છે, માયા ભિન્ન છે, બન્ને જુદાં ઠર્યા અને તો પછી અદ્વૈત-બ્રહ્મ તે કેવી રીતે રહ્યો? વળી દંડી દંડને ઉપકારક જાણીને ગ્રહણ કરે છે તેમ બ્રહ્મ પણ માયાને ઉપકારક જાણે છે તો ગ્રહણ કરે છે, નહિ તો તેને શા માટે ગ્રહણ કરે? વળી જે માયાને બ્રહ્મ ગ્રહણ કરે છે, તેનો જ નિષેધ કરવો કેમ સંભવે? કારણ કે તે તો ઉપાદેય થઈ. તથા જો સમવાયસંબંધ છે તો જેમ અગ્નિનો ઉષ્ણપણે સ્વભાવ છે તેમ બ્રહ્મનો માયા સ્વભાવ જ થયો. હવે જે બ્રહ્મનો સ્વભાવ છે તેનો નિષેધ કરવો કેમ સંભવે ? કારણ તે તો ઉત્તમ ઠરી.
વળી તે કહે છે કેઃ “બ્રહ્મ તો ચૈતન્ય છે અને માયા જડ છે,” પણ સમવાય-સંબંધમાં એવા બે સ્વભાવ સંભવતા નથી, જેમ પ્રકાશ અને અંધકાર એકત્ર કેમ સંભવે?
ત્યારે તે કહે છે કે “માયા વડે બ્રહ્મ પોતે તે ભ્રમરૂપ (માયારૂપ) થતો નથી, પણ તેની માયા વડે જીવ ભ્રમરૂપ થાય છે. તેને કહીએ છીએ કે જેમ પોતાના કપટને પોતે જાણતો એવો કપટી પોતે તો ભ્રમરૂપ થતો નથી પણ તેના કપટ વડે અન્ય ભ્રમ-રૂપ થઈ જાય છે. હવે કપટી તો તેને કહેવાય કે જેણે કપટ કર્યું હોય, પણ તેના કપટ વડે અન્ય ભ્રમરૂપ થયા હોય તેમને કપટી ન કહેવાય. એ જ પ્રમાણે પોતાની માયાને જાણતો એવો બ્રહ્મ પોતે તો ભ્રમરૂપ થતો નથી પણ તેની માયાવડ અન્ય જીવ ભ્રમરૂપ થાય છે. હવે ત્યાં માયાવી તો બ્રહ્મને જ કહેવાય, પણ તેની માયાવડ ભ્રમરૂપ થયેલા અન્ય જીવોને માયાવી શા માટે કહો છો ?
વળી જીવ બ્રહ્મથી એક છે કે જુદો? જો એક છે તો જેમ કોઈ પોતે જ પોતાનાં અંગોને પીડા ઉપજાવે તો તેને બહાવરો ( ઉન્મત્ત) કહીએ છીએ, તેમ બ્રહ્મ પોતે જ, પોતાનાથી ભિન્ન નથી એવા અન્ય જીવોને માયાવડે દુઃખી કરે છે તો તેને શું કહેશો?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com