________________
ઉપદેશપદ : ભાગ-૧ (૪) કેવળજ્ઞાનની પ્રાપ્તિના કાળે(=કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી સદાય) આઠ મહાપ્રાતિહાર્યો રૂપ પૂજાની પ્રાપ્તિ થઈ.
(૫) શ્રી વીપ્રભુની કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી અંતરના અજ્ઞાન સમૂહને છેદવામાં ચતુર, સર્વલોકના મનને હરનારી, સત્યકથાના માર્ગને વિસ્તારનારી, અને જન્મ-જરામરણને દૂર કરનારી, (સર્વભાષાઓમાં) મુખ્ય અને ઉત્કૃષ્ટ એવી અર્ધમાગધી ભાષાથી (વિરોધી હોવા છતાં પ્રભુના સાન્નિધ્યથી) મિત્ર સ્વરૂપ બનેલા રાજા વગેરે જીવોના સંશયસમૂહને સમકાળે જ ( એકી સાથે) દૂર કરે છે.
(૬) શ્રી વીરપ્રભુ પોતાના વિહાર રૂપ પવનના ફેલાવાથી ચાર દિશાઓના પૃથ્વીપ્રદેશમાં ૨૫ યોજન સુધી (ઉપર અને નીચે સાડા બાર-સાડા બાર યોજન સુધી એમ કુલ સવાસો યોજન સુધી) સર્વ આધિ-વ્યાધિ રૂપ ધૂળસમૂહને દૂર કરે છે.
(૭) શ્રી વીરપ્રભુમાં સર્વ સુર-અસુરોથી ચઢિયાતું શરીરસૌંદર્ય વગેરે ગુણસમૂહ હોય છે. આ કારણોથી શ્રી વીરપ્રભુની પ્રશંસનીય અચિંત્યશક્તિ ત્રણભુવનમાં પણ પ્રસિદ્ધ જ છે.
ત્રિલોકનાથ- કેવળજ્ઞાનરૂપ ચક્ષુબળથી કેવલીઓથી જે જોવાય તે લોક કહેવાય છે. તે લોક ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયથી ઓળખાયેલ આકાશ પ્રદેશ છે. અર્થાત્ આ ચાર જેટલા આકાશપ્રદેશમાં છે તેટલો આકાશપ્રદેશ લોક છે. કહ્યું છે કે- “ધર્માસ્તિકાય આદિ(ચાર) દ્રવ્યો જે ક્ષેત્રમાં રહે છે તે દ્રવ્યોની સાથે તે ક્ષેત્રને લોક કહેવાય છે અને તેનાથી વિપરીત(=અન્ય) ક્ષેત્ર અલોક કહેવાય છે.” અહીં તો કેવી રીતે ગામનો એક દેશ ગામ કહેવાય છે, તે રીતે લોકનો ઊર્ધ્વ આદિ એક દેશ પણ લોક કહેવાય છે. તેથી (ઊર્ધ્વ, અધો અને તિર્ય એ ત્રણની અપેક્ષાએ) ત્રણ લોક તે ત્રિલોક કહેવાય છે. ત્રણ લોકના નાથ તે ત્રિલોકનાથ. અહીં ત્રણ લોકના નાથ એટલે ત્રણ લોકમાં રહેલા ભવ્યલોકના નાથ. જે યોગ અને ક્ષેમને કરે તે નાથ. પ્રાપ્ત ન થયેલા સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ થવી તે યોગ. પ્રાપ્ત થયેલા ગુણોનું રક્ષણ કરવું તે ક્ષેમ. શ્રી વીરપ્રભુ ત્રણ લોકમાં રહેલા ભવ્યજીવોના યોગ-ક્ષેમને કરે છે માટે ત્રિલોકનાથ છે.
જિને- દુઃખે કરીને જેમનો નાશ કરી શકાય તેવા રાગાદિ આંતરશત્રુઓના સમૂહને જિતનારા શ્રીવીર જિન કહેવાય છે.
લોકાલોકચંદ્ર- લોકનું લક્ષણ પૂર્વે કહ્યું છે. તેનાથી વિપરીત (=અન્ય) અલોક છે. જેવી રીતે ચંદ્ર વસ્તુનું પ્રકાશન કરે છે, તેવી રીતે શ્રીવીરપ્રભુ કેવળજ્ઞાનપૂર્વક વચનરૂપી ચંદ્રજ્યસ્નાના સમૂહથી લોકાલોકના યથાવસ્થિત સ્વરૂપનું પ્રકાશન કરે છે, માટે લોકાલોકચંદ્ર છે. ૧. ૩૫સ્થાપન=સમીપમાં સ્થાપવું.