________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ચોથો અધિકાર
[ ૮૧
ઉત્તર:- આ જીવને પ્રયોજન તો એક એ જ છે કે “મને દુઃખ ન થાય અને સુખ થાય,” અન્ય કંઈ પણ પ્રયોજન કોઈ જીવને નથી. વળી દુ:ખ ન હોવું તથા સુખ હોવું એ બે એક જ છે, કારણ કે દુઃખનો અભાવ એ જ સુખ છે. હવે એ પ્રયોજનની સિદ્ધિ જીવાદિક તત્ત્વોનું સત્ય શ્રદ્ધાન કરતાં જ થાય છે. તે કેવી રીતે તે અહીં કહીએ છીએ.
પ્રથમ તો દુઃખ દૂર કરવા માટે સ્વ-પરનું જ્ઞાન અવશ્ય જોઈએ. કારણ કે સ્વ-પરનું જ્ઞાન જો ન હોય તો પોતાને ઓળખ્યા વિના પોતાનું દુઃખ તે કેવી રીતે દૂર કરે? અથવા સ્વપરને એકરૂપ જાણી પોતાનું દુઃખ દૂર કરવા અર્થે પરનો ઉપચાર કરે તો તેથી પોતાનું દુ:ખ કેવી રીતે દૂર થાય ? અથવા પોતે તથા પર ભિન્ન છે પરંતુ આ જીવ પરમાં અહંકાર-મમકાર કરે તો તેથી દુઃખ જ થાય. માટે સ્વ-પરનું જ્ઞાન થતાં દુઃખ દૂર થાય છે. હવે સ્વ-પરનું જ્ઞાન જીવઅજીવનું જ્ઞાન થતાં જ થાય છે, કારણ કે પોતે સ્વયં જીવ છે તથા શરીરાદિક અજીવ છે.
જો એનાં લક્ષણાદિવડે જીવ-અજીવની ઓળખાણ થાય તો જ સ્વ-પરનું ભિન્નપણું ભાસે, માટે જીવ-અજીવને જાણવા જોઈએ. અથવા જીવ-અજીવનું જ્ઞાન થતાં જે પદાર્થોના અન્યથા શ્રદ્ધાનથી દુઃખ થતું હતું તેનું યથાર્થ જ્ઞાન થવાથી દુ:ખ દૂર થાય છે, માટે જીવ-અજીવને જાણવા આવશ્યક છે.
વળી દુઃખનું કારણ તો કર્મબંધન છે અને તેનું કારણ મિથ્યાત્વાદિક આસ્રવ છે. હવે તેને ન ઓળખે, તેને દુ:ખના મૂળ કારણરૂપ ન જાણે તો તેનો અભાવ શી રીતે કરે? તથા તેનો અભાવ ન કરે તો કર્મબંધન કેમ ન થાય? અને તેથી દુ:ખ જ થાય છે. અથવા મિથ્યાત્વાદિક ભાવ પોતે જ દુઃખમય છે, તેને જેમ છે તેમ ન જાણે તો તેનો અભાવ પણ તે ન કરે તેથી દુઃખી જ રહે, માટે આસ્રવને જાણવો આવશ્યક છે.
વળી સમસ્ત દુ:ખોનું કારણ કર્મબંધન છે. હવે તેને જો ન જાણે તો તેથી મુક્ત થવાનો ઉપાય પણ તે ન કરે. અને તેના નિમિત્તથી તે દુ:ખી જ થાય, માટે બંધને જાણવો આવશ્યક છે.
આસ્રવનો અભાવ કરવો તે સંવર છે. હવે તેનું સ્વરૂપ જો ન જાણે તો તે સંવરમાં પ્રવર્તે નહિ અને તેથી આસ્રવ જ રહે, જેથી વર્તમાન વા ભાવિમાં દુઃખ જ થાય છે, માટે સંવરને જાણવા આવશ્યક છે.
વળી કથંચિત્ કિંચિત્ કર્મબંધનનો અભાવ કરવો તે નિર્જરા છે. તેને ન જાણે તો તેની પ્રવૃત્તિનો ઉધમી પણ તે ન થાય, ત્યારે સર્વથા બંધ જ રહે અને તેથી દુઃખ જ થાય છે. માટે નિર્જરાતત્ત્વને જાણવું આવશ્યક છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com