________________
૩૭૦
ઉપદેશપદ : ભાગ-૧ દિવસો પસાર થાય છે. એકવાર તે નગરીમાં વિશ્વને આનંદ પમાડનારા, ઈક્વાકુ કુલને શોભાવનારા, વાણીરૂપી પાણીથી લોકના સંતાપને શમાવવા માટે વાદળ સમાન ભગવાન શ્રી મહાવીર તીર્થંકર પધાર્યા. દેવોએ ભગવાનની દેશના ભૂમિ બનાવી, અર્થાત્ સમવસરણ બનાવ્યું. તે સમવસરણમાં દેવ-અસુરોથી સહિત પર્ષદા સમક્ષ ધર્મ કહ્યો. શ્રી મહાવીર ભગવાનને આવેલા સાંભળીને કૌશાંબી નગરીમાં રહેનારા રાજા વગેરે લોકો તેમના ચરણકમલને વંદન કરવા માટે આવ્યા. તે બે શ્રેષ્ઠિપુત્રો પણ કુતૂહલવૃત્તિથી લોકની સાથે ભગવાનની પાસે આવ્યા. કરુણામાં તત્પર શ્રી જિનેશ્વરે જીવોનાં સર્વ કલ્યાણોનું કારણ એવા શાશ્વત મોક્ષમાર્ગનો ઉપદેશ આવ્યો. તે બે વણિકપુત્રોમાંથી એકને જિનવચન ઉપર શ્રદ્ધા થઈ. તે મનમાં જિનવચનનું ચિંતન કરે છે. પહોળી આંખવાળો, મસ્તકને ધુણાવતો અને રોમાંચિત બનેલો તે કાનરૂપ પર્ણપુટમાં પડેલા જિનવચનને અમૃતની જેમ પીવે છે. બીજા શ્રેષ્ઠિપુત્રને જિનવચન રેતીના કોળિયા જેવું લાગે છે. તે બંનેએ પરસ્પરના ભાવને જાણ્યો. દેશના ભૂમિમાંથી ઊભા થઈને પોતાના ઘરે ગયા. ત્યાં એકે આ પ્રમાણે કહ્યું હે બંધુ! તું જિનવચનથી ભાવિત થયો, હું ભાવિત ન થયો. તેથી આમાં શું કારણ છે ? આટલા ઘણા કાળ સુધી આપણે એક ચિત્તવાળા તરીકે ખ્યાતિને પામેલા છીએ. હમણાં આપણા બેનું ચિત્ત ભિન્ન થયું. તેથી અહીં શું કારણ છે ? વિસ્મય પામેલા બીજાએ કહ્યું: તારી વાત સાચી છે. મને પણ આ પ્રમાણે વિકલ્પ થાય છે. આ વિષે પુછાયેલા તે કેવળી(જિન) જ ચોક્કસ આપણો નિશ્ચય કરશે. તેથી આપણે તેમની પાસે જઈશું. આ પ્રમાણે નિર્ણય કરીને તે બે સવારે કેવળી(જિન)ની પાસે ગયા. આરાધ્ય તે કેવળી(જિન)ને વિનયપૂર્વક તેમણે પોતાનો સંશય પૂક્યો. કેવળીએ (જિને) કહ્યું: તમારા બેમાંથી એકે મુનિની પ્રશંસા કરી. તે આ પ્રમાણે–
પૂર્વભવમાં તમે બે કોઈક ગામમાં ગામમુખીના પુત્ર હતા. કાલક્રમથી તમે યૌવન અને લાવણ્યને પામ્યા. યુવાનીમાં થનારા વિકારો થવા લાગ્યા. ધનના અભાવથી મનોરથ જરા પણ પૂરાતા નથી. તેથી ચોરી રૂપ અનાર્ય કાર્ય કરવાનું શરૂ કર્યું. રાતે બીજા ગામમાં ગાયોને ચોરી. ગાયોને લઇને અતિશય ઉતાવળથી જતા તમને કોટવાળોએ ત્રાસ પમાડ્યો. આથી તમોએ નાશવા માડ્યું. પર્વતની ગુફામાં રહેલા અને ધ્યાન-મૌનપૂર્વક ક્રિયામાં લીન બનેલા એક સાધુને તમોએ જોયા. તેથી ધર્મપાલ જીવે વિચાર્યું કે, અહો ! શ્રેષ્ઠ આચારનું ઘર એવા આ સાધુનો જન્મ સફળ છે. જેથી સંગનો ત્યાગ કરીને આ પ્રમાણે નિર્ભય અને શાન્ત રહે છે. પણ અમે અધન્યથી પણ અધન્ય છીએ. કારણ કે ધનની ઇચ્છાથી વિરુદ્ધ કામો કરતા અમે પરાભવના સ્થાનને પામ્યા છીએ. ધિક્કારથી ૧. પર્ણપુટ એટલે પાંદડાનો પડિયો.