________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
પુરુષને જ્ઞાન થોડું હોવા છતાં પણ ઘણો કષાય થતો જોવામાં આવે છે તેમ એ એકેન્દ્રિય જીવોને જ્ઞાન થોડું હોવા છતાં પણ ઘણો કષાય થવો માન્યો છે.
વળી બાહ્ય કષાય પ્રગટ તો ત્યારે થાય જ્યારે કષાય અનુસાર તેઓ કંઈક ઉપાય કરે, પણ તે શક્તિહીન છે તેથી ઉપાય કાંઈ કરી શકતા નથી તેથી તેમનો કષાય પ્રગટ થતો નથી. જેમ કોઈ શક્તિહીન પુરુષને કોઈ કારણથી તીવ્ર કષાય થાય પણ તે કાંઈ કરી શકતો નથી તેથી તેનો કષાય બાહ્યમાં પ્રગટ થતો નથી તેથી તે જ મહાદુઃખી થાય છે, તેમ એકેન્દ્રિય જીવો શક્તિહીન છે, તેમને કોઈ કારણથી કષાય થાય છે, પણ તેઓ કાંઈ કરી શકતા નથી તેથી તેમનો કષાય બહાર પ્રગટ થતો નથી; માત્ર પોતે જ દુઃખી થઈ રહ્યા છે.
વળી એમ જાણવું કે જ્યાં કષાય ઘણો હોય અને શક્તિ અલ્પ હોય ત્યાં ઘણું જ દુઃખ થાય છે. જેમ જેમ કષાય ઘટતો જાય અને શક્તિ વધતી જાય તેમ તેમ દુઃખ પણ ઘટતું જાય છે. એકેન્દ્રિય જીવોને કષાય ઘણો છે અને શક્તિ ઘણી અલ્પ છે તેથી તેઓ મહાદુઃખી છે. એમનાં દુઃખ તો એ જ ભોગવે, એને શ્રી કેવલી ભગવાન જ જાણે, જેમ સન્નિપાતનો રોગી જ્ઞાન ઘટી જવાથી તથા બાહ્યશક્તિ હીન હોવાથી પોતાનું દુઃખ પ્રગટ કરી શકતો નથી, પરંતુ તે મહાદુઃખી છે. તેમ એકેન્દ્રિય જીવો જ્ઞાન બહુ જ અલ્પ અને બાહ્યશક્તિ હીન હોવાથી પોતાનું દુઃખ પ્રગટ પણ કરી શકતા નથી, પરંતુ મહાદુઃખી છે.
અંતરાયના તીવ્ર ઉદયથી ઘણી ચાહના છતાં પણ ઇચ્છાનુસાર થતું નથી માટે પણ તેઓ દુઃખી જ થાય છે.
અઘાતી કર્મોમાં મુખ્યપણે તેમને પાપ-પ્રકૃતિઓનો ઉદય છે. અશાતાવેદનીયનો ઉદય થતાં તેના નિમિત્તથી તેઓ મહાદુઃખી હોય છે. વનસ્પતિ પવનથી તૂટી જાય છે, શીત-ઉષ્ણતાથી અને જળ ન મળવાથી સૂકાઈ જાય છે, અગ્નિથી બળી જાય છે, કોઈ છેદે છે, ભેદે છે, મસળે છે, ખાય છે, તોડે છે-ઇત્યાદિ અવસ્થા થાય છે. એ જ પ્રમાણે યથાસંભવ પૃથ્વીકાય આદિમાં પણ અવસ્થા થાય છે. એ અવસ્થાઓ હોવાથી એ એકેન્દ્રિય જીવો મહાદુઃખી થાય છે.
જેમ મનુષ્યના શરીરમાં પણ એવી અવસ્થાઓ થતાં દુ:ખ થાય છે તે જ પ્રમાણે તેમને પણ દુઃખ થાય છે. એ અવસ્થાઓનું જાણપણું એક સ્પર્શનઈન્દ્રિય દ્વારા થાય છે. હવે સ્પર્શનઇન્દ્રિય તો તેમને છે; જે વડે એ અવસ્થાઓને જાણી મોહવશથી તેઓ મહાવ્યાકુળ થાય છે, પરંતુ તેમનામાં ભાગી જવાની, લડવાની કે પોકાર કરવાની શક્તિ ન હોવાથી અજ્ઞાની લોક તેમનાં દુ:ખોને જાણતા નથી. વળી કદાચિત્ કિંચિત્ શતાવેદનીયનો ઉદય તેમને હોય છે. પણ તે બળવાન હોતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com