________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨ ].
મોક્ષમાર્ગ પ્રકાશક
વળી વેદનીયમાં શાતાનો ઉદય તેમને ઘણો છે. તેમાં ભવનત્રિક દેવોને થોડો હોય છે તથા વૈમાનિક દેવોમાં ઉપર ઉપરના દેવોને વધારે હોય છે. શરીરની ઇષ્ટ અવસ્થા તથા સ્ત્રીમકાનાદિક સામગ્રીઓનો સંયોગ હોય છે. કદાચિત્ કિંચિત્ અશાતાનો ઉદય પણ કોઈ કારણથી તેમને હોય છે. એ અશાતાનો ઉદય હલકા દેવોને કંઈક પ્રગટપણે છે, પરંતુ ઉત્કૃષ્ટ દેવોને તે વિશેષ પ્રગટ નથી. તેમનું આયુષ્ય ઘણું છે, ઓછામાં ઓછું દશહજાર વર્ષ તથા ઉત્કૃષ્ટ તેત્રીસ સાગર છે. અને ૩૧ સાગરથી વધારે આયુષ્યનો ધારક મોક્ષમાર્ગ પામ્યા વિના કોઈ હોઈ શકતો નથી. એટલો બધો કાળ એ દેવો વિષયસુખમાં મગ્ન રહે છે. નામકર્મમાં દેવગતિ આદિ સર્વ પુણ્ય-પ્રકૃતિઓનો જ તેમને ઉદય છે તેથી એ તેમને સુખનું કારણ છે. ગોત્રકર્મમાં તેમને ઉચ્ચ ગોત્રનો જ ઉદય છે તેથી તેઓ મહાનપણાને પ્રાપ્ત છે.
એ પ્રમાણે પુણ્યઉદયની વિશેષતાવડ તેમને ઇષ્ટ સામગ્રી મળી છે અને કષાયો વડે ઇચ્છા હોવાથી તેને ભોગવવામાં તેઓ આસક્ત બની રહ્યા છે, એમ છતાં પણ ઇચ્છા તો અધિક જ રહે છે તેથી તેઓ સુખી થતા નથી. ઊંચા દેવોને ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય છે અને કષાય ઘણા મંદ છે, તથાપિ તેમને પણ ઇચ્છાનો અભાવ થતો નથી તેથી વસ્તુતાએ તેઓ દુઃખી જ છે. એ પ્રમાણે સંસારમાં સર્વત્ર કેવળ દુઃખ, દુઃખ અને દુઃખ જ છે.
એ પ્રમાણે પર્યાય અપેક્ષાએ દુઃખનું વર્ણન કર્યું. હવે સર્વ દુઃખનું સામાન્ય સ્વરૂપ કહીએ
છીએ.
સર્વ દુઃખોનું સામાન્ય સ્વરૂપ
દુઃખનું લક્ષણ આકુળતા છે અને આકુળતા ઇચ્છા થતાં થાય છે તથા સંસારી જીવોને અનેક પ્રકારની ઇચ્છા હોયછે.
ઇચ્છાઓ ચાર પ્રકારની છે -
૧-એક તો વિષયગ્રહણની ઇચ્છા હોય છે અર્થાત તેને દેખવા-જાણવા ઇચ્છે છે. જેમ વર્ણ દેખવાની, રાગ સાંભળવાની તથા અવ્યક્તને જાણવા આદિની ઇચ્છા થાય છે. ત્યાં બીજી કાંઈ પીડા નથી, પરંતુ જ્યાંસુધી દેખે-જાણે નહિ ત્યાંસુધી તે મહાવ્યાકુળ થાય છે. એ ઇચ્છાનું નામ વિષય છે.
૨-એક ઇચ્છા કપાયભાવો અનુસાર કાર્ય કરવાની હોય છે, જેથી તે કાર્ય કરવા ઇચ્છે છે. જેમ બૂરું કરવાની, હીન કરવાની ઇત્યાદિ ઇચ્છા થાય છે. હવે અહીં પણ બીજી તો કાંઈ પીડા નથી, પરંતુ જ્યાંસુધી એ કાર્ય ન થાય ત્યાંસુધી તે મહાવ્યાકુળ થાય છે. એ ઇચ્છાનું નામ કષાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com