________________
૪૦૪
ઉપદેશપદ : ભાગ-૧ साधुर्मुनिर्देवत्वकारणभावापन्न इति । अन्यत्राप्युक्तम्-"मिउपिंडो दव्वघडो, सुसावगो तह य दव्वसाहुत्ति । साहू य दव्वदेवो, एमाइ सुए जओ भणियं ॥१॥"॥२५५॥
ગાથાર્થ–બીજો દ્રવ્ય શબ્દ (ભાવરૂપે બનવાની યોગ્યતા અર્થમાં છે અને તે યોગ્યતા અર્થવાળો) દ્રવ્ય શબ્દ વિવિધ નયના ભેદથી વિવિધ યોગ્યતા અર્થમાં જાણવો. જેમકે–જે સાધુ વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થવાના છે તે સાધુ હમણાં દ્રવ્ય દેવ કહેવાય.
ટીકાર્થ–સાધુમાં કહેલી દેવપણાની યોગ્યતા જુદા-જુદા નયથી ત્રણ પ્રકારની કહી છે. તે આ પ્રમાણે-(૧) એકભવિક (૨) બદ્ધાયુષ્ક (૩) અભિમુખનામગોત્ર. જે સાધુએ વર્તમાનભવમાં દેવગતિનું આયુષ્ય બાંધ્યું ન હોય, પરંતુ અનંતર ભવમાં દેવભવમાં જવાની યોગ્યતા ધરાવે, તે સાધુ એકભવિક દ્રવ્યદેવ કહેવાય. જે સાધુએ વર્તમાન ભવમાં દેવલોકના આયુષ્યનો બંધ કરી દીધો છે, તે સાધુ બદ્ધાયુષ્ક દ્રવ્યદેવ કહેવાય. દેવલોકના આયુષ્યનો બંધ કર્યા પછી વર્તમાન ભવના છેલ્લા અંતર્મુહૂર્તમાં દેવગતિમાં ઉદયમાં આવનારી નામકર્મની પ્રકૃતિઓ અને ગોત્રકર્મ ફલાભિમુખ બન્યા હોય, તેવા સાધુ અભિમુખનામ-ગોત્ર દ્રવ્યદેવ કહેવાય. આ પ્રમાણે ભિન્ન ભિન્ન નયની અપેક્ષાએ દેવભવની યોગ્યતા ઉક્ત રીતે ભિન્ન ભિન્ન છે. સંગ્રહ અને વ્યવહાર નય ઉક્ત ત્રણે પ્રકારની યોગ્યતાને સ્વીકારે છે. આ વિષે કહ્યું છે કે–નામ-સ્થાપના-દ્રવ્ય એ નિપેક્ષા દ્રવ્યાસ્તિક નયને જ અભિમત છે. ભાવનિપેક્ષ પર્યાયાસ્તિક નયને જ અભિપ્રેત છે. સંગ્રહ અને વ્યવહાર એ બે નયો દ્રવ્યાસ્તિક નયના મતને સ્વીકારે છે, અર્થાત્ તે બેનો દ્રવ્યાસ્તિક નયના મતમાં અંતર્ભાવ થાય છે. બાકીનાં નયો પર્યાયાસ્તિક નયના મતને સ્વીકારે છે. (વિશેષા. ગા. ૭૫)
આ જ વિષયને (શાસ્ત્રમાં દેખાતા) પ્રયોગથી ગ્રંથકાર (ગાથાના ઉત્તરાર્ધમાં) જણાવે છે–જે સાધુ વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થવાના છે તે સાધુ હમણાં દ્રવ્યદેવ કહેવાય. કારણ કે તે સાધુ દેવમાં ઉત્પન્ન થવાના કારણભાવને પામેલા છે. બીજા સ્થળે પણ કહ્યું છે કે-“માટીનો પિંડ દ્રવ્ય ઘટ છે. સુશ્રાવક દ્રવ્યસાધુ છે. સાધુ દ્રવ્યદેવ છે, ઈત્યાદિ અનેક પ્રયોગો (–ઉલ્લેખો) શાસ્ત્રમાં છે. (પંચા. ૬-૧૧)”
માટીનો પિંડ દ્રવ્યઘટ છે. એટલે કે માટીનો પિંડ દ્રવ્યથી–યોગ્યતાથી ઘટ છે. માટીનો પિંડ સ્વરૂપે તો માટીનો પિંડ જ છે, પણ તેનામાં ઘટરૂપે બનવાની યોગ્યતા હોવાથી તેને દ્રવ્યઘટ કહેવામાં આવે છે. સુશ્રાવક દ્રવ્યથી=યોગ્યતાથી સાધુ છે, અર્થાત્ સુશ્રાવક સાધુ બનવાની યોગ્યતાવાળો હોવાથી દ્રવ્યસાધુ છે. સાધુ દ્રવ્યથી=યોગ્યતાથી દેવ છે, અર્થાત્ સાધુ દેવ બનવાની યોગ્યતાથી યુક્ત હોવાથી દ્રવ્યદેવ છે. (૨૫૫)