________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૦૭ આ પ્રમાણે કેટલોક કાળ ગયો ત્યારે અવંતિમાં અસુરાગ્નિ ઉત્પન્ન થયો. તે અગ્નિ ધૂળપથ્થર-ઈટાદિથી પણ સળગે છે જ. આ પ્રમાણે નગરીમાં દારૂણ દાહ થયો ત્યારે રાજા વિચારે છે કે અહો ! હમણાં કેવું અણઘટતું અહીં ઉપસ્થિત થયું. પુછાયેલો અભય કહે છે કે અનુભવી પુરુષોએ આ પ્રમાણે કહ્યું છે કે જેવા સાથે તેવા થવું. અહીં ઝેરનું મારણ ઝેર છે. તેમ અગ્નિનો ઉપાય અગ્નિ જાણવો. ઠંડીનો ઉપાય ઉષ્ણતા છે. વિજાતીય અગ્નિ પ્રગટાવ્યો. તેના પ્રયોગથી પૂર્વનો અગ્નિ શાંત થયો. આ પ્રમાણે ત્રીજા વરદાન મેળવ્યું તેમજ થાપણ મુક્યું. (૯૩)
હવે કોઈક વખત ઉજ્જૈની નગરીમાં ભયંકર અશિવ ઉત્પન્ન થયો. રાજાએ અભયને પુછ્યું. અભયે કહ્યુંઃ અંતઃપુરની સભામાં શૃંગાર સજીને રાજ-અલંકારો પહેરીને દેવીઓ તારી પાસે આવે ત્યારે જે દેવી પોતાની દૃષ્ટિથી જીતે તે મને તમારે જલદીથી કહેવું. તેમજ કરવામાં આવ્યું. શિવાદેવીને છોડીને બાકીની બધી અધોમુખી રહી. રાજાએ નિવેદન કર્યું કે તારી માતાતુલ્ય શિવાદેવીથી હું જિતાયો છું. અને મુખમાં એક આઢક પ્રમાણ બલિ એવા કૂરને લઈને તેના મુખમાં નાખવું. તેમ જ કરવામાં આવ્યું. અશિવનો ઉપશમ થયો. ચોથું વરદાન મેળવ્યું.
પછી અભય વિચારે છે કે પરઘરમાં ક્યાં સુધી રહેવું ? પૂર્વે મેળવેલા વરદાનો રાજા પાસે માગે છે. અનલગિરિ હાથી ઉપર તમે મહાવત થયે છતે, દેવીના ખોળામાં બેઠેલો હું લાકડાથી ભરેલા અગ્નિભીરુ રથ સાથે અગ્નિમાં પ્રવેશું એવી મારી ઇચ્છા છે તો પોતાના વચનનું પાલન કરો. આ પોતાના સ્થાને જવા ઇચ્છે છે એમ જાણીને અતિમહાન સત્કાર કરીને તેને રજા આપી. પછી અભય કહે છે કે હું અહીં ધર્મના છળથી તમારા વડે લવાયો છું પણ હું આદિત્ય રૂપી દીપકને કરીને અર્થાત્ ધોળે દિવસે, બરાડા પાડતા, નગરના લોકોની સમક્ષ બાંધીને તમને ન લઈ જાઉં તો અભય નામને ધારણ કરનારો હું અગ્નિમાં પ્રવેશ કરીશ એમ પ્રતિજ્ઞા કરીને રાજગૃહ નગરમાં કેટલાક દિવસો રહ્યો. (૧૦૫)
પછી પોતા સમાન રૂપવાળી અર્થાત્ વણિકના વેશવાળી બે ગણિકાની પુત્રીઓને લઇને ઉર્જની પહોંચ્યો અને વણિકના વેશને ધારણ કરીને અપૂર્વ કરિયાણાનો નિપુણ વ્યાપાર શરૂ કર્યો. બદલો લેવાના નિશ્ચયવાળો અભય રાજમાર્ગ પર રહેલા છેલ્લા મહેલને ભાડેથી લે છે. અન્ય દિવસે ગવાક્ષમાં રહેલા પ્રદ્યોતે સવિશેષ વેશ પરિધાનવાળી ગણિકા પુત્રીઓને જોઈ વિશાળ ધવલ આંખોથી લાંબા સમય સુધી એકી ટસે જોઈ. ગણિકાપુત્રીઓએ તેના ચિત્તને આકર્ષવામાં મંત્ર સમાન અંજલિબદ્ધ પ્રણામ કર્યો. તેના તરફ આસક્ત થયેલો રાજા પોતાના ભવનમાં ગયો. પદારાની લોલતાથી દૂતીને મોકલી. ગુસ્સે થયેલી તેઓએ હાંક મારી દૂતીને “ બહાર કાઢી તેને કહ્યું કે રાજા આવા વર્તનવાળો ન હોય. ગુસ્સે થયેલી બીજે દિવસે પણ આ પ્રમાણે જ કહે છે. ત્રીજે દિવસે દૂતીને કહ્યું કે સાતમે દિવસે દેવકુલમાં અમારી જાત્રા છે ત્યાં એકાંત મળશે પણ અહીં ભાઈ હંમેશા રક્ષણ કરે છે. (૧૧૨).