________________
કરો.' તો હીરાબા કહે છે, ‘મને આ બધું તમારું ગમતું નથી.' ત્યારે દાદાશ્રીએ કહ્યું કે, ‘તમારું બધું મને ગમે છે, મારું તમને ગમતું નથી. માટે આપણે જુદું કરી નાખીએ.’
પછી તો સામા ઘરવાળા સાંભળે એવી રીતે જોશથી, મોટેથી બોલવા માંડ્યા, કે આ હીરાબા જેવી દેવીને કોણે આ દવા ઘાલી ? જે એમનામાં હતું નહીં એ ક્યાંથી આવ્યું આ ? કોણે પોઈઝન નાખ્યું છે હીરાબામાં ? હોંકારીને બોલવા માંડ્યા, તે આજુબાજુવાળા બધા ભેગા થઈ ગયા.
પછી તો હીરાબા રસોડામાં જઈને ચા બનાવવા બેસી ગયા, પણ પેલો સ્ટવ જરા જોરથી ખખડાવ્યો. તે દાદાશ્રીએ કહ્યું, આજ શાની ખખડામણ ચાલી છે ? કોણ છે મહીં અત્યારે તે આ ખખડાય ખખડાય કરે છે ? પછી તો અંદર જઈને ચા-ખાંડના ડબ્બા બધું નીચે ફેંકવા માંડ્યું. બધું ભેળસેળ કરી નાખ્યું. તે આજુબાજુવાળા બધા ફફડી ગયા ને કહેવા માંડ્યા કે ‘ભઈ, આવું ના કરો, આવું ના કરો.’
દાદાશ્રી તો કહેવા માંડ્યા, ‘આ રોગ કોણે ઘાલ્યો ? હવે એમને છૂટું રહેવાનું થયું. હવે હીરાબાને ભાદરણ મોકલી આપીએ. દર મહિને રૂપિયા મોકલી આપીશું. માટલાને તિરાડ પડી ગઈ, હવે પાણી રહે નહીં. તો માટલાને શું કરવાનું ?”
આજુબાજુવાળા પાડોશીઓ ગભરાઈ ઊઠ્યા. બધાને લાગ્યું કે દાદા આજે વિફર્યા છે. પછી તો કેસ માંડવાળ કર્યો કે આ ફેરો નિભાવી લઈએ છીએ. ફરી આવું ના હોવું જોઈએ.
પેલી બઈ શિખવાડતી હતી તે તો ગભરાઈ જ ગઈ. એટલે પછી હીરાબાને કહે કે ભઈને ઉપાધિ થાય એવું કશું કરશો નહીં. દાદાશ્રીએ એક ફેરો ઓપરેશન કર્યું તે દહાડે, તે હીરાબા એવા ભડકી ગયા કે ફરી જિંદગીમાંય આવું ના કરે. હીરાબાયે જાણે કે તીખા ભમરા જેવા છે, એટલી છાપ પાડી દીધી.
દાદાશ્રી કહે છે, અમને સહેજે ક્રોધ ચઢ્યો નહોતો. આ તો અક્રોધીનો ક્રોધ ! બધું પાંસરું કરી નાખે. ક્રોધ વગરનો ક્રોધ. અમે ઉપયોગમાં રહીને ક્રોધ કર્યો છે. વાળી લેતા આવડે તો આવું કરવાની છૂટ.
39