________________
28
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ વ્યવહાર છે. આ વ્યવહાર જેને સત્યાર્થ લાગે છે તેને ભેદજ્ઞાન કરવાની શક્તિ બિડાઈ જાય છે તેથી તેને સમયે સમયે સ્વ છૂટે છે અને પર સાથે એકત્ર થઈ જાય છે.
કેમ કે સ્વ-પર પ્રકાશકમાં સ્વને જાણુ અને પરને જાણ એમ આવ્યું ને? તો અનુભવ કયાંથી થાય? પરનું જાણવું ચાલુ રાખવું છે અને આત્માનો અનુભવ કરી લેવો છે! સ્વપર પ્રકાશક પાછળ તેનો એ હેતુ રહેલો છે! સ્વ-પર પ્રકાશક એવું પ્રમાણ જ્ઞાન તો ભેદજ્ઞાન માટે હતું એટલે કે વિધિનિષેધમાં આવે તો ભેદજ્ઞાન થાય અને તેને નયપૂર્વક સમ્યક્ પ્રમાણજ્ઞાનનો જન્મ થાય, આ પ્રમાણ જ્ઞાનમાં ભેદજ્ઞાન વર્તતું હોવાથી તે ખરેખર પ્રમાણ છે.
આ પ્રમાણે જ્ઞાનના પ્રમાણમાં વ્યવહારનો નિષેધ કરવાની અસમર્થતા હોવાથી તે નિશ્ચયનયના પક્ષમાં આવી શકતો નથી. નિશ્ચયના પક્ષમાં આવ્યા વિના કોઈ જીવને કદી પક્ષીતિક્રાન્ત થતો નથી. આ રીતે જ્ઞાનના સ્વચ્છત્વમાં અને જ્ઞાનના જ્ઞાનત્વમાં મોટો તફાવત રહેલો છે. પર પદાર્થનો માત્ર પ્રતિભાસ જ થાય છે પરંતુ પર પદાર્થને જ્ઞાન જાણતું નથી. તો પણ જ્ઞાનની સ્વચ્છતામાં પરનો પ્રતિભાસ રહી જાય છે અને પરનું જાણવું બંધ થઈ જાય છે અને આત્માનું જાણવું ઉદય થઈ જાય છે. સ્વ-પર પ્રકાશક એવો વ્યવહાર જે જ્ઞાનનું પ્રમાણ છે તેમાં જ ભેદજ્ઞાનની પ્રોસેસ ઘટાવતાં એટલે કે પ્રમાણજ્ઞાનમાં વિધિ-નિષેધ કરતાં શુદ્ધ નિશ્ચયનય પ્રકાશમાન થાય છે. જ્યારે જ્ઞાન પર્યાયનો નિશ્ચય પ્રગટ થાય છે ત્યારે જ પ્રયોજનની સિદ્ધિ થાય છે. ઉપયોગની સ્વચ્છતામાં સ્વ-પરનો પ્રતિભાસ અવશ્ય થાય છે, પરંતુ તે પ્રતિભાસને ન દેખો. આવું જોયાકાર જ્ઞાન તે જ્ઞાન પર્યાયનો પ્રમાણરૂપ વ્યવહાર છે. કેમકે સ્વ-પર પ્રતિભાસમાં તે લક્ષરૂપ સ્વનેય જાણતો નથી અને લક્ષરૂપ પરનેય જાણતો નથી. આથી આ પ્રમાણ જ્ઞાન ન નિશ્ચયરૂપ છે ન નિશ્ચયપૂર્વકના વ્યવહારરૂપ છે કે ન તો અજ્ઞાનરૂપ છે.
સંતો કહે છે કે- છદ્મસ્થ જીવોને પ્રતિભાસ સ્વ-પર બન્નેનો હોવા છતાં તેનું લક્ષ બે ઉપર નથી. પ્રતિભાસની અપેક્ષાએ જ્ઞાનને સ્વ-પર પ્રકાશક કહ્યું. લક્ષની અપેક્ષાએ તો જ્ઞાન સ્વપ્રકાશક જ છે અને તેમાં જ અનુભવ છે અજ્ઞાનીનું “સ્વ-પર પ્રકાશક” તે એકાન્ત પરપ્રકાશક જ છે. જ્ઞાનીનું સ્વ-પર પ્રકાશક તે એકાન્ત પ્રકાશક જ છે. જો બન્ને શેય ઉપર લક્ષ હોય તો સ્વ-પર પ્રકાશકની હા પાડું! મને તો લક્ષપૂર્વક મારો પરમાત્મા જ જણાય છે; બીજું શેય જણાતું જ નથી. બે શેયની સિદ્ધિ વિના સ્વ-પર પ્રકાશક જ્ઞાનની સિદ્ધિ થતી નથી. આ રીતે સિદ્ધાંતની કસોટીએ કરતાં એમ સિદ્ધ થયું કે સ્વ-પર પ્રકાશક જ્ઞાનથી સાધ્યની સિદ્ધિ થતી નથી.