________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૯ર ].
મોક્ષમાર્ગ પ્રકાશક
તેથી એ કષાયોની પ્રવૃત્તિને મિથ્યાચારિત્ર કહીએ છીએ. તથા કપાયભાવ થાય છે તે પદાર્થોને ઇષ્ટ-અનિષ્ટરૂપ માનવાથી થાય છે. એ ઇષ્ટ-અનિષ્ટપણે માનવું પણ મિથ્યા છે; કારણ કે કોઈ પણ પદાર્થ ઇષ્ટ-અનિષ્ટરૂપ છે નહિ. તે કેવી રીતે તે અહીં કહીએ છીએ –
ઈષ્ટ-અનિષ્ટની મિથ્યા કલ્પના
જે પોતાને સુખદાયક-ઉપકારી હોય તેને ઇષ્ટ કહીએ છીએ તથા જે પોતાને દુઃખદાયકઅનુપકારી હોય તેને અનિષ્ટ કહીએ છીએ. હવે લોકમાં સર્વ પદાર્થો તો પોતપોતાના સ્વભાવનાં કર્તા છે. કોઈ કોઈ ને સુખદાયક-દુઃખદાયક કે ઉપકારી-અનુપકારી નથી, માત્ર આ જીવ પોતાના પરિણામોમાં તેમને સુખદાયક અને ઉપકારી જાણી ઇષ્ટરૂપ માને છે અથવા દુ:ખદાયક અને અનુપકારી જાણી અનિષ્ટરૂપ માને છે. જુઓ, એક જ પદાર્થ કોઈને ઇષ્ટરૂપ લાગે છે ત્યારે કોઈને અનિષ્ટરૂપ લાગે છે. જેમ જેને વસ્ત્ર ન મળતું હોય તેને ઘટ વસ્ત્ર ઇષ્ટરૂપ લાગે છે તથા જેને બારીક વસ્ત્ર મળે છે તેને તે અનિષ્ટરૂપ લાગે છે. ભૂંડાદિકને વિષ્ટા ઇષ્ટરૂપ લાગે છે ત્યારે દેવાદિકને અનિષ્ટરૂપ લાગે છે. તથા મેઘની વૃષ્ટિ કોઈને ઇષ્ટ લાગે છે ત્યારે કોઈને અનિષ્ટ લાગે છે. એમ અન્ય પણ જાણવું. વળી એ જ પ્રમાણે એક જીવને પણ એક જ પદાર્થ કોઈ કાળમાં ઈષ્ટ લાગે છે ત્યારે કોઈ કાળમાં અનિષ્ટ લાગે છે. તથા આ જીવ જેને મુખ્યપણે ઇષ્ટરૂપ માને છે તે પણ અનિષ્ટ થતું જોવામાં આવે છે. જેમ શરીર ઇષ્ટ છે પણ રોગાદિસહિત થતાં અનિષ્ટ થઈ જાય છે; તથા પુત્રાદિક ઇષ્ટ છે પણ કારણ મળતાં અનિષ્ટ થતાં જોઈએ છીએ. ઈત્યાદિ અન્ય પણ જાણવું. વળી મુખ્યપણે આ જીવ જેને અનિષ્ટ માને છે તે પણ ઈષ્ટ થતું જોઈએ છીએ. જેમ કોઈની ગાળ અનિષ્ટ લાગે છે પણ તે સાસરામાં ઇષ્ટ લાગે છે.-ઇત્યાદિ સમજવું. એ પ્રમાણે પદાર્થોમાં તો ઇષ્ટ-અનિષ્ટપણું છે નહીં. જો પદાર્થોમાં ઇષ્ટ–અનિષ્ટપણું હોય તો જે પદાર્થ ઇષ્ટ હોય તે સર્વને ઇષ્ટ જ થાય તથા જે અનિષ્ટ હોય તે અનિષ્ટ જ થાય; પણ એમ તો થતું નથી. માત્ર આ જીવ પોતે જ કલ્પના કરી તેને ઇષ્ટ-અનિષ્ટ માને છે, પણ એ કલ્પના જૂઠી છે.
વળી એ પદાર્થો સુખદાયક-ઉપકારી યા દુ:ખદાયક-અનુપકારી થાય છે તે કોઈ પોતાની મેળે થતા નથી. પણ પુણ્ય-પાપના ઉદયાનુસાર થાય છે. જેને પુણ્યનો ઉદય થાય છે તેને પદાર્થનો સંયોગ સુખદાયક-ઉપકારી થાય છે તથા જેને પાપનો ઉદય થાય છે તેને પદાર્થનો સંયોગ દુ:ખદાયક-અનુપકારી થાય છે, એ પ્રત્યક્ષ જોઈએ છીએ. કોઈને સ્ત્રી-પુત્રાદિક સુખદાયક છે ત્યારે કોઈને દુઃખદાયક છે. વ્યાપાર કરતાં કોઈને નફો થાય છે ત્યારે કોઈને નુકશાન થાય છે. કોઈને સ્ત્રી-પુત્ર પણ અહિતકારી થાય છે ત્યારે કોઈને શત્રુ પણ નોકર બની જાય છે. તેથી સમજાય છે કે પદાર્થ પોતાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com